બ્રિટનમાં ગરમીઓ તોડ્યો 363 વર્ષનો રેકોર્ડ, સૂરજ વરસાવી રહ્યો છે અગન ગોળા, સ્પેન અને ફ્રાંસના જંગલોમાં દાવાનળની સ્થિતિ
બ્રિટનમાં ગરમીએ તોડી નાખ્યો છેલ્લા 363 વર્ષનો રેકોર્ડ, અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ફ્રાંસ અને સ્પેનના જંગલોમાં દાવાનળની સ્થિતિ છે તો પોર્ટુગલમાં ગરમીને કારણે 748 લોકોના મોત થયા છે.

બ્રિટન (Britan), પોર્ટુગલ, સ્પેન સહિત યુરોપ (Europe) ના અનેક દેશો હાલ ભીષણ ગરમી (Heat wave)નો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે યુરોપીયન દેશો ઠંડા પ્રદેશો તરીકે જાણીતા છે. જો કે, ભૂમધ્ય સમુદ્રની નજીકના દેશોમાં ક્યારેક તાપમાનનો પારો વધી જાય છે. પરંતુ હાલ આ દેશોમાં જે પ્રકારે ગરમીની સ્થિતિ જોવા મળી છે તે ઘણી ચિંતાજનક છે. બ્રિટનમાં સોમવારે તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. બ્રિટનના શફાલ્કમાં સોમવારે 38.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે વર્ષ 2019માં બ્રિટનના 38.7 ડિગ્રીથી થોડુ જ ઓછુ નોંધાયુ છે. જો કે મંગળવાળે પણ બ્રિટનમાં ગરમી રેકોર્ડ તોડે તો નવાઈ નહીં.
બ્રિટિશ હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે છે, જે રેકોર્ડ તાપમાન છે. નોંધનીય બાબત એ છે કે બ્રિટનમાં સરેરાશ તાપમાન 18 થી 25 ડિગ્રીની વચ્ચે રહે છે. બ્રિટનના મધ્ય ભાગમાં જ્યાં ઈંગ્લેન્ડ આવેલું છે ત્યાં પણ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. તો દક્ષિણમાં આવેલા વેલ્સમાં પણ પારો ઉપરની તરફ જ વધી રહ્યો છે. વેલ્સમાં અત્યાર સુધીનું સૌથી વધુ 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તરમાં આવેલા સ્કોટલેન્ડમાં ઘણી જગ્યાએ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે મધ્ય, ઉત્તર અને દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. બ્રિટનમાં આ વર્ષે પડેલી ગરમીએ છેલ્લા 363 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ગરમીથી બેહાલ લોકો દરિયાકિનારે ઉમટ્યા
સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સની શું છે સ્થિતિ ?
સ્પેન અને ફ્રાન્સમાં ગરમીના કારણે જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, જ્યારે પોર્ટુગલમાં ભયંકર દુષ્કાળ જોવા મળી રહ્યો છે. ફ્રાન્સના દક્ષિણ ભાગમાં આવેલા જિરોન્ડ શહેરના જંગલોમાં દાવાનળ ભભુકી ઉઠ્યો છે. આ દાવાનળ પર કાબુ કરવા માટે 1700થી વધુ ફાયર બ્રિગેડના કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જિરોન્ડ શહેરની નજીક આવેલા કેજોક્સમાં સોમવારે 42.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અહીં 1921માં હવામાન વિભાગનું કેન્દ્ર શરી થયુ હતુ. છેલ્લા 100 વર્ષમાં નોંધાયેલુ આ સૌથી વધુ તાપમાન છે. પશ્ચિમ ફ્રાન્સના નાન્ટેસ અને બ્રેસ્ટ શહેરોમાં પણ ભયંકર ગરમી પડી રહી છે. આ તરફ સ્પેન અને પોર્ટુગલમાં ગરમીને કારણે પરિસ્થિતિ ઘણી ભયાવહ બનેલી છે. અહીં ગરમીને કારણે 748 લોકોના મોત થઈ ચુક્યા છે. તમામ લોકોના મોત માટે ગરમીને જવાબદાર ગણાવાઈ રહી છે.

