Pakistan: વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં, જાણો ક્યારે થશે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ?
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષો એક થઈ ગયા છે અને તેમની સરકારને તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Pakistan: પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષ દ્વારા વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan) વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જે બાદ તેમની ખુરશી પર તલવાર લટકી રહી છે. આગામી 24 કે 48 કલાક ઈમરાન (Pakistan Government)માટે ખૂબ મહત્વના રહેવાના છે.
આ પ્રસ્તાવ (No Trust Move) પર વોટિંગ પહેલા જ સ્પષ્ટ થઈ જશે કે ઈમરાનનું રાજકીય ભવિષ્ય શું હશે. સરકારના ચાર સાથી પક્ષો, પાકિસ્તાન મુસ્લિમ લીગ (Q) (PMLQ), મુત્તાહિદા ક્વામી મૂવમેન્ટ પાકિસ્તાન (MQMP), બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP) અને ગ્રાન્ડ ડેમોક્રેટિક એલાયન્સ (GDA) ટૂંક સમયમાં પોતાનો નિર્ણય આપે તેવી શક્યતા છે.
ઈમરાન પાકિસ્તાનના વડા પ્રધાનની ખુરશી પર રહેશે કે નહીં ?
તમને જણાવી દઈએ કે,આ સાથી પક્ષોનો નિર્ણય નક્કી કરશે કે ઈમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાનની ખુરશી પર રહેશે કે નહીં. જો આ બધા વિપક્ષ સાથે જવાનું નક્કી કરે છે તો ઈમરાન ખાનની વડાપ્રધાન પદની સફર અહીં જ સમાપ્ત થઈ જશે. જો કોઈ સાથી પક્ષ દૂર રહેવાનું નક્કી કરે છે, તો તે સરકારના પક્ષમાં જશે, વિપક્ષના નહીં. પાકિસ્તાનની વિપક્ષ પાર્ટી હાલમાં સરકારના ત્રણ સહયોગી, પાકિસ્તાન મુસ્લિમ લીગ (Q) (PMLQ), બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP) અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQMP) સાથે વાતચીત કરી રહ્યો છે. જેથી કરીને અવિશ્વાસ પ્રસ્તાવને સફળ બનાવી શકાય.
બંને પક્ષો પૂરતા સભ્યો હોવાનો કરી રહ્યા છે દાવો
પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા બાદ પાકિસ્તાનમાં રાજકીય માહોલ ગરમાયો છે. સરકાર અને વિપક્ષ બંને દાવો કરી રહ્યા છે કે તેમની પાસે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગના દિવસ માટે પૂરતા સભ્યો છે.તમને જણાવવુ રહ્યુ કે, 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં વડા પ્રધાનને હટાવવા માટે વિપક્ષને 172 મતોની જરૂર છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન 2018 માં સત્તા પર આવ્યા હતા, તેમજ આગામી સામાન્ય ચૂંટણી 2023 માં થવાની છે.ત્યારે એ જોવુ રહ્યુ કે ઈમરાન વડાપ્રધાનની ખુરશી બચાવી શકે છે કે કેમ..?