શિયાળામાં લાકડાં સળગાવવા પડી શકે છે ‘ભારે’, ધુમાડાથી વધી રહ્યું છે ‘મોતનું જોખમ’
શિયાળાની ઋતુમાં જ્યારે તાપમાન ઝડપથી નીચે જાય છે, ત્યારે શરીરને ગરમ રાખવા માટે લોકો અવારનવાર તાપણું અથવા અંગીઠીનો સહારો લે છે. જો કે, આ આગ પાછળ છુપાયેલું જોખમ ઘણીવાર જીવ પણ લઈ શકે છે.

શિયાળાની ઋતુમાં જ્યારે તાપમાન ઝડપથી નીચે જાય છે, ત્યારે શરીરને ગરમ રાખવા માટે લોકો અવારનવાર તાપણું અથવા અંગીઠીનો સહારો લે છે. ગામ હોય કે શહેર, ઠંડી રાતોમાં સળગતા લાકડાની આગ લોકોને રાહત અને શાંતિનો અહેસાસ કરાવે છે.
પરિવાર અને પડોશીઓ સાથે આગ પાસે બેસવું એ એક સામાન્ય અને જૂની પરંપરા પણ માનવામાં આવે છે. જો કે, જે હૂંફને આપણે આરામ અને સુરક્ષા સાથે જોડીએ છીએ, તેની પાછળ છુપાયેલું જોખમ ઘણીવાર અવગણવામાં આવે છે.
તાજેતરના અભ્યાસમાં થયો ખુલાસો
તાજેતરના સંશોધનો અને વૈજ્ઞાનિક અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે, સળગતા લાકડામાંથી નીકળતો ધુમાડો માત્ર વાતાવરણને જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
આ ધુમાડો હવામાં અત્યંત સૂક્ષ્મ કણોનું પ્રમાણ વધારે છે, જે શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. લાંબાગાળે તેની અસર હૃદય, ફેફસાં અને સમગ્ર શ્વસનતંત્ર પર પડી શકે છે. આ જ કારણ છે કે, હવે તાપણાંની ગરમી સામે સવાલો ઊઠી રહ્યા છે.
સૌથી મોટું કારણ કયું?
નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, શિયાળામાં હવામાં રહેલા PM 2.5 પ્રદૂષણનો લગભગ 22% હિસ્સો માત્ર લાકડાં સળગાવવાથી પેદા થાય છે. ટૂંકમાં, ઠંડીની મોસમમાં પ્રદૂષણ માટેનું આ સૌથી મોટું કારણ બની ગયું છે.
લાકડાં સળગાવવાથી નીકળતો ધુમાડો અત્યંત સૂક્ષ્મ કણોથી ભરેલો હોય છે, જે શ્વાસ દ્વારા સીધા શરીરમાં પ્રવેશ કરે છે. આ કણો હૃદય સંબંધિત રોગોનું જોખમ વધારી દે છે. નિષ્ણાતોના મતે, આ અસર જંગલની આગના ધુમાડા જેટલી જ ખતરનાક છે.
રિસર્ચ મોડલ્સ દર્શાવે છે કે, અમેરિકામાં દર વર્ષે લગભગ 8,600 જેટલા મૃત્યુનો સંબંધ રહેણાંક વિસ્તારોમાં લાકડાં સળગાવવાથી થતા પ્રદૂષણ સાથે છે. આ આંકડો દર્શાવે છે કે, લાકડાં સળગાવવાની સમસ્યા કેટલી ગંભીર છે અને અત્યાર સુધી તેને કેટલી નજરઅંદાજ કરવામાં આવી છે.
ધુમાડો હવાને પણ ઝેરી બનાવે છે
લાકડાં સળગાવવાની અસર માત્ર ઘર પૂરતી સીમિત રહેતી નથી. પવનની સાથે આ ધુમાડો ઉપનગરો (suburbs) થી વહીને ગીચ વસ્તી ધરાવતા શહેરો સુધી પહોંચી જાય છે. એવામાં ભલે શહેરોમાં લાકડાં ઓછા સળગાવવામાં આવતા હોય પરંતુ બહારથી આવેલો ધુમાડો ત્યાંની હવાને પણ ઝેરી બનાવી દે છે.
આનાથી બચવું કઈ રીતે?
સારી વાત એ છે કે, આનો ઉકેલ મુશ્કેલ નથી. જો લાકડાના સ્ટવ અને ફાયરપ્લેસની જગ્યાએ આધુનિક, સ્વચ્છ અને દહનમુક્ત (વગર સળગતા) હીટિંગ વિકલ્પો અપનાવવામાં આવે, તો હવાની ગુણવત્તામાં મોટો સુધારો થઈ શકે છે. તાપણાંની જગ્યાએ સુરક્ષિત હીટિંગ સાધનો અપનાવીને ન માત્ર આપણે આપણું સ્વાસ્થ્ય બચાવી શકીએ છીએ પરંતુ આખા વિસ્તારની હવાને પણ શુદ્ધ રાખી શકીએ છીએ.
