અબુધાબીમાં 1 જૂનથી અમલમાં આવશે નવા નિયમ, ખાવા-પીવાનું થઈ જશે મુશ્કેલ
અબુ ધાબી સરકારે, પર્યાવરણને ધ્યાને રાખીને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ એક વાર વાપરીને ફેકી દેવામાં આવે છે તેવા કપ, ઢાંકણા, પ્લેટ, પીણાના કન્ટેનર અને ફૂડ કન્ટેનર પર લાગુ થશે.
UAE, તેની ઊંચી ઇમારતો અને વૈભવી જીવન માટે વિશ્વ ભરમાં ખૂબ જ જાણીતુ છે, આજકાલ અબુધાબી સહિત અખાતના અનેક દેશ પર્યાવરણીય ફેરફારોનો સામનો કરી રહ્યા છે. ક્યારેક અહીં ભારે ગરમી પડે છે, તો ક્યારેક ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અબુધાબી સહીતના અખાતના દેશમાં ઝડપી આધુનિકીકરણને કારણે ઘણી સમસ્યાઓ ઉભી થવા લાગી છે. હવે અબુધાબીની સરકારે આને રોકવા માટે આકરા પગલાં લેવાનું શરૂ કર્યું છે.
યુએઈના સૌથી મોટા અમીરાત અબુ ધાબીની પર્યાવરણ એજન્સી અને આર્થિક વિકાસ વિભાગે જાહેરાત કરી કે, આગામી 1 જૂનથી અબુ ધાબીમાં સિંગલ-યુઝ સ્ટાયરોફોમ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સ્ટાયરોફોમ ઉત્પાદનોમાં સિંગલ-યુઝ કપ, ઢાંકણા, પ્લેટ્સ, પીણાના કન્ટેનર અને ખાદ્ય કન્ટેનરનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો દરિયાઈ પ્રદૂષણમાં વધારો કરતા હોવાનું મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં 96 ટકાનો ઘટાડો
અબુ ધાબી સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલિસી મે 2020 માં લાગુ કરવામાં આવી હતી. આ નીતિ હેઠળ, તમામ છૂટક વિક્રેતાઓ પર સિંગલ-યુઝ પ્લાસ્ટિક બેગના વેચાણ પર પ્રતિબંધ 1 જૂન, 2022 થી લાગુ કરવામાં આવ્યો હતો. જે બાદ આ બેગનો ઉપયોગ 95% ઘટી ગયો છે.
યુએઈના અન્ય અમીરાતોએ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ લાગુ કર્યો છે. શારજાહમાં આ પ્રતિબંધ 1 જાન્યુઆરી, 2024 ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને અમીરાતે 22 એપ્રિલે જાહેરાત કરી હતી કે, તેમના દેશમાં પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે.
કાયદાનું ઉલ્લંઘન કરનારા પર ભારે દંડ
દુબઈએ પણ ગત 1 જાન્યુઆરી, 2024થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. જો તેનો ઉપયોગ કરતા પકડાય તો 21 હજાર ભારતીય રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2023માં UAEના તમામ 7 અમીરાતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જે બાદ દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઝડપથી ઘટ્યો છે, હવે UAE આવા ઉત્પાદનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે.