ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના અપહરણના આરોપીની પાકિસ્તાનમાં અજાણ્યા લોકોએ ગોળીઓ ધરબીને કરી હત્યા, જાણો કોણ છે એ મુફ્તી શાહ ?
પાકિસ્તાનના મુફ્તી શાહ મીરની હત્યા કરવામાં આવી છે. શુક્રવારે મોડી રાત્રે બલૂચિસ્તાનના તુર્બત શહેરમાં આજાણ્યા બંદૂકધારીઓએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મુફ્તી શાહ મીર ઉપરપૂર્વ ભારતીય નૌસેના અધિકારી કુલભૂષણ જાધવનુ ઈરાનથી અપહરણ કરવામાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની મદદ કરવાનો આરોપ હતો. આ સાથે તે પાકિસ્તાનના કટ્ટરપંથી રાજકીય પક્ષ, જમિયત ઉલેમા-એ-ઈસ્લામનો સક્રીય સભ્ય પણ હતો.

પાકિસ્તાનના મુફ્તી શાહ મીરની બલૂચિસ્તાનના તુર્બત શહેરમાં શુક્રવારે રાત્રે બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મુફ્તી શાહ મીર પર ભારતીય ઉદ્યોગપતિ અને ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ કરવામાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની મદદ કરવાનો આરોપ હતો.
પાકિસ્તાનના મીડિયા ડોને તેના અહેવાલમાં પોલીસને ટાંકિને જણાવ્યું કે આ સમયે રમઝાન મહિનો ચાલી રહ્યો છે. રમઝાન દરમિયાન, મુફ્તી શાહ મીર તરાવીહ (રાત્રિની નમાઝ) અદા કર્યા પછી મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યા હતો, ત્યારે બાઇક પર સવાર બંદૂકધારીઓએ મુફ્તી પર ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ મોટરસાઇકલ પર સવાર હતા અને મુફ્તી શાહ મીર પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મુફ્તીને તુરંત જ તુર્બત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેનું મૃત્યુ થયું.
મુફ્તી શાહ મીર કોણ હતો ?
મુફ્તી શાહ મીર પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને ઘણા ગેરકાયદે ઓપરેશનમાં મદદ કરવાનો આરોપ છે. તેના પર ઈરાનમાંથી ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના અપહરણમાં ભૂમિકા નિભાવવાનો પણ આરોપ હતો. આ સાથે મુફ્તી મીર પાકિસ્તાનના કટ્ટરપંથી રાજકીય પક્ષ જમિયત ઉલેમા-એ-ઈસ્લામના સક્રીય સભ્ય પણ હતો. આઈએસઆઈના સહયોગી તરીકે, મીર કથિત રીતે ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીમાં પણ સામેલ હતો.
તેના પર ભારતમાં આતંકવાદીઓ અને ઘૂસણખોરીને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ હતો. દક્ષિણ એશિયા ઉપરાંત, મીર અફઘાનિસ્તાનમાં પણ સક્રિય હતો, જ્યાં તેણે પાકિસ્તાની સૈન્ય માટે ગુપ્ત માહિતી એકઠી કરી હતી અને પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારોમાં વિદ્રોહી જૂથોનું નિરીક્ષણ કર્યું હતું.
જાધવના અપહરણમાં ભૂમિકા
માર્ચ 2016 માં, ભારતીય ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારી કુલભૂષણ જાધવનું ઈરાન-પાકિસ્તાન સરહદેથી જૈશ અલ-અદલના મુલ્લા ઓમર ઈરાનીના નેતૃત્વ હેઠળના જૂથ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને જાધવને મીર સહિત ઘણા લોકો દ્વારા પાકિસ્તાની સેનાને સોંપવામાં આવ્યો હતો.
નૌકાદળમાંથી અકાળ નિવૃત્તિ બાદ ચાબહાર (ઈરાન)માં વેપાર કરી રહેલા જાધવનું પાકિસ્તાનમાં ખોટા આરોપમાં અપહરણ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. એપ્રિલ 2017 માં, પાકિસ્તાનની લશ્કરી અદાલતે જાધવને જાસૂસી અને તોડફોડ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ મૂકીને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ભારતે આ નિર્ણયની નિંદા કરી અને તેને આયોજનબદ્ધ હત્યા ગણાવી. આંતરરાષ્ટ્રીય કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવતા પાકિસ્તાન સરકારને ભારતને રાજદ્વારી પ્રવેશ આપવા ઉપરાંત સજાની સમીક્ષા કરવા જણાવ્યું હતું.
અજાણ્યા હત્યારાઓ અંગે પોલીસે હાથ ધરી તપાસ
મીર JUI-F પાર્ટી સાથે સંકળાયેલો હતો. મીર પહેલા, JUI-F પાર્ટીના બે સભ્યો પણ આવી રીતે મૃત્યુ પામ્યા હતા. ગયા અઠવાડિયે, JUI-Fના વાડેરા ગુલામ સરવર અને મોલવી અમાનુલ્લાહની બાઇક પર સવાર હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ મુફ્તી મીરની પણ હત્યા કરવામાં આવી છે. પોલીસ હુમલાખોરોને શોધવામાં વ્યસ્ત છે. આ પહેલા પણ મીર પર બે વખત જીવલેણ હુમલાનો સામનો કરવો પડ્યો હતો.