CM યથાવત રાખીને કેમ આખી ટીમ નવી બનાવી, શું પાલિકા-પંચાયત અને 2027ની ચૂંટણીનો હતો ડર ?
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું હતું કે, ભાજપ દ્વારા નવી સરકાર બનાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ, સૌ પ્રથમ નવા પ્રદેશ પ્રમુખની વરણી કરાવી અને ત્યાર બાદ ગણતરીના દિવસોમાં નવી સરકાર. ભાજપને નજીકથી જાણનારા રાજકીય વિશ્લેષકો માટે આ નવું નથી. કારણ કે સમયાંતરે ભાજપ તેમના હસ્તકના રાજ્યોમાં પ્રધાનમંડળની ફેરબદલ કરતુ રહે છે. ગુજરાત પણ હવે તેમા અપવાદ નથી.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારની આજે નવી ટીમ રચવામાં આવી છે. આ ટીમમાં જેટલા જૂના જોગીઓ છે, તેમના કરતા પણ વધુ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આમ કરવા પાછળ અનેક કારણોની ચર્ચા થઈ રહી છે. પરંતુ મુખ્ય કારણ એ છે કે, આવનારી ચૂંટણી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ હવે વાગશે. આ ચૂંટણીઓમાં ભાજપને કોઈ નુકસાન ના થાય તે માટે ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારમાંથી 10 ચહેરાને પડતા મુકવામાં આવ્યા છે. તેમના સ્થાને કુલ 15 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં માથુ ઉચકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ રાજકીય રીતે આમ આદમી પાર્ટીને કચડી નાખવાના પૂરેપૂરા પ્રયાસ કર્યા હતા. આમ છતા, વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવીને ભાજપને રાજકીય ચેતવણી આપી હતી. રાજકારણમાં આ એક એવો સંકેત હોત કે સાવચેત નહીં રહો તો ભારે નુકસાન વેઠવાની તૈયારી રાખવી. ગુજરાતમાં હાલ ભાજપ 162 ધારાસભ્યો ધરાવે છે. પરંતુ 2027ની ચૂંટણીમાં આ સભ્ય સંખ્યા જાળવી રાખવી મુશ્કેલ બની રહ્યું હતું.
ગુજરાતમાં આગામી ડિસેમ્બર કે નવા વર્ષના પ્રારંભે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં રાજ કરવા માટે પંચાયતની ચૂંટણી મહત્વની હોય છે. જો કે, ભાજપ હસ્તકની તાલુકા અને જિલ્લા પંચાયતોમાં જૂથબંધી આકાર પામી છે. આ જૂથબંધીને નાથવા માટે પણ સરકારસ્તરે જે કામગીરી કરવી જોઈએ તે ના થવાના કારણે તેમજ પ્રમાણમાં નબળી રહેતા, લોકોના મનમાં પક્ષની ઊંડી પડેલ છાપ ધીમે ધીમે ભૂંસાઈ રહી હતી. ભાજપને ગ્રામ્યસ્તરે બળવતર બનાવવા માટે કેટલાક ફેરફારની આવશ્યકતા હતી. જે સરકાર સ્તરેથી શરૂ થઈ છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હવે ભાજપ નવા ચહેરા ઉપર મદાર રાખશે.
ગુજરાતના રાજકારણમાં, જ્ઞાતિ અને જાતિનું સમિકરણ ખૂબ જ મહત્વનુ માનવામાં આવે છે એક સમાજને પ્રાધાન્ય આપ્યુ હોય અને બીજા સમાજને પુરતુ પ્રાધાન્ય ના મળ્યું હોય તો ચૂંટણી સમયે નારાજગી વ્યક્ત કરવામા આવતી હોય છે. જેને ધ્યાને રાખીને, નવા પ્રધાનમંડળમા જે લોકોને સમાવવામાં આવ્યા છે તેમનો પણ જ્ઞાતિ અને જાતિના આધારે સમાવેશ કરવામાં આવ્યો છે. 8 પ્રધાનો પટેલ સમાજના છે, તો 7 પ્રધાનો ઓબીસી છે. અનુસૂચિત જાતિના 3 સભ્યોને સમાવવામાં આવ્યા છે. આદીજાતિના 4 સભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. 1 બ્રાહ્મણ, 1 જૈન-લધુમતિ અને 2 ક્ષત્રિય સમાજના લોકોને સ્થાન આપીને ગુજરાતના જ્ઞાતિ જાતિના રાજકારણમાં બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચોઃ ભૂપેન્દ્ર પટેલની 26ની નવી ટીમ, જૂના જોગી ઉપર મદાર રાખવાની સાથેસાથે 15 નવા ચહેરાને બનાવ્યા પ્રધાન
