Pakistan: હવે કંગાળ પાકિસ્તાનમાં ખાદ્યતેલની ચોરી, પોલીસકર્મી સાથે મળીને ગેંગ લુંટ ચલાવતી
એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એક પોલીસકર્મી સહિતની આ ચોરની ટોળકીએ પોલીસ વાનનો ઉપયોગ કરીને ખાદ્યતેલની લૂંટ કરી હતી. આ કેસમાં જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક ગોડાઉન માલિક, એક કામદાર અને એક પોલીસકર્મીનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટનો (Pakistan Economic Crisis) સામનો કરી રહ્યુ છે. પાકિસ્તાનની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીં ખાદ્ય પદાર્થોની લૂંટફાટ થઈ રહી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ખાદ્યતેલની ચોરી કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ ઘટનામાં પોલીસકર્મી પણ સામેલ હતો. ચોરીની આ ઘટના બાદ એક પોલીસકર્મી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર ત્રણ લોકોએ ભેગા મળીને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસ વાનનો ઉપયોગ કરીને ખાદ્યતેલની લૂંટ કરી
એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એક પોલીસકર્મી સહિતની આ ચોરની ટોળકીએ પોલીસ વાનનો ઉપયોગ કરીને ખાદ્યતેલની લૂંટ કરી હતી. આ કેસમાં જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક ગોડાઉન માલિક, એક કામદાર અને એક પોલીસકર્મીનો સમાવેશ થાય છે.
ઘણી લૂંટની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો
ARY ન્યૂઝના અહેવાલ મુજબ તાજેતરમાં જ ટોળકીએ પોલીસ વાનનો ઉપયોગ કરીને ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલમાં ખાદ્યતેલનો જથ્થો લઈ જતા વાહનની લૂંટ કરી હતી. ગયા મહિનાઓમાં આવી જ રીતે ઘણી લૂંટની ઘટનાઓને અંજામ આપવામા આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓ લૂંટાયેલું તેલ એક ગોડાઉનમાં રાખતા હતા.
લૂંટારુઓ લાંબા સમયથી પોલીસના રડાર પર હતા
ક્લિફ્ટન SP અહેમદ ચૌધરીએ જણાવ્યું હતું કે, ત્રણેય લૂંટારુઓ આછો ગેંગના સભ્યો હતા અને છેલ્લા ઘણા દિવસોથી પોલીસના રડાર પર હતા. આ ત્રણેય આરોપીને પકડવા માટે પોલીસે ખાસ અભિયાન ચલાવ્યું હતું અને ગાર્ડન હેડક્વાર્ટર પાસે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસને જ્વેલરી અને બીજી ઘણી મોંઘી વસ્તુઓ મળી હતી, જેની કિંમત લાખો ડોલરમાં હોવાની માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો : Pakistan: સ્વીડનમાં કુરાન સળગાવવા બદલ પેશાવર સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શનો, જુઓ photos
છેલ્લા 16 વર્ષથી સક્રિય હતી આ ગેંગ
પોલીસના જણાવ્યા અનુસાર ચોરીમાં વપરાયેલ તમામ સાધનો અને વાહન પણ આરોપી પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે. આ ટોળકી છેલ્લા 16 વર્ષથી આવી ઘટનાઓને અંજામ આપી રહી હતી. હાલમાં આ ગેંગમાં ત્રણ સભ્યો સામેલ હતા જ્યારે ચોથો સભ્ય ખુર્શીદ જેલમાં સજા કાપી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો