Kazan Drone Attack : રશિયાના કઝાનમાં 9/11 જેવો થયો હુમલો, 3 ઊંચી ઈમારતો સાથે ટકરાયા કિલર ડ્રોન
રશિયાના કઝાન શહેરમાં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવો હુમલો થયો છે. રશિયાના કઝાન શહેરમાં UAV (કિલર ડ્રોન) 3 ઊંચી ઇમારતોને ટક્કર મારી છે. આ હુમલાની તસવીરો પણ સામે આવી છે. રશિયાએ આ હુમલા માટે સીધું યુક્રેનને જવાબદાર ઠેરવ્યું છે.
રશિયાના કઝાન શહેરમાં એક ભયાનક હુમલો થયો છે જેણે દુનિયાને અમેરિકાના ઈતિહાસના સૌથી ભયાનક 9/11 હુમલાની યાદ અપાવી દીધી છે. રશિયાના કઝાન શહેરમાં સીરીયલ ડ્રોન (યુએવી) હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલા કઝાન શહેરની ત્રણ બહુમાળી ઈમારતોમાં થયા હતા. હુમલાને કારણે મોટું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે.
યુક્રેન પર સીધો આરોપ લગાવ્યો
કઝાનમાં બહુમાળી ઇમારતો પર UAV હુમલાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જુદી-જુદી દિશામાંથી આવતા કિલર ડ્રોન (UVA) હવામાં ઈમારતો સાથે અથડાઈ રહ્યા છે. ડ્રોન ઈમારત સાથે અથડાયા બાદ મોટો વિસ્ફોટ પણ જોવા મળી રહ્યો છે. રશિયાએ આ હુમલા માટે યુક્રેન પર સીધો આરોપ લગાવ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું છે કે, આ ડ્રોન હુમલો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે.
❗️RUSSIAN AIR DEFENSE SYSTEMS DESTROYED A UKRAINIAN DRONE OVER RUSSIA’S CITY OF KAZAN – RUSSIAN DEFENSE MINISTRY
As a result of a drone attack, a fire broke out in houses in three districts, Sovetsky, Kirovsky and Privolzhsky, the mayor’s office said.
Operational services… pic.twitter.com/SztJHaoCCu
— Sputnik (@SputnikInt) December 21, 2024
(Credit Source : @SputnikInt)
મકાનોમાં આગ ફાટી નીકળી, લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા
રશિયાના સંરક્ષણ મંત્રાલયે પણ આ હુમલાનો જવાબ આપ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ કઝાન શહેર ઉપર યુક્રેનના એક ડ્રોનને નષ્ટ કરી દીધું છે. તેમજ રશિયન મીડિયા એજન્સી સ્પુટનિકને કઝાનના મેયર કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ડ્રોન હુમલાના કારણે, સોવેત્સ્કી, કિરોવસ્કી અને પ્રીવોલ્ઝસ્કી ત્રણ જિલ્લાઓમાં ઘરોમાં આગ લાગી છે.
ડ્રોન હુમલાને કારણે જે ઈમારતોમાં આગ લાગી છે ત્યાં ઓપરેશનલ સેવાઓ ચાલુ છે. જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને રહેવા માટે ખોરાક અને આશ્રય આપવામાં આવી રહ્યો છે.
કોઈના મોત અંગે કોઈ માહિતી સામે આવી નથી
રશિયામાંથી બહાર આવી રહેલી માહિતી પરથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ ઈમારતોમાં રહેવાસીઓ રહેતા હતા. તેથી આ હુમલામાં જાનહાનિ થવાની શક્યતા નકારી શકાતી નથી. જો કે હજુ સુધી કોઈના મોત અંગે કોઈ માહિતી સામે આવી નથી. અન્ય હુમલાની સંભાવનાને કારણે, સાવચેતીના ભાગરૂપે નજીકની ઊંચી ઇમારતોને પણ ખાલી કરાવવામાં આવી છે. રશિયાના કઝાન શહેરના એરપોર્ટ પર ફ્લાઇટ્સ પણ બંધ કરી દેવામાં આવી છે.
2024ની BRICS સમિટ કઝાનમાં જ યોજાઈ હતી
કઝાન શહેર પર થયેલા આ હુમલાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. કારણ કે આ જ વર્ષે 2024માં રશિયાના આ શહેરમાં બ્રિક્સ સંમેલન યોજાયું હતું. આ વખતે કઝાનમાં આયોજિત 16મી બ્રિક્સ સંમેલનમાં પ્રથમ વખત સંયુક્ત આરબ અમીરાત, ઈરાન, ઈજિપ્ત અને ઈથોપિયાને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. આ હુમલાને અમેરિકામાં 9/11 (વર્લ્ડ ટ્રેડ સેન્ટર) હુમલા જેવો જ ગણાવવામાં આવી રહ્યો છે.