Russia Ukraine War : આ અઠવાડિયે રશિયાના વિદેશમંત્રી લાવરોવ ભારતની કરી શકે છે મુલાકાત, આ મુદ્દા પર થશે ચર્ચા
યુક્રેન પરના આક્રમણને લઈને ભારતે હજુ સુધી રશિયાની ટીકા કરી નથી અને રશિયન આક્રમણની નિંદા કરતા ઠરાવો પર યુએન ફોરમમાં મતદાન કરવાનું પણ ટાળ્યુ છે.
Russia Ukraine War : રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ (Russian Foreign Minister Sergei Lavrov) આ અઠવાડિયે ભારતની (India)મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત દરમિયાન નવી દિલ્હી મોસ્કોથી તેલ અને લશ્કરી સાધનોની ખરીદી માટે ચુકવણી પ્રણાલી પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે લાવરોવ ચીનની (China) બે દિવસની મુલાકાત પૂર્ણ કર્યા પછી ગુરુવાર અથવા શુક્રવારે ભારતની મુલાકાત લઈ શકે છે.
રશિયા તરફથી આ ભારતની સર્વોચ્ચ સ્તરની મુલાકાત હશે
મોસ્કોએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન સામે લશ્કરી આક્રમણ શરૂ કર્યું ત્યારથી રશિયા તરફથી આ ભારતની સર્વોચ્ચ સ્તરની મુલાકાત હશે. જો કે આ મુલાકાત અંગે ભારત અથવા રશિયાના વિદેશ મંત્રાલયો તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યુ નથી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી, યુએસના રાજકીય બાબતોના અન્ડર સેક્રેટરી વિક્ટોરિયા નુલેન્ડ અને ઑસ્ટ્રિયા અને ગ્રીસના વિદેશ પ્રધાનો સહિત ઘણા ઉચ્ચ સ્તરીય વ્યક્તિઓએ ભારતની મુલાકાત લીધી છે.
બ્રિટિશ વિદેશ સચિવ લિઝ ટ્રસ ગુરુવારે ભારતની મુલાકાતે આવશે
તમને જણાવી દઈએ કે, બ્રિટિશ વિદેશ સચિવ લિઝ ટ્રુસ ગુરુવારે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. અહેવાલો મુજબ લાવરોવની આ મુલાકાત દરમિયાન ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને લશ્કરી સાધનોની ખરીદી માટે ચૂકવણીની પદ્ધતિ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. યુક્રેન પર આક્રમણને લઈને રશિયા પર લાદવામાં આવેલા પશ્ચિમી પ્રતિબંધો વધુ મુશ્કેલ બની રહ્યા છે. બંને પક્ષો રૂપિયા-રુબલ પેમેન્ટ સિસ્ટમને સક્રિય કરવા વિચારી રહ્યા હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન પરના આક્રમણને લઈને ભારતે હજુ સુધી રશિયાની ટીકા કરી નથી અને રશિયન આક્રમણની નિંદા કરતા ઠરાવો પર યુએન ફોરમમાં મતદાન કરવાનું પણ ટાળ્યુ છે. સોમવારે રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે કહ્યું કે, બંને દેશોના રાષ્ટ્રપતિઓ મળે ત્યારે જ જ્યારે સંભવિત કરારના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો : કાઉન્ટડાઉન શરૂ, 31 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે ચર્ચા, ઈમરાન ખાનની ખુરશી જવાનો ખતરો વધ્યો