જગત જમાદાર ટ્રમ્પ નવાજૂની કરવાના મૂડમાં ! હુમલાની ધમકી બાદ હવે આ એરસ્પેસ બંધ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા અને તેની આસપાસના હવાઈ ક્ષેત્ર (Aerospace) બંધ કરવાની જાહેરાત કરી છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને ટ્રમ્પ વચ્ચે ચાલી રહેલા વધતા તણાવ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે સંબંધો વધુ ખરાબ થવાની શક્યતા વધી ગઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, “તમામ એરલાઇન્સ, પાઇલટ્સ, ડ્રગ ડીલર્સ અને માનવ તસ્કરોને ચેતવણી છે. તેઓ વેનેઝુએલા આસપાસના હવાઈ ક્ષેત્રનો સંપૂર્ણપણે ત્યાગ કરે.” આ નિવેદન બાદ અમેરિકા વેનેઝુએલા પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે કે કેમ તે અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા અને ચિંતાઓ વધી ગઈ છે.
માદુરોને હટાવવાની ધમકી અને લશ્કરી દબાણ
અમેરિકા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સત્તામાંથી હટાવવાની ધમકી લાંબા સમયથી આપી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર માદુરોને ગેરકાયદેસર નેતા માને છે. સપ્ટેમ્બરથી અમેરિકા કેરેબિયન વિસ્તારમાં ડ્રગ ટ્રાફિકિંગ કરતી બોટો પર હુમલાઓ કરી રહ્યું છે, જેના કારણે તણાવ વધુ ગંભીર બન્યો છે.
કેરેબિયનમાં વિશાળ લશ્કરી તૈનાતી
ટ્રમ્પ વહીવટીતંત્ર વેનેઝુએલા પર દબાણ વધારવા માટે કેરેબિયન ક્ષેત્રમાં વિશાળ લશ્કરી દળ તૈનાત કરી રહ્યું છે. તેમાં વિશ્વના સૌથી મોટા વિમાનવાહક જહાજ સહિત અનેક નૌકાદળ એકમોનો સમાવેશ થાય છે. વોશિંગ્ટનનો દાવો છે કે આ કાર્યવાહીનું મુખ્ય લક્ષ્ય ડ્રગ સ્મગલિંગ પર કાબૂ મેળવવું છે, જ્યારે કારાકાસ (વેનેઝુએલા) કહે છે કે આ બધું શાસન પરિવર્તન માટેની પૂર્વ તૈયારી છે.
જહાજોને નિશાન બનાવવાની કાર્યવાહી
યુએસ સૈન્યે સપ્ટેમ્બરથી કેરેબિયન અને પૂર્વીય પેસિફિક મહાસાગરમાં 20થી વધુ શંકાસ્પદ ડ્રગ ટ્રાફિકિંગ જહાજોને નિશાન બનાવ્યા અને હુમલા કર્યા છે, જેમાં 80 થી વધુ લોકોના મોત થયા છે. તેમ છતાં, વોશિંગ્ટને અત્યાર સુધી પુરાવા રજૂ કર્યા નથી કે આ જહાજો ખરેખર ડ્રગ્સની હેરફેરમાં સામેલ હતા કે અમેરિકાની સુરક્ષાને ખતરો હતા.
વેનેઝુએલાની અંદર હુમલા શરૂ થવાના સંકેત?
ગુરુવારે લશ્કરી કર્મચારીઓ સાથે થેંક્સગિવિંગ વિડીયો કોલ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે સૌથી મોટો સંકેત આપ્યો કે વેનેઝુએલાની અંદર સીધા હુમલાઓ શરૂ થઈ શકે છે. તેમણે કહ્યું,
“તાજેતરના અઠવાડિયામાં તમે વેનેઝુએલાના ડ્રગ હેરફેર કરનારાઓને રોકવાના પ્રયાસો કરી રહ્યા છો. હવે દરિયાઈ માર્ગે આવનારા લોકો ઘટ્યા છે. ટૂંક સમયમાં અમે તેમને જમીન માર્ગે પણ રોકશું.” આ નિવેદનને ભૂ રાજકીય નિષ્ણાતો દ્વારા વેનેઝુએલાની ભૂમિ પર સૈન્ય કાર્યવાહીનો પરોક્ષ સંકેત માનવામાં આવી રહ્યો છે.
