વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, 19 દેશના 42 પતંગબાજ જોડાયા
વડોદરામાં (Vadodara) ગુજરાત ટુરિઝમ, જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 19 દેશના પતંગબાજોએ ભાગ લીધો છે.
ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાતના વિવિધ મહાનગરોમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો છે. અમદાવાદ બાદ વડોદરામાં પણ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરુઆત થઇ છે. ગુજરાત ટુરિઝમ, જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 19 દેશના પતંગબાજોએ ભાગ લીધો છે. તો ભારતના 6 રાજ્યોના પતંગબાજો પણ આ પતંગોત્સવમાં પોતાની કળા બતાવશે.
G-20 થીમ સાથે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજોનું ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કરતા વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતુ કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલો પતંગોત્સવ આજે વૈશ્વિક ઓળખ બની ચૂક્યો છે. આપણા પરંપરાગત ઉત્સવો, તહેવારોને જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય ઉત્સવ તરીકે ઉજવવાની એક આગવી અને નવતર પરંપરા વડાપ્રધાને આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત પ્રથમવાર G-20 દેશોની બેઠકોની યજમાની કરવા જઈ રહ્યું છે, ત્યારે G-20ની થીમ આધારિત આ વર્ષના પતંગ મહોત્સવથી ‘વસુધૈવ કુટુંમ્બકમ’ ની ભાવના સાકાર થઈ રહી હોવાનું તેમણે ગૌરવસહ જણાવ્યું હતું.ડેપ્યુટી મેયર નંદાબેન જોષીએ વિદેશી પતંગબાજો અને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી, ઉત્સવપ્રિય નગરી વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન બદલ ધન્યભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે વડોદરાની ધરતી પર આવા વૈશ્વિક કક્ષાના મહોત્સવ યોજાવા એ ગર્વ અને ગૌરવની વાત ગણાવી શહેરીજનોને અભિનંદન પાઠવીને, આંતરરાષ્ટ્રીય ઉત્સવો હવે વડોદરા શહેરના ઈવેન્ટ કેલેન્ડરની એક વાર્ષિક પરંપરા બની ગયો હોવાનું જણાવ્યું હતું.
સાંસદ રંજનબેન ભટ્ટે આપણા પરંપરાગત ઉત્સવોને વૈશ્વિક ઓળખ અપાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ પ્રસંગે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનથી સ્થાનિકો અને વિદેશી પતંગબાજો વચ્ચે પોતાની આગવી પતંગ સંસ્કૃતિનું આદાનપ્રદાન થાય છે.
વડોદરા શહે૨માં આયોજિત પતંગોત્સવમાં અલજીરીયા, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલીયા, બેલ્જીયમ, કંબોળીયા, કોલમ્બીયા, ડેનમાર્ક, ચીલી, એસ્ટોનીયા, ફ્રાન્સ, જ્યોર્જીયા, ગ્રીસ, જોર્ડન, ઈટલી, બુલગેરીયા, કોસ્ટારીકા સહિતના દેશ મળીને કુલ 19 દેશોના 42 પતંગબાજોએ ભાગ લીધો છે. તો બીજી તરફ ઉતરપ્રદેશ, બિહાર, કર્નાટક, કેરલા, દિલ્લી, રાજસ્થાન, મળીને દેશના કુલ 6 રાજ્યોના 20 પતંગબાજો પ્રોત્સાહીત અને જુદાં જુદાં રાજયોમાં પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખી કરાવશે. તેની સાથે વડોદરાા શહેરના પતંગબાજો સહિત રાજ્યોના વિવિધ શહે૨ના કાબેલ પતંગબાજો પણ જોડાશે.
વડોદરામાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરુ કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ વડોદરામાં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુક્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, ગ્રીસ, ઈટાલી સહિત 19 દેશના 42 પતંગબાજ જોડાયા છે. તો છ રાજ્યોના પણ 60થી વધારે પતંગબાજોએ પણ પેચ લડાવ્યા હતા. આ પતંગોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજના પતંગે ખાસ આકર્ષણ જમાવ્યું હતું. તો વિદેશી પતંગબાજોના વિશાળ જાત-જાતના પતંગે પણ બાળકોને ખાસ પસંદ પડ્યા હતા.
(વિથ ઇનપુટ-યુનુસ ગાઝી,વડોદરા)