અમેરિકામાં માનવ તસ્કરીના આરોપમાં ઝડપાયા ચાર ભારતીય-અમેરિકન નાગરિકો, શું ગુજરાત સુધી પહોંચશે પગેરું ?
અમેરિકામાં ગયા માર્ચ મહિનાથી ચાલી રહેલી ઊંડાણપૂર્વકની તપાસના અંતે અમેરિકામાં રહેતા ચાર ભારતીય મૂળના નાગરિકોની માનવ તસ્કરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ભારતીય-અમેરિકન નાગરિકના ઘરમાંથી 15 મહિલાઓ મળી આવી હતી. માનવ તસ્કરીના આ કેસમાં કુલ 100 જેટલા લોકો સંડોવાયેલા હોવાની અમેરિકા પોલીસને વિગતો સાંપડી છે.
અમેરિકામાં માનવ તસ્કરીના આરોપમાં ભારતીય મૂળના ચાર નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. માનવ તસ્કરીના આ કેસની તપાસ આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી કરવામાં આવી રહી હતી. ધરપકડ કરાયેલા ચાર નાગરિકોમાં એક મહિલા અને બાકીના ત્રણ પુરૂષ છે.
આ ઘટના અમેરિકાના ટેક્સાસમાં બની છે. જ્યાં પોલીસને એક ઘરમાંથી લગભગ 15 મહિલાઓ મળી આવી હતી. જેઓ કામ કરવા માટે મજબૂર હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમા ઝડપાયેલ મહિલાની ઓળખ દ્વારકા ગુડા તરીકે કરવામાં આવી છે અને બાકીના ત્રણ પુરુષોની ઓળખ અનિલ પુરૂષ, ચંદન દાસીરેડ્ડી અને સંતોષ કટકુરી તરીકે કરવામાં આવી છે.
પેસ્ટ કંટ્રોલ ફર્મે ફરિયાદ કરી
પોલીસને માનવ તસ્કરી અંગે ત્યારે ખબર પડી જ્યારે કટકુરીએ, પોતાના ઘરે પેસ્ટ કંટ્રોલ કરતી ફર્મનો સંપર્ક કર્યો હતો. પેસ્ટ કંટ્રોલ કરતી ફર્મનો કર્મચારી જ્યારે સંતોષ કટકુરીના ઘરે જોયું કે તે ઘરના દરેક રૂમમાં લગભગ 3 થી 5 મહિલાઓ રહે છે. જે બાદ તેણે પ્રિન્સટન પોલીસને આ અંગેની માહિતી આપી અને માનવ તસ્કરીની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી. 13 માર્ચના રોજ, પોલીસે કટકુરીના ઘરે દરોડો પાડ્યા હતા. જ્યાંથી તેમને લગભગ 15 મહિલાઓ મળી આવી હતી. જેમાંથી તમામે પોલીસને જણાવ્યું કે દ્વારકા ગુડાએ તેના પતિ સાથે, અનેક પ્રોગ્રામિંગ શેલ ફર્મ્સમાં કામ કરવા દબાણ કરવામાં આવ્યું હતું.
આ કામ ટેક્સાસના ત્રણ શહેરોમાં કરવામાં આવી રહ્યું છે
અમેરિકાની પોલીસે જણાવ્યું હતુ કે, ઘરમાં હાથ ધરાયેલ તપાસ દરમિયાન ઘણાબધા લેપટોપ, મોબાઈલ ફોન, પ્રિન્ટર અને અનેક નકલી દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. પૂછપરછ અને તપાસ દરમિયાન, પોલીસને એ પણ જાણવા મળ્યું કે ટેક્સાસના ઓછામાં ઓછા ત્રણ શહેરોમાં આવા બળજબરીથી મજૂરી નેટવર્ક અસ્તિત્વમાં છે. જેમાં મેલિસા, પ્રિન્સટન અને મેકકિનીનો સમાવેશ થાય છે. આ કેસમાં વધુ લોકોની ધરપકડ થવાની શક્યતા છે, આ સિવાય આ કેસમાં મળી આવેલા સરસમાન અને નકલી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં ઘણા પુરુષો પણ સામેલ છે. જેઓ જબરદસ્તીથી મજૂરીનો ભોગ બનેલ છે.
અમેરિકા પોલીસનું માનવું છે કે, આ કેસમાં 100થી વધુ લોકો સંડોવાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલાની તપાસ પહેલાથી જ કરવામાં આવી રહી હતી, પરંતુ પોલીસે હવે આ મામલાને તમામની સામે વિગતે રજૂ કર્યો છે.