Rajkot: વધુ એક મહાઠગ સામે ફરિયાદ, IBના ડેપ્યુટી ડાયરેક્ટરની ઓળખ આપી આચરી 1 કરોડથી વધુની ઠગાઇ, જાણો કોણ છે આ ઠગ
Rajkot: આરોપી ઠગ હિતેશ ઠાકરએ માત્ર કોઈ એક વાતની લાલચ આપીને રૂપિયા નહોતા પડાવ્યા. મોટી મોટી અનેક લાલચો આપીને ફરિયાદી પાસેથી રૂપિયા પડાવ્યા હતા. જમીનની લાલચ બાદ ઠગએ ડિફેન્સ વિભાગમાં કોપરના વાયરનું કામ અપાવવાની લાલચ આપી હતી.

રાજકોટમાં એક વેપારી સાથે વધુ એક મહાઠગએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ ઠગએ વેપારી સાથે IAS અધિકારી અને IBના ડેપ્યુટી ડાયરેકટરની ઓળખ આપી 1 કરોડથી વધુની ઠગાઇ આચરી છે. સમગ્ર કેસની ફરિયાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે. ક્રાઈમ બ્રાન્ચએ વડોદરાના ઠગબાજ હિતેશ ઠાકરની ધરપકડ કરી લીધી છે. અને આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી મોટા ખુલાસા થાય તેવી શકયતા રહેલી છે.
ગૌચરની જમીન ધંધા માટે અપાવી દેવાનું કહી આચરી ઠગાઇ
આ કેસના ફરિયાદી અલ્પેશ નારિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના મોટા ભાઈ અને ધંધાકીય ભાગીદાર વિજય નારીયા અને આરોપી હિતેશ ઠાકરની 2019માં અમદાવાદ ખાતે મુલાકાત થઈ હતી. બંનેને વાતચીત થતાં હિતેશએ જણાવ્યું હતું કે IAS અધિકારી છે અને IB ના વેસ્ટર્ન ડિપાર્ટમેન્ટ ડેપ્યુટી ડાયરેકટર પદે છે.
ફરિયાદી અને તેના ભાઈ શાપર વેરાવળ ખાતે સુપરસ્ટાર વાયર ઇન્ડસ્ટ્રીઝ નામની ઈલેક્ટ્રીક વાયર બનાવતી ફેક્ટરી છે. અમદાવાદમાં મુલાકાત બાદ ઠગ હિતેશ અને ફરિયાદીના ભાઈ વિજય ભાઈને અવારનવાર મોબાઈલ પર વાતચીત થતી હતી. અને ત્યારબાદ પારિવારિક સબંધો પણ હતા.
આગળ વાતચીત થતાં તેમણે જણાવ્યું હતું કે તે પોતે બોટાદમાં નાયબ કલેકટર હતો અને જે તે વખતે આનંદીબેન પટેલે તેમને ધંધાકીય કામ માટે ખરાબા તથા ગૌચરની જમીનની 2 થી 3 એકરની જગ્યાની ફાળવણીની સત્તા પોતાને આપેલી છે. જેથી તમને જો રાજકોટ પાસે આવેલા માલિયાસણમાં ધંધા માટે જમીન જોઈતી હોય તો તે ફાળવી આપશે તેમ જણાવ્યું હતું. આ પેટે ઠગ હિતેશને 2 કટકમાં 4 લાખ 86 હજાર ચૂકવ્યા હતા અને વિશ્વાસ બેસે તે માટે માલિયાસણ લઈ જઈને દૂરથી જમીન પણ બતાવી હતી.
ડિફેન્સ વિભાગમાં વાયરનો કોન્ટ્રાક્ટ અપાવવાની પણ આપી લાલચ
આરોપી ઠગ હિતેશ ઠાકરએ માત્ર કોઈ એક વાતની લાલચ આપીને રૂપિયા નહોતા પડાવ્યા. મોટી મોટી અનેક લાલચો આપીને ફરિયાદી પાસેથી રૂપિયા પડાવ્યા હતા. જમીનની લાલચ બાદ ઠગએ ડિફેન્સ વિભાગમાં કોપરના વાયરનું કામ અપાવવાની લાલચ આપી હતી. આ માટે કોઈપણ ટેન્ડર વગર તે મધ્યસ્થી કરી કામ અપાવશે તેવી લાલચ આપી હતી. આ બાબતે તેમણે આરોપી ઠગને કટકે કટકે તેના એકાઉન્ટમાં 30 લાખ 83 હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી.
આ ઉપરાંત તેમના અન્ય ધંધાકીય પાર્ટનર પર NDPSના કેસ હોવાથી જે માટે NDPS વિભાગમાંથી NOC લેવી પડશે અને ફરિયાદીના ભાઈ વિજય ભાઈ પર નેપાળમાં ચિટિંગનો કેસ છે જે એમ્બેસી મારફતે લડવો પડશે, જે એમ્બેસી તરફથી IB લડશે તેવું કહીને ફરીથી કટકે કટકે 32 લાખ 23 હજારની રકમ ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી.
ધંધાકીય મનદુઃખ પૂર્ણ કરાવવા 55 લાખ રોકડા પડાવ્યા
આ ઉપરાંત આ ઠગ અહીંયાથી અટકયો નહોતો. ઠગએ ફરિયાદીને વધુ એક લાલચ આપી હતી. જેમાં ફરિયાદીને તેમના ધંધાકીય પાર્ટનર સાથે જે મનદુઃખ ચાલે છે, તેનું કાયમી સમાધાન કરવી તેમને ધંધામાંથી છૂટા કરાવી દેવાની ખાતરી આપી હતી. આ માટે તેમણે IBના રાજકોટ વિભાગના તિજોરી વિભાગમાં 55 લાખ રોકડ જમાં કરાવવી પડશે તેવું કહી આ રોકડ રકમ લઈ ગયા હતા.
આ ઉપરાંત જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગની રેડનો ખોટો ડર ઊભો કરીને તેમાંથી બચાવવા માટે અલગ અલગ વિભાગના અધિકારીઓના હોદ્દા વાળા પત્રોની પ્રિંટો કઢાવી આ કાગળો અસલી લાગે તે માટે પોતે સહી કરીને મોકલી આપતો હતો. આ ઉપરાંત આઇબી તથા DRDO વિભાગના હુકમો તથા પાત્રો મોબાઈલ દ્વારા મોકલતો. આ ઉપરાંત હાઈકોર્ટના સ્ટેનો લેટર, NDPSના કેસનું NOC વગેરે પણ તેને વોટસ એપ મારફતે મોકલ્યું હતું.
કેવી રીતે ઠગાઇનો ખ્યાલ આવ્યો?
ફરિયાદના દોઢ મહિના પહેલા ઠગ હિતેશએ આપેલા કોર્ટોના લેટરોની જે તે કોર્ટની વેબસાઈટમાં ખરાઈ કરી હતી.આ ઉપરાંત ઠગએ જણાવેલ સમયમાં એક પણ કામ પૂર્ણ ન થયું હતું. ત્યારબાદ ખરાઈ કરતા જાણ થઈ હતી કે તેણે આપેલા લેટરો નકલી છે અને પોતે કોઈ IAS અધિકારી નથી. ક્રાઈમ બ્રાન્ચે આ ઠગની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…