રોઇટર્સના અહેવાલ અનુસાર, સ્પેનના કેસ્ટિલે અને લિઓન તેમજ ગેલિસિયાના ઉત્તરીય પ્રદેશમાં રહેલા જંગલો ગરમીના કારણે આગની ઝપેટમાં આવી ગયા છે. આ આગ એટલી ભયાનક છે કે દેશની રેલ્વે કંપનીને મેડ્રિડ અને ગેલિસિયા વચ્ચેની સેવા સ્થગિત કરવાની ફરજ પડી હતી. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું કે ગરમીના કારણે જંગલમાં લાગેલી આગને કારણે 70 હજાર હેક્ટર જમીનમાં નાશ પામી છે. સ્પેનમાં ગરમી અને હીટવેવને કારણે 510 લોકોના મોત થઈ ચુક્યા છે.
ભીષણ ગરમી માટે ક્યાં પરિબળો જવાબદાર?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉનાળા દરમિયાન કોઈ વિસ્તારમાં હાઈ પ્રેશર બિલ્ડ થવાને કારણે હીટવેવ એક સામાન્ય ઘટના છે. તો જેટ સ્ટ્રીમના સ્થાનને કારણે બ્રિટનમાં હીટવેવ પણ જોવા મળે છે. આ જેટ સ્ટ્રીમ સામાન્ય રીતે ઉનાળાની ઋતુ દરમિયાન બ્રિટનના ઉત્તર ભાગમાં જોવા મળે છે. જેટ સ્ટ્રીમ એ પૃથ્વીની સપાટીથી લગભગ પાંચથી સાત માઈલ ઊંચા પવનોનું કેન્દ્ર છે. આ પવનો પશ્ચિમથી પૂર્વ તરફ ફૂંકાય છે અને આ સ્તરે પવન અને દબાણમાં ફેરફાર થાય છે. જેના કારણે સપાટી પરના કોઈપણ વિસ્તારમાં હવામાનમાં ફેરફાર જોવા મળે છે. ધીમો જેટ પ્રવાહ બ્રિટન પર હાઈ પ્રેશરની સ્થિતિ બનાવતા સતત સૂકુ અને ગરમ વાતાવરણ સર્જાય છે.

ગરમીથી પરેશાન લોકો પાણીમાં લઈ રહ્યા છે આનંદ
બ્રિટનમાં ઊંચા તાપમાન માટે એઝોરસ હાઇ નામની સિસ્ટમ જવાબદાર છે. વાસ્તવમાં, અઝોરસ હાઈ નામની હાઈ પ્રેશર સિસ્ટમ હોય છે, જે સામાન્ય રીતે સ્પેનથી દૂર સ્થિત છે. જો કે, આ વખતે આ પ્રેશર સિસ્ટમ ઘણી મોટી થઈ ગઈ છે. અને તે ઉત્તર તરફ આગળ વધી છે. જેના કારણે બ્રિટન, ફ્રાન્સ અને ઈબેરિયન પ્રાયદ્વીપમાં ઉંચુ તાપમાન નોંધાઈ રહ્યું છે. સમય જતા દક્ષિણ તરફ પવનો ફુંકાવાને કારણે ઉત્તર આફ્રિકા અને સહારામાંથી ગરમ પવનો યુરોપ તરફ આગળ વધશે. આનું પરિણામ એ આવશે કે ફ્રાન્સ અને સ્પેન સહિત ઘણા વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી જશે. તેનો કેટલોક હિસ્સો બ્રિટનને પણ અસર કરશે, જેના કારણે અહીં પણ તાપમાન 40ની આસપાસ પહોંચવા લાગશે.