Breaking News : યુક્રેનમાં કાર્ગો જહાજ પર હુમલો, 4 ભારતીયોના મોત, ભારતે વ્યક્ત કર્યો કડક વિરોધ
યુક્રેનના ઓડેસા નજીક MV ગોલ્ડન લીઓ કાર્ગો જહાજ પર થયેલા હુમલામાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે, જ્યારે એક ઘાયલ છે. ભારતે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને દરિયાઈ વેપારની સ્વતંત્રતા જાળવવા હાકલ કરી છે.

યુક્રેનના ઓડેસા બંદરથી રવાના થયેલા કોમર્શિયલ કાર્ગો જહાજ MV ગોલ્ડન લીઓ પર થયેલા હુમલામાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે, જ્યારે એક ભારતીય ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટનાને લઈને ભારત સરકારે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાની ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે.
વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 19 જુલાઈ, 2026ની સાંજે હુમલો થયો હતો. તે સમયે જહાજમાં કુલ 17 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં પાંચ ભારતીય નાગરિકોનો સમાવેશ થતો હતો. હુમલામાં ચાર ભારતીયોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક ભારતીય ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભારતીય દૂતાવાસ સતત ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્ત ભારતીયોને દરેક શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે. ભારત સરકારે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે તેમજ ઘાયલ ભારતીયના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.
ભારતે પોતાના સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે વાણિજ્યિક જહાજો પર હુમલો કરવો, નિર્દોષ નાગરિક ક્રૂના જીવ જોખમમાં મૂકવા અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર તથા નેવિગેશનની સ્વતંત્રતાને ખલેલ પહોંચાડવી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ભારતે તમામ પક્ષોને આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોની સુરક્ષા જાળવવા અને આવા હુમલાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.
સપ્લાય ચેઇન પર પણ અસર
આ ઘટનાએ ફરી એકવાર રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે કાળા સમુદ્રમાં નાગરિક જહાજોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્વપૂર્ણ ગણાતા આ દરિયાઈ માર્ગોમાં વધતી અસુરક્ષા વૈશ્વિક સપ્લાય ચેઇન પર પણ અસર કરી શકે છે. ભારતીય ખલાસીઓ પર થયેલા તાજેતરના વર્ષોના સૌથી ગંભીર હુમલાઓમાં આ ઘટનાનો સમાવેશ થાય છે.
બીજી તરફ, યુક્રેને આ હુમલા માટે સીધો રશિયાને જવાબદાર ઠેરવ્યો છે. યુક્રેનના વિદેશ મંત્રીએ આરોપ લગાવ્યો છે કે રશિયાએ યુક્રેનના દરિયાઈ કોરિડોરમાં મુસાફરી કરી રહેલા નાગરિક કાર્ગો જહાજને નિશાન બનાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, જહાજમાં ભારત અને સીરિયાના નાગરિકો સહિત વિવિધ દેશોના ક્રૂ સભ્યો હાજર હતા. હુમલામાં યુક્રેનિયન નૌકાદળના એક પાઇલટ અને ચાર ભારતીય ક્રૂ સભ્યોના મોત થયા હતા.
માનવ જીવનની કોઈ પરવા કરતું નથી!
યુક્રેનનું કહેવું છે કે આ હુમલો માત્ર એક જહાજ પરનો હુમલો નથી, પરંતુ વૈશ્વિક ખાદ્ય પુરવઠા શૃંખલા અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારની સ્વતંત્રતા પર પણ સીધી અસર કરે છે. યુક્રેનના વિદેશ મંત્રીએ આરોપ લગાવ્યો કે રશિયા પોતાના હુમલાઓમાં માનવ જીવનની કોઈ પરવા કરતું નથી, પછી ભલે તે યુક્રેનના નાગરિકો હોય કે અન્ય દેશોના.
યુક્રેને વધુમાં દાવો કર્યો છે કે આ ઘટનાના એક દિવસ પહેલાં પણ કાળા સમુદ્રમાં એક અન્ય વિદેશી કાર્ગો જહાજ પર હુમલો થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. યુક્રેન સરકારે જણાવ્યું છે કે તે આ સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન (IMO) સમક્ષ ઉઠાવશે અને રશિયા સામે વધુ કડક આંતરરાષ્ટ્રીય કાર્યવાહી તેમજ નવા પ્રતિબંધોની માંગ કરશે.
આ ઘટનાને લઈને સમગ્ર વિશ્વની નજર હવે કાળા સમુદ્રમાં દરિયાઈ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોની સલામતી પર કેન્દ્રિત થઈ છે.
જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રનો મોટો નિર્ણય, 18 હજાર ભારતીયોને અમેરિકાથી કરાશે દેશનિકાલ
