Ukraine Russia War: ઓપરેશન ગંગા હેઠળ વધુ 2,135 ભારતીયો સ્વદેશ પરત ફર્યા, અત્યાર સુધીમાં 13,300 લોકોને ભારત પરત લવાયા
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ દરમિયાન ઓપરેશન ગંગા અભિયાન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત રવિવારે 2,135 ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા હતા. સોમવારે યુક્રેનમાં ફસાયેલા 1500થી વધુ વિદ્યાર્થીઓને વતન પરત લાવવામાં આવશે.
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં (Ukraine) ફસાયેલા લોકોને સુરક્ષિત સ્વદેશમાં લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા (Operation Ganga) ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આજે રવિવારે યુક્રેનના પડોશી દેશોમાંથી 11 વિશેષ ફ્લાઈટ દ્વારા 2,135 ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Civil Aviation) કહ્યું કે 22 ફેબ્રુઆરી 2022 ના રોજ વિશેષ ફ્લાઇટ્સ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 15,900 થી વધુ ભારતીયોને પાછા લાવવામાં આવ્યા છે. જ્યારે આવતીકાલ 7 માર્ચે 8 વિશેષ ફ્લાઇટ્સનુ સંચાલન કરવાની અપેક્ષા છે, જેમાં બુડાપેસ્ટથી 5 ફ્લાઇટ્સ, સુસેવાથી બે ફ્લાઇટ્સ અને બુકારેસ્ટથી એક ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે, જેના દ્વારા 1500 થી વધુ ભારતીયોને સ્વદેશ પરત લવાશે.
રશિયા-યુક્રેન યુદ્ધના 11મા દિવસે આજે સવારે યુક્રેનથી 183 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન હંગેરીના બુડાપેસ્ટથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યું હતું. આ સિવાય યુક્રેનથી બહાર કાઢવામાં આવેલા 210 ભારતીયોને લઈને ભારતીય વાયુસેનાની ફ્લાઈટ રોમાનિયાના બુકારેસ્ટથી દિલ્હી નજીક હિંડન એરબેઝ પહોંચી છે. શનિવારે મોડી રાત્રે પણ રોમાનિયાના બુકારેસ્ટથી 182 ભારતીયોને લઈને એક વિશેષ ફ્લાઈટ મુંબઈ આવી હતી. આ તમામ ભારતીયો યુક્રેનથી રોમાનિયા પહોંચ્યા હતા.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે વધુ એક એડવાઈઝરી
યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને યુક્રેનના પડોશી દેશો મારફતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય દૂતાવાસ પણ યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે સતત સંદેશા જાહેર કરી રહ્યા છે. રવિવારે, હંગેરીમાં ભારતીય દૂતાવાસે, તમામ ભારતીયોને તાકીદનો સંદેશ આપતાં, તેઓને વહેલી તકે બુડાપેસ્ટ, હંગેરી પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. દૂતાવાસે એક ટ્વીટમાં લખ્યું છે કે ભારતીય દૂતાવાસે આજે ઓપરેશન ગંગા ઉડાનના અંતિમ તબક્કાની શરૂઆત કરી છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે બુડાપેસ્ટ પહોંચી જવા જણાવ્યું છે. ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓને તેમની તમામ વિગતો સાથે ગૂગલ (Google) ફોર્મ ભરવા માટે પણ કહ્યું છે. ભારતીય દૂતાવાસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટે લોકોને નામ, પાસપોર્ટ નંબર અને વર્તમાન સ્થાન જેવી મૂળભૂત વિગતો માટે પૂછતા ગૂગલ ફોર્મ ભરવાનું કહ્યું છે.
યુદ્ધના ધોરણે ચાલી રહ્યુ છે ઓપરેશન ગંગા
યુક્રેનમાં રશિયાના હુમલાને કારણે સ્થિતિ ઝડપથી બગડી રહી છે. ભારત સરકાર પણ યુદ્ધના ધોરણે ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સતત ઉચ્ચ સ્તરીય બેઠકો કરી રહ્યા છે. શનિવારે પણ તેમણે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, NSA અજીત ડોભાલ, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા સહિત ઘણા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં પીએમ મોદીએ, મંત્રીઓ અને અધિકારીઓને ઘણા નિર્દેશ આપ્યા હતા.
આ પણ વાંચોઃ
ટ્રમ્પે રશિયા પર હુમલાનો બનાવ્યો ‘માસ્ટર પ્લાન’ ! કહ્યું ‘ ચીનનો ધ્વજ લગાવીને US ફાઈટર પ્લેન કરે બોમ્બમારો’
આ પણ વાંચોઃ