Russia Ukraine War: રશિયાએ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કર્યો હુમલો ,જાણો શું છે સ્થિતિ?
રશિયાએ યુક્રેનમાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. જે બાદ અહીં આગ ફાટી નીકળી હતી. સમગ્ર વિશ્વમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Russia Ukraine War: રશિયાએ યુક્રેનમાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (Zaporizhzhia Nuclear Power Plant) પર હુમલો કર્યો છે. જેના કારણે ત્યાં આગ ફાટી નીકળી હતી. આ હુમલામાં પાંચ માળના ટ્રેનિંગ સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી, જો કે જેપોરિઝિયા પ્લાન્ટને વધુ કોઈ નુકસાન થયું નથી. અગાઉ યુક્રેનની (Ukraine) ઈમરજન્સી સેવાને અહીં મંજૂરી નહોતી. પરંતુ બાદમાં તેને આ માટે પરવાનગી મળી હતી.
રશિયાએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો
આ ઘટના અંગે યુક્રેન દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે 4 માર્ચની સવારે રશિયાએ સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો હતો, જેના કારણે સ્થળ પર આગ લાગી હતી. જો કે યુક્રેનના ઈમરજન્સી સર્વિસ યુનિટે સવારે 6.20 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. હાલમાં કોઈને ઈજા કે મૃત્યુ થયાના અહેવાલ નથી. ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટને વધુ કોઈ નુકશાન થયુ નથી, પરંતુ યુનિટ 1 રિએક્ટર કમ્પાર્ટમેન્ટની સબસિડિયરી બિલ્ડિંગને નુકસાન થયું છે.
બધી સિસ્ટમો યોગ્ય રીતે કામ કરે છે
જો કે બિલ્ડિંગને નુકસાન થવાથી યુનિટની સુરક્ષા પર કોઈ અસર થઈ નથી. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ અને સિસ્ટમની સલામતી માટે જરૂરી પરિબળો યોગ્ય રીતે કાર્ય કરે છે. હાલમાં રેડિયેશનની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. હાલ SNRIU અને SSTC NRSના નિષ્ણાતો જેપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના સંચાલકોના સંપર્કમાં છે.
બધા એકમો પૂરા પાડવામાં આવ્યા
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે હાલ પ્રથમ યુનિટનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ બીજા અને ત્રીજા યુનિટ ગ્રીડથી ડિસ્કનેક્ટ થઈ ગયા છે અને ન્યુક્લિયર ઈન્સ્ટોલેશનને ઠંડુ કરવામાં આવી રહ્યું છે. ચોથું યુનિટ 690 મેગાવોટ પાવર પર કામ કરી રહ્યું છે. જ્યારે પાંચમા અને છઠ્ઠા યુનિટને પણ ઠંડક આપવામાં આવી રહી છે. યુક્રેનિયન પરમાણુ નિરીક્ષકોના જણાવ્યા અનુસાર રશિયન સૈનિકો યુક્રેનિયન પરમાણુ પાવર પ્લાન્ટની સાઈટમાં પ્રવેશ્યા હતા અને રાતોરાત યુદ્ધ દરમિયાન આ હુમલો કર્યો હતો. જો કે હાલ ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ રશિયન સૈન્યના નિયંત્રણ હેઠળ છે.