Breaking News : ઇઝરાયેલની બહુચર્ચિત ચૂંટણીનું પરિણામ જાહેર, નેતન્યાહૂ બહુમતથી દૂર… હવે સત્તાની ચાવી અમેરિકાના હાથમાં!
ઇઝરાયેલની બહુચર્ચિત ચૂંટણીનું પરિણામ આખરે જાહેર થઈ ગયું છે. આ ચૂંટણીની સૌથી ખાસ વાત એ છે કે હવે સત્તાની ચાવી અમેરિકાના હાથમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. તમે વિચારશો કે ચૂંટણી ઇઝરાયેલની છે તો અમેરિકા સરકાર કેવી રીતે નક્કી કરી શકે? પરંતુ તેની પાછળનું રાજકારણ સમજવું જરૂરી છે.

ઇઝરાયેલમાં 27 ઓક્ટોબરે યોજાયેલી સામાન્ય ચૂંટણીનાં પરિણામો આપવામાં આવ્યાં છે. મતગણતરી પૂર્ણ થયા બાદ કયા પક્ષને કેટલી બેઠકો મળી તેના આંકડા સામે આવ્યા છે. હાલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની આગેવાની હેઠળના લિકુડ પક્ષના ગઠબંધનને 53 બેઠકો મળી છે. બીજી તરફ, નેતન્યાહૂ સામે પડકાર ઊભો કરનારા પૂર્વ સૈન્ય પ્રમુખ ગાદી આઇઝનકોટના ગઠબંધનને 48 બેઠકો મળી છે.
ઇઝરાયેલની સંસદને નેસેટ કહેવામાં આવે છે. 120 સભ્યોની નેસેટમાં સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો 61 બેઠકોનો છે. જોકે, નેતન્યાહૂના ગઠબંધનને 53 અને વિપક્ષી ગઠબંધનને 48 બેઠકો મળી છે. એટલે કે કોઈપણ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી નથી. બીજી તરફ, આરબ પક્ષોએ 19 બેઠકો જીતી છે. આથી ઇઝરાયેલની ચૂંટણીમાં આરબ પક્ષો કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે.
કયા પક્ષને કેટલી બેઠકો મળી?
નેતન્યાહૂના સમર્થક જૂથ એટલે કે દક્ષિણપંથી ગઠબંધનને કુલ 53 બેઠકો મળી છે. નેતન્યાહૂનો લિકુડ પક્ષ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. આ પક્ષને સૌથી વધુ 27 બેઠકો મળી છે. બીજી તરફ, આઇઝનકોટના નેતૃત્વ હેઠળના વિપક્ષી ગઠબંધનને 48 બેઠકો મળી છે. આઇઝનકોટના યાશર પક્ષે 21 બેઠકો જીતી છે. જ્યારે આરબ પક્ષોનું નેતૃત્વ કરતા ગઠબંધનને 19 બેઠકો મળી છે. આરબ પક્ષો માટે આ એક ઐતિહાસિક સફળતા માનવામાં આવી રહી છે.
ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપનો આરોપ
ત્રિશંકુ સંસદમાં 19 બેઠકો જીતનારા આરબ પક્ષો હવે કિંગમેકરની ભૂમિકામાં છે. ઇઝરાયેલના પરંપરાગત રાજકારણમાં મોટા ભાગના યહૂદી પક્ષો આરબ પક્ષો સાથે ગઠબંધન કરવાનું ટાળે છે. ચૂંટણીનાં પરિણામો બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટીએ આરબ પક્ષો પર ચૂંટણીમાં ગેરરીતિ અને વિદેશી હસ્તક્ષેપના આરોપ લગાવ્યા છે. જોકે, સેન્ટ્રલ ઇલેક્શન કમિટીના કાર્યકારી મહાનિર્દેશક ડીન લિવને આ આરોપોને ફગાવી દીધા છે. તેમણે ચૂંટણી સંપૂર્ણપણે કાયદેસર અને પારદર્શક રીતે યોજાઈ હોવાનું જણાવ્યું છે.
વ્હાઇટ હાઉસની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે
નેતન્યાહૂ અને આઇઝનકોટ એકબીજાની સામે ચૂંટણી લડ્યા હતા. પરંતુ હવે બંને સાથે મળીને સરકાર બનાવી શકે છે. આ સમગ્ર રાજકીય સમીકરણમાં અમેરિકાના વ્હાઇટ હાઉસની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની શકે છે. કારણ કે ઇઝરાયેલના રાજકારણમાં આરબ પક્ષોને સત્તાથી દૂર રાખવાની પરંપરા રહી છે. પશ્ચિમ એશિયાના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીએ તો ઇરાન વિરોધી સરકાર અમેરિકાના હિતમાં હોઈ શકે છે.
આવી સ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નેતન્યાહૂ અને આઇઝનકોટ વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરી શકે છે. નેતન્યાહૂ અને આઇઝનકોટના પક્ષો અલગ હોવા છતાં તેમની વિચારધારામાં કેટલીક સમાનતાઓ છે. તેથી બંને સાથે મળીને સરકાર બનાવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
