Pakistan Political Crisis: પૂર્વ સેના અધિકારીએ ‘વિદેશી ષડયંત્ર’ની તપાસ કરવાનો કર્યો ઈનકાર, ઈમરાન સરકારે કરી હતી સમિતિની રચના
પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારે વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ નેશનલ એસેમ્બલીમાં વિપક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પાછળના કથિત "વિદેશી કાવતરા"ની તપાસ માટે એક કમિશનની રચના કરવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાનમાં રાજકીય સંકટ (pakistan political crisis) સતત ઘેરું બની રહ્યું છે અને હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શનિવારે નેશનલ એસેમ્બલીનું (national assembly) વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે, જ્યાં ઈમરાન ખાન (PM imran khan) સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવશે. પરંતુ આજે અગાઉ, ફેડરલ કેબિનેટની બેઠક પછી, માહિતી પ્રધાને જાહેરાત કરી હતી કે સરકારે ‘વિદેશી ષડયંત્ર’ની તપાસ માટે એક કમિશન બનાવવાનો નિર્ણય કર્યો છે. જો કે, પાક મીડિયામાંથી એવા સમાચાર છે કે આ પૂર્વ સેના અધિકારીએ તપાસ કરવાનો ઇનકાર કર્યો છે.
પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારે વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ નેશનલ એસેમ્બલીમાં વિપક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પાછળના કથિત “વિદેશી કાવતરા”ની તપાસ માટે એક કમિશનની રચના કરવાનો નિર્ણય લીધો છે. કમિશનનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) તારિક ખાન કરશે.
જોકે, લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) તારિક ખાને વડાપ્રધાન ઈમરાન ખાન વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પાછળ કથિત ‘વિદેશી ષડયંત્ર’ની તપાસ માટે સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિનું નેતૃત્વ કરવાનો ઇનકાર કર્યો છે. પાક અખબાર એક્સપ્રેસ ન્યૂઝે આજે આ સંદર્ભમાં માહિતી આપી હતી.
આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ત્યારે મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે તેમની સામેના અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દેવાના નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીના વિવાદાસ્પદ નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે નેશનલ એસેમ્બલીને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપતા કહ્યું કે સંસદ ભંગ કરીને ચૂંટણી કરાવવાનું ઇમરાન ખાનનું પગલું ‘ગેરબંધારણીય’ છે.
આ પણ વાંચો : Pakistan: ઈમરાન ખાનના ભાવિનો કાલે નિર્ણય, નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે મતદાન, 6 મુદ્દાનો એજન્ડા જાહેર