Pakistan : શિયા અને સુન્ની જાતિઓ વચ્ચે ફાટી નીકળી હિંસા, અત્યાર સુધીમાં 30 લોકોના મોત, 145 ઈજાગ્રસ્ત
પાકિસ્તાનમાં છેલ્લા પાંચ દિવસથી શિયા અને સુન્ની જાતિઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. બંને વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા છે અને 145 ઘાયલ થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બંને જૂથો એકબીજા સામે મોર્ટાર શેલ અને રોકેટ લોન્ચર સહિતના ભારે હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે.
Pakistan News : પાકિસ્તાનમાં રવિવારે બે જનજાતિઓ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા અને 145 ઈજાગ્રસ્ત થયા. બે જૂથો વચ્ચેનો આ જમીન વિવાદ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત આદિવાસી જિલ્લામાં થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ દિવસ પહેલા અપર કુર્રમ જિલ્લાના બોશેરા ગામમાં ભીષણ અથડામણ શરૂ થઈ હતી.
તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ આદિવાસીઓ અને ધાર્મિક જૂથો વચ્ચે સાંપ્રદાયિક અથડામણો અને આતંકવાદી હુમલાઓ થયા છે. પોલીસે જણાવ્યું કે, થોડાં સમય પહેલા સત્તાવાળાઓએ બોશેરા, મલિકેલ અને દાંદર વિસ્તારમાં શિયા અને સુન્ની જાતિઓ વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત કર્યો હતો. જો કે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે.
અથડામણમાં રોકેટ લોન્ચર અને ભારે હથિયારોનો ઉપયોગ
પોલીસે રવિવારે જણાવ્યું કે અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં આદિવાસી અથડામણમાં 30 લોકો માર્યા ગયા અને 145 અન્ય ઘાયલ થયા. એક અધિકારીએ જણાવ્યું કે આ સિવાય ઘણા વિસ્તારોમાં સંઘર્ષ વિરામ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આદિવાસી લડવૈયાઓએ ખાઈ ખાલી કરી છે, જે હવે કાયદાના અમલીકરણના નિયંત્રણ હેઠળ છે.
બે જાતિઓ વચ્ચે અથડામણ
પોલીસે જણાવ્યું કે, ચાર દિવસ પહેલા જમીનના વિવાદને લઈને બે જાતિઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણો પેવાર, ટાંગી, બાલિશખેલ, ખાર કાલે, મકબાલ, કુંજ અલીઝાઈ, પારા ચમકાની અને કરમાન સહિતના ઘણા વધુ વિસ્તારોમાં ફેલાયેલી છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે બંને જૂથો એકબીજા સામે મોર્ટાર શેલ અને રોકેટ લોન્ચર સહિતના ભારે હથિયારોનો ઉપયોગ કરી રહ્યા હતા.
તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને બજારો બંધ રહ્યા હતા
એક અધિકારીએ જણાવ્યું કે, શનિવારે મોડી રાત્રે થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર હુમલા થયા હતા, જેમાં અનેક લોકો માર્યા ગયા હતા. જેના કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને બજારો બંધ રહ્યા હતા. જ્યારે દિવસ દરમિયાન મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર બંધ રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.