London News : લંડનથી પાકિસ્તાનમાં નવાઝ શરીફની થવા જઈ રહી છે એન્ટ્રી, પૂર્વ પીએમ શાહબાઝે જણાવ્યું કયા દિવસે નવાઝ ફરશે પરત
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં નવાઝ શરીફને આજીવન ચૂંટણી રાજકારણમાંથી અયોગ્ય ઠેરવ્યા હતા. જે બાદ પૂર્વ પીએમને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાને દેશના રાજકારણમાં પ્રવેશ કર્યો.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સ્વદેશ પરત ફરવાના છે. મંગળવારે પાડોશી દેશના પૂર્વ પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે તેમના મોટા ભાઈ નવાઝ શરીફ પાકિસ્તાન આવી રહ્યા છે. તેમણે કહ્યું કે નવાઝ શરીફ 21 ઓક્ટોબરે પાકિસ્તાન પહોંચશે. શાહબાઝનું આ નિવેદન લંડનમાં નવાઝની અધ્યક્ષતામાં પીએમએલ-એનના ટોચના નેતાઓની બેઠક બાદ આવ્યું છે.
નવાઝ શરીફ એવા સમયે પાકિસ્તાન પરત ફરવા જઈ રહ્યા છે જ્યારે આગામી કેટલાક મહિનામાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં નવાઝ શરીફ ફરી એકવાર પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝને પુનર્જીવિત કરશે અને પાર્ટી માટે પ્રચાર પણ કરી શકે છે. તેમના ભાઈ અને પૂર્વ પીએમ શાહબાઝ શરીફે પણ આવા જ સંકેત આપ્યા છે. તેમણે કહ્યું છે કે નવાઝ શરીફ દેશમાં પાર્ટીના રાજકીય અભિયાનનું નેતૃત્વ કરવા માટે પાકિસ્તાન પરત ફરી રહ્યા છે.
નવાઝ શરીફને મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે પાકિસ્તાની કોર્ટે તેમને અલ-અઝીઝિયા મિલ્સ અને એવેનફિલ્ડ ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠેરવ્યા અને સાત વર્ષની જેલની સજા ફટકારી. અગાઉ 2017માં સુપ્રીમ કોર્ટે તેમને પગાર જાહેર ન કરવા બદલ આજીવન અયોગ્ય ઠેરવ્યા હતા.
નવાઝ શરીફની લંડનમાં ચાલી રહી છે સારવાર
જેલમાં બંધ નવાઝ શરીફે 2019માં લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને સ્વાસ્થ્યના કારણોને લઈ લંડન જવાની પરવાનગી માંગી હતી. નવાઝના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા તમામ પાસાઓને ધ્યાનમાં લેતા લાહોર હાઈકોર્ટે તેમને ચાર અઠવાડિયા માટે લંડન જવાની મંજૂરી આપી હતી. જો કે, ચાર અઠવાડિયા ઠીક નવાઝ 2019 થી હજુ સુધી લંડનથી પરત ફર્યા નથી.
આ પણ વાંચો : London News: શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ જોવા ગયેલા લોકોએ કેમ માંગ્યુ રિફંડ? જુઓ Video
સપ્ટેમ્બરમાં જ પરત આવવાનું હતું
ઓગસ્ટમાં, શહેબાઝ શરીફે કહ્યું હતું કે તેમના મોટા ભાઈ તેમના પડતર કોર્ટ કેસોનો સામનો કરવા અને સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીના પ્રચારનું નેતૃત્વ કરવા સપ્ટેમ્બરમાં પાકિસ્તાન પરત ફરશે. જો કે, પાકિસ્તાનમાં નવી વસ્તી ગણતરીના આધારે મતવિસ્તારોને નવેસરથી સીમાંકન કરવાના નિર્ણય બાદ નવાઝના પરત આવવામાં લગભગ એક મહિનાનો વિલંબ થયો છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો