Pakistan Rain: લાહોરમાં ભારે વરસાદે તબાહી મચાવી, 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 7ના મોત
પાકિસ્તાનમાં ભારે વરસાદથી વહીવટીતંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. લોકોને એક જ ડર છે, આ વખતે પણ ગયા વર્ષ જેવી સ્થિતિ ન બની જાય જ્યાં પૂરના કારણે 1700 લોકોના મોત થયા હતા.
પાકિસ્તાનના લાહોરમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં મકાનોને નુકસાન થયું છે તો અનેક જગ્યાએ રસ્તાઓ તળાવ બની ગયા છે. બુધવારે અહીં પડેલા ભારે વરસાદે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો અને માત્ર 10 કલાકમાં જ 290 મીમી વરસાદ પડ્યો હતો. આકાશમાંથી વરસેલી આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા. જેમાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા બાળકનો પણ સમાવેશ થાય છે. આ સિવાય 3 લોકોના મોત ઈલેક્ટ્રીક શોકથી અને બે લોકોના ઘરની છત પડી જવાથી મોત થયા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના મહાનિર્દેશક ઈમરાન કુરેશીએ જણાવ્યું હતું કે સમગ્ર પંજાબમાં વરસાદ દરમિયાન સાત લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં હવામાન વિભાગ પહેલા જ ભયંકર વરસાદની સંભાવના વ્યક્ત કરી ચૂક્યું છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો સવાલ એ છે કે શું આ વખતે પણ પાકિસ્તાનમાં ગયા વર્ષની જેમ જ સ્થિતિ હશે, તે પણ જ્યારે દેશ પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.
ગયા વર્ષે 1700 લોકોના મોત થયા હતા
ગત વર્ષે પણ ભારે વરસાદ અને પૂરના કારણે પાકિસ્તાનમાં ભારે તબાહી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ પાકિસ્તાનનો એક તૃતિયાંશ ભાગ પાણીમાં ડૂબી ગયો હતો. આ દરમિયાન 1700 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો બેઘર થઈ ગયા હતા. એટલું જ નહીં, 10 લાખથી વધુ ઘરો ધોવાઈ ગયા અને લગભગ 90 લાખ પશુઓએ પણ જીવ ગુમાવ્યા.
આ વખતે પણ ભારે વરસાદે વહીવટીતંત્રની ઉંઘ હરામ કરી નાખી છે, જોકે ગત વર્ષ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. ઈમરાન કુરેશીએ જણાવ્યું કે પરિસ્થિતિ પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે અને લોકોની મદદ માટે ઈમરજન્સી નંબર જારી કરવામાં આવ્યા છે. કટોકટીની સ્થિતિમાં મશીનરી અને સુરક્ષા કર્મચારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે પંજાબના કાર્યવાહક મુખ્યમંત્રીને તાત્કાલિક રાહત ટીમોને એકત્ર કરવા સૂચના આપી છે. તેમણે લોકોની જાન-માલની સલામતી માટે તમામ શક્ય પગલાં લેવા જણાવ્યું છે.
આ વિસ્તારોમાં સૌથી વધુ જોખમ છે
તમને જણાવી દઈએ કે, ભારે વરસાદને કારણે સૌથી મોટો ખતરો લાહોર, રાવલપિંડી, ઈસ્લામાબાદ અને પેશાવર પર છે. પાકિસ્તાન વિશ્વનો 8મો દેશ છે જ્યાં સૌથી વધુ કુદરતી આફતો આવે છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો