લાલો લાભ વગર ના લોટે એ કહેવત ટ્રમ્પે સાર્થક કરી ! શાંતિના નોબલ પુરસ્કાર માટે અસીમ મુનીર સાથે કર્યું લંચ ?
ગઈકાલ બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, પાકિસ્તાનના બની બેઠેલા ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે લંચ કર્યું. આતંકવાદને ટેકો આપતા અને અમેરિકન ડોલર માટે આતંકી પ્રવૃતિને પ્રોત્સાહન આપતા ભિખારીસ્તાનના અસીમ મુનીરને ડોનાલ્ડ ટ્રમ્પે કેમ લંચ માટે આમંત્રણ આપ્યું તેનો ખુલાસો વ્હાઇટ હાઉસે કર્યો છે. ખરેખર, મુનીરે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની માંગણી ઉઠાવી હતી, જેના બદલામાં તેમને વ્હાઇટ હાઉસમાં લંચ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ગઈકાલ બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર મળ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મુનીરને વ્હાઇટ હાઉસમાં લંચ માટે આમંત્રણ આપ્યું હતું. ભારત સહિત આખી દુનિયા અસીમ મુનીર અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના લંચ પર નજર રાખી રહી હતી. ભારતમાં આ અંગે પ્રશ્નો ફણ ઉભા થઈ રહ્યા હતા કે આપણી સાથે સારા સંબંધો ધરાવતા અમેરિકા અને તેના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દુશ્મન દેશના આર્મી ચીફને આટલું મહત્વ કેમ આપી રહ્યા છે. બંને વચ્ચેની મુલાકાત પછી, આ મોટા પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, મુનીરને લંચ માટે કેમ આમંત્રણ આપવામાં આવ્યું.
વ્હાઇટ હાઉસે કહ્યું કે, ટ્રમ્પનું જનરલ અસીમ મુનીર સાથેનું લંચ નક્કી હતું કારણ કે તેમણે (મુનીરે) ટ્રમ્પને ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની અપીલ કરી હતી.
ટ્રમ્પે મુલાકાત પર શું કહ્યું?
બીજી તરફ, આ મુલાકાત પર, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, મેં તેમને અહીં બોલાવ્યા કારણ કે હું યુદ્ધ ના કરવા અને તેને સમાપ્ત કરવા બદલ તેમનો આભાર માનવા માંગુ છું. વડા પ્રધાન મોદી થોડા સમય પહેલા અહીંથી રવાના થઈ ગયા છે અને અમે ભારત અને પાકિસ્તાન સાથે વેપાર કરાર પર કામ કરી રહ્યા છીએ. હું ખૂબ ખુશ છું. બે ખૂબ જ સમજદાર લોકોએ યુદ્ધ ચાલુ ના રાખવાનો નિર્ણય લીધો. તેઓ બે મોટી પરમાણુ શક્તિઓ છે. આજે તેમને મળીને મને સન્માન મળ્યું.
ટ્રમ્પે કહ્યું કે મેં યુદ્ધ બંધ કર્યું. હું પાકિસ્તાનને પ્રેમ કરું છું. મને લાગે છે કે મોદી એક અદ્ભુત વ્યક્તિ છે. મેં તેમની સાથે વાત કરી. અમે વડા પ્રધાન મોદી સાથે વેપાર કરાર કરવા જઈ રહ્યા છીએ. મેં પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ બંધ કર્યું. આ વ્યક્તિ (અસીમ મુનીર) એ પાકિસ્તાન તરફથી તેને રોકવામાં ખૂબ જ પ્રભાવશાળી ભૂમિકા ભજવી હતી અને ભારતના તરફથી વડા પ્રધાન મોદી. બંને પરમાણુ સશસ્ત્ર દેશો છે. મેં બે મુખ્ય પરમાણુ રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ અટકાવ્યું.
‘પાકિસ્તાન સાથે એક સભ્ય રાષ્ટ્ર જેવો વ્યવહાર’
મુનીરને આમંત્રણ આપવાને વોશિંગ્ટન તરફથી પાકિસ્તાની સેના પ્રમુખને એક મોટો સંકેત માનવામાં આવતો હતો. અયુબ ખાન, ઝિયા ઉલ-હક અને પરવેઝ મુશર્રફ જેવા પાકિસ્તાની સેના પ્રમુખોને આવા આમંત્રણ મળ્યાના ઘણા કિસ્સાઓ બન્યા છે, પરંતુ તેઓ રાષ્ટ્રપતિ પદ પર પણ હતા. મુનીરને ગયા મહિને પાકિસ્તાન સરકાર દ્વારા ફિલ્ડ માર્શલના પદ પર બઢતી આપવામાં આવી હતી અને 1959માં અયુબ ખાન પછી આ પહેલી વાર છે જ્યારે કોઈ સૈન્ય અધિકારીને આ દરજ્જો આપવામાં આવ્યો છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર, મુનીરે તેમની યુએસ મુલાકાત દરમિયાન પાકિસ્તાનને એક સભ્ય રાષ્ટ્ર જેવો વ્યવહાર કરવા વિનંતી કરી હતી. તેમણે પરિસ્થિતિને નિયંત્રિત કરવાના અમેરિકાના પ્રયાસોને પણ ટેકો આપ્યો હતો. મુનીરે કહ્યું, અમે ઇચ્છીએ છીએ કે આ યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થાય.
પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ
22 એપ્રિલના રોજ પહલગામમાં મુસ્લિમ આતંકવાદીએ હિન્દુ પ્રવાસીઓ પર કરેલ હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો. આતંકવાદી હુમલાનો જવાબ આપતા, ભારતે 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આતંકવાદીઓ સામેની કાર્યવાહીથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું અને ડ્રોનથી ભારત પર હુમલો કરવાનું શરૂ કર્યું.
ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ, પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડ્યા. પાકિસ્તાનના નાપાક કૃત્ય પછી, ભારતે ફરીથી હુમલો કર્યો અને તેના ઘણા વાયુસેના મથકોને નુકસાન પહોંચાડ્યું. ભારતના જોરદાર હુમલાથી પાકિસ્તાન ધ્રૂજી ગયું અને દયાની અપીલ કરવા માટે અમેરિકાના શરણમાં પહોંચ્યું. આ પછી, પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓ સાથે વાત કરી અને શાંતિની અપીલ કરી યુદ્ધ વિરામની વાત કરી હતી.