ભારત સાથે ચાલી રહેલા ટેરિફ તણાવ વચ્ચે અમેરિકન વિદેશ સચિવે મોકલ્યો આ સંદેશ, બંને દેશોના સંબંધોને ગણાવ્યા ઐતિહાસિક
અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ ભારતને 79મા સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. તેમણે કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વિશ્વના સૌથી જૂની લોકશાહી વચ્ચેના ઐતિહાસિક સંબંધો અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી છે.

અમેરિકાએ શુક્રવારે ભારતને તેના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છા સંદેશ મોકલ્યો, જેમાં નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધોને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ તેમના અભિનંદન સંદેશમાં લખ્યું, ‘યુનાઇટેડ સ્ટેટ્સ વતી, હું 15 ઓગસ્ટના રોજ ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતના લોકોને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.’ ભારત 15 ઓગસ્ટના રોજ ગર્વ અને દેશભક્તિના ઉત્સાહ સાથે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે.
રૂબિયોએ વધુમાં કહ્યું કે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર અને વિશ્વના સૌથી જૂના લોકતંત્ર વચ્ચેના ઐતિહાસિક સંબંધો અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી છે. આપણા બંને દેશો વધુ શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે તેમના સહિયારા દ્રષ્ટિકોણથી એકજૂટ છે. આ દરમિયાન, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે ભારત અને અમેરિકા વચ્ચેની ઔદ્યોગિક ભાગીદારીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે ઈનોવેશનને પ્રોત્સાહન આપે છે.
ભારત-અમેરિકા સાથે મળીને કરશે પડકારોનો સામનો
રુબિયોએ ભારત અને અમેરિકા વચ્ચે અવકાશ ભાગીદારી પર પણ ભાર મૂક્યો. તેમણે લખ્યું, અમેરિકા અને ભારત આજના આધુનિક પડકારોનો સાથે મળીને સામનો કરશે અને બંને દેશો માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરશે. આ શુભેચ્છા સંદેશ એવા સમયે આવ્યો છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને કારણે ભારત-અમેરિકાના સંબંધોમાં તણાવ આવ્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવવાનો ક્રેડિટ લીધા બાદ તાજેતરના સપ્તાહમાં નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધો વણસ્યા છે. ભારત એ દાવાને સ્પષ્ટપણે નકારી રહ્યું છે અને ભારપૂર્વક જણાવી રહ્યું છે કે સીઝફાયરમાં કોઈ ત્રીજો પક્ષ સામેલ નથી. દરમિયાન, ટ્રમ્પે રશિયન તેલ ખરીદવાના બદલામાં ભારત પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી, જેનાથી તણાવ વધુ ગાઢ બન્યો.
