India Pakistan Tension : પરમાણુ શક્તિને આધુનિક બનાવી રહયું છે પાકિસ્તાન, સરહદ પર તણાવની આશંકા, અમેરિકી ખૂફિયા એજન્સીનો મોટો દાવો
અમેરિકાની ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સી (DIA) દ્વારા રજૂ કરાયેલી ખૂફિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન તેની પરમાણુ જથ્થાને આધુનિક બનાવવાનું કામ કરી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન ભારતને તેના અસ્તિત્વ માટે ખતરા રૂપે જુએ છે અને ભારતની પરંપરાગત સૈન્ય શક્તિનો સામનો કરવા માટે પોતાના પરમાણુ હથિયારોને સુધારી રહ્યો છે.

રિપોર્ટ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતે રશિયાથી મળતા લશ્કરી સાધનોની ખરીદીમાં ઘટાડો કર્યો છે. તેમ છતાં, ચીન અને પાકિસ્તાન તરફથી આવનારા ખતરાને ધ્યાનમાં લઈને, ભારતને હજુ પણ રશિયન સ્પેર પાર્ટ્સની જરૂરિયાત રહે છે.
ચીન અને તુર્કીનો પાકિસ્તાનને ટેકો
‘ઓપરેશન સિંદૂર’ દરમ્યાન ભારતે પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યા અને કડક જવાબ આપ્યો. પરંતુ આ સંઘર્ષે એક હકીકત સ્પષ્ટ કરી છે – પાકિસ્તાનને પાછળથી ચીન અને તુર્કી જેવા દેશોનો ટેકો છે.
ચીન છે મુખ્ય સામરિક પ્રતિસ્પર્ધી
રિપોર્ટ અનુસાર, ભારત ચીનને પોતાનું મુખ્ય સામરિક પ્રતિસ્પર્ધી માને છે જ્યારે પાકિસ્તાનને તેવું સલામતી સંબંધિત પડકાર માનવામાં આવે છે જેને કાબૂમાં લેવું જરૂરી છે. ચીન પોતાની અસર વધારવા માટે પાકિસ્તાન સહિત અનેક એશિયાઈ પડોશી દેશોમાં આર્થિક અને સૈન્ય રોકાણ કરી રહ્યો છે.
સરહદી તણાવ યથાવત્ રહેવાની શક્યતા
DIA રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની સૈન્ય નીતિમાં આગળના સમયમાં પણ ભારત સાથેના સરહદી તણાવ, આતંકવાદી પ્રવૃત્તિઓ અને કાશ્મીર મુદ્દે આક્રમક નિવેદનો સમાવિષ્ટ રહેશે. ભારતે અનેક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ અને LoC પર ઉલ્લંઘનો મુદ્દો ઉઠાવ્યો છે.
આતંકી હુમલાઓ છતાં પરમાણુ હથિયારનો વિકાસ
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલૂચ રાષ્ટ્રવાદી ઉગ્રવાદીઓના હુમલાઓ વચ્ચે પણ પાકિસ્તાન તેના પરમાણુ કાર્યક્રમને મજબૂત બનાવી રહ્યો છે. ગયા વર્ષ દરમિયાન થયેલા રોજિંદા ઓપરેશન્સ છતાં, આતંકવાદીઓએ 2,500થી વધુ લોકોની હત્યા કરી છે.
ચીન સાથેનું નિકટ સહકાર
પાકિસ્તાનની પરમાણુ સજ્જતા અને WMD (વિનાશક હથિયાર) માટે જરૂરી તકનિકી અને સામગ્રીનો મુખ્ય પુરવઠો ચીન તરફથી થાય છે. હાંગકાંગ, સિંગાપુર, તુર્કી અને UAE પણ આમાં સહયોગ આપે છે. પાકિસ્તાની સૈન્ય દર વર્ષે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરે છે – જેમાં નવેમ્બર 2024માં પૂર્ણ થનારી નવો એર ફોર્સ ડ્રિલ પણ સમાવિષ્ટ છે.
CPEC અને તણાવ
ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)માં કાર્યરત ચીની કર્મચારીઓ પર થયેલા હુમલાઓ બંને દેશો વચ્ચે તણાવનું કારણ બન્યા છે. 2024માં આ પ્રકારના હુમલાઓમાં 7 ચીની નાગરિક માર્યા ગયા હતા.
જાન્યુઆરી 2024માં પાકિસ્તાન અને ઈરાને એકબીજાના વિસ્તારમાં હવાઈ હુમલા કર્યા બાદ, બંનેએ ઉચ્ચ સ્તરની બેઠક લઈને તણાવ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. સપ્ટેમ્બર 2024માં તાલિબાન અને પાકિસ્તાની બોર્ડર સિક્યોરિટી ફોર્સ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 8 તાલિબાની લડાકુઓ મોતને ભેટ્યા હતા. માર્ચ 2025માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ હવાઈ હુમલાઓ થયા હતા.
ભારતનું વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ
ભારત, હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની ઊંચી ભૂમિકા સ્થાપવા માટે રક્ષણાત્મક સહયોગ વધારી રહ્યો છે. તેમાં દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસો, તાલીમ, હથિયાર વેચાણ અને માહિતીની આપલાપનો સમાવેશ થાય છે. ભારત ક્વાડ, બ્રિક્સ, શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) અને ASEAN જેવા મંચોમાં પણ સક્રિય ભાગ લે છે.
2024ના ઓક્ટોબર અંતે, ભારત અને ચીને પૂર્વ લદ્દાખમાં LAC પરથી સૈનિકો હટાવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સાથે તો લાંબા ગાળાનો વિવાદ હલ થયો નથી, પરંતુ 2020 પછીનો તણાવ ચોક્કસ ઘટ્યો છે.
