Rajkot : વીંછિયામાં અંધશ્રદ્ધાની આગમાં વધુ એક પરીવાર હોમાયો, પતિ-પત્નીએ જાતે જ મસ્તક હવન કુંડમાં હોમ્યું,જુઓ Video
રાજકોટના વીંછિયામાં પતિ-પત્નીએ પોતાની જ બલી ચડાવતા ચકચાર મચી ગઇ છે. વીંછિયામાં રહેતા હેમુ મકવાણા અને તેમના પત્ની હંસા મકવાણાએ તાંત્રિક વિધિ બાદ પોતાના જ મસ્તક કાપી હવન કુંડમાં હોમી દીધા છે.

આજે 21મી સદીમાં અને વિજ્ઞાન-ટેકનોલોજીની હરળફાળ વચ્ચે પણ અંધશ્રદ્ધા અનેક લોકોનો ભોગ લઇ રહી છે. ત્યારે અંધશ્રદ્ધાના ખપ્પરમાં વધુ એક પરિવાર હોમાયો છે. રાજકોટના વીંછિયામાં પતિ-પત્નીએ પોતાની જ બલી ચડાવતા ચકચાર મચી ગઇ છે. વીંછિયામાં રહેતા હેમુ મકવાણા અને તેમના પત્ની હંસા મકવાણાએ તાંત્રિક વિધિ બાદ પોતાના જ મસ્તક કાપી હવન કુંડમાં હોમી દીધા હતા.
આ પણ વાંચો : Rajkot: વધુ એક મહાઠગ સામે ફરિયાદ, IBના ડેપ્યુટી ડાયરેક્ટરની ઓળખ આપી આચરી 1 કરોડથી વધુની ઠગાઇ, જાણો કોણ છે આ ઠગ
દંપતિએ બનાવ્યો લોખંડનો માંચડો
તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવા માટે દંપતિએ પોતે જ લોખંડનો માંચડો બનાવ્યો હતો. માંચડાથી માથું કપાઇને હવનકુંડમાં પડે તે રીતે તેમણે ગોઠવણ કરી હતી. જે બાદ બંનેએ કમળ પૂજા કરી પોતાની જ બલી ચડાવી હતી. જો કે પત્નીનું મસ્તક કપાઇને હવનકુંડમાં પડ્યું હતુ. પરંતુ પતિનું મસ્તક હવનકુંડની બાજુમાં પડ્યું હતુ. ઘટનાસ્થળેથી પતિ-પત્ની બંનેએ લખેલી બે સુસાઇડ નોટ પણ મળી આવી છે. સાથે જ 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ મળી આવ્યો છે. મૃતકના પિતાએ જણાવ્યું કે પતિ-પત્ની બંને છેલ્લા ત્રણ વર્ષથી તાંત્રિક વિધિ કરતા હતા. આથી તેમને તાંત્રિક વિધિ માટે કોણે સલાહ આપી તેને લઇને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.
વિંછીયામાં અંધશ્રદ્ધાની આગમાં વધુ એક પરિવાર હોમાયો, પતિ-પત્નીએ જાતે જ મસ્તક હવન કુંડમાં હોમ્યું#Rajkot #Gujarat #TV9News pic.twitter.com/1v5Dp6HLaA
— Tv9 Gujarati (@tv9gujarati) April 17, 2023
છેલ્લા ત્રણ વર્ષથી દંપતી તાંત્રિક વિધિ કરતા હતા
મામલાની જાણ થતાં જ મામલતદાર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરંતુ જે રીતે ઘટના બની છે તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે પતિ-પત્નીને પોતાની જ બલી આપવા કોણે મજબૂર કર્યા ? તાંત્રિક વિધિમાં કેટલા લોકો સામેલ હતા ? શું તાંત્રિક વિધિ સમયે ત્યાં કોઇ હાજર હતું ? દંપતિને તાંત્રિક વિધિ માટે સલાહ આપનાર તાંત્રિક કોણ છે ? જેવા સવાલો દરેકના મનમાં ઉઠી રહ્યા છે.
લાલપરી નદીમાંથી લાશ મળી
તો બીજી તરફ થોડા દિવસ પહેલા રાજકોટના બેડી ચોકડી નજીક આવેલી લાલપરી નદીમાંથી ક્રૂરતા પૂર્વક હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવી હતી. ટુકડા કરાયેલી હાલતમાં અલગ અલગ થેલાઓમા મહિલાની લાશ મળી આવતા અરેરાટી મચી જવા પામી હતી. મહિલાનું માથું હાથ અને પગ એક થેલામાં અને મહિલાનું ધડ અલગ થેલામાં નદીમાંથી મળી આવ્યું હતુ. B ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…