VADODARA : હરિપ્રસાદ સ્વામીજી સેવા, ભક્તિ અને સમર્પણનું જીવંત ઉદાહરણ હતા: વડાપ્રધાન મોદી

પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ.પૂ. સ્વામીજીની વિદાયથી પોતે ખાલીપો અનુભવતા હોવાનું કહ્યું હતું.  હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહનાં દર્શન માટે આવેલા સોલંકીએ પોતાના કોલેજકાળથી સ્વામીજીનો યોગ થયો અને સતત આશીર્વાદ મળતા રહ્યા તે જીવનનું સૌભાગ્ય હોવાનું ઉમેર્યું હતું. 

VADODARA : હરિપ્રસાદ સ્વામીજી સેવા, ભક્તિ અને સમર્પણનું જીવંત ઉદાહરણ હતા: વડાપ્રધાન મોદી
Hariprasad Swamiji was a living example of service, devotion and dedication: PM Modi

VADODARA : હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સેવા, ભક્તિ અને સમર્પણના જીવંત ઉદાહરણ સમા હતા. ધાર્મિક સત્સંગ અને સામાજિક સેવા દ્વારા દેશવિદેશના લખો અનુયાયીઓના જીવનમાં પરિવર્તન લાવવામાં તેઓ સેતુરૂપ બન્યા. તેમના વિચાર દર્શનનું પ્રતિક એવું સોખડાનું હરિધામ સહુ કોઈ માટે પ્રેરણાતીર્થ સમાન છે.  એવો અભિપ્રાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો છે. પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી પર પાઠવેલા પત્રમાં મોદીએ જણાવ્યું છે, હું સદભાગી છું કે સ્વામીજીનાં પ્રેરણારૂપ સાનિધ્યનો મને લાભ મળતો રહ્યો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ દતાત્રેય હોસબાલેએ પાઠવેલા શ્રધ્ધાંજલિ સંદેશમાં જણાવ્યું છે કે, ધર્મનિષ્ઠા અને સમાજસેવાની જાગૃતિના પ્રસારક હરિપ્રસાદ સ્વામીજીએ યુવાનોમાં આત્મીયતા જગાડીને તેમને સત્કાર્યો માટે પ્રેરિત કર્યા.  સ્વામીજીના આશીર્વાદથી આધ્યાત્મિકતા અને આત્મીયતાની પ્રેરણાનું સમાજમાં નિરંતર  વિસ્તરણ થતું રહેશે.

કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે તેમના સંદેશમાં જણાવ્યું છે કે, જનકલ્યાણ, સામાજિક અને જનજનમાં સંસ્કારો વિકસાવીને સંસ્કૃતિની રક્ષા કરવા માટે પ.પૂ. સ્વામીજીને હંમેશાં યાદ કરવામાં આવશે.

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે પરમ પૂજ્ય સ્વામીજીનાં સ્વધામગમનથી પોતે વ્યથિત હોવાનું જણાવ્યું છે.  સ્વામીજીના આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય હંમેશાં મને મળ્યું છે. દરેક યુવા અધિવેશનો અને ઉત્સવોમાં મને આમંત્રણ આપતા.  મારી રાજકીય કારકિર્દીમાં તેઓશ્રીના આશીર્વાદ અને સમર્થન મળતાં રહયાં છે.

સ્વામીજીએ આપની વચ્ચેથી નશ્વર દેહે વિદાય લીધી છે. પરંતુ તેઓશ્રીનું માર્ગદર્શન આપણને જીવન અને કાર્યો દ્વારા મળતું રહેશે. યુવાનોનાં જીવનને ઉન્નત કરવા માટે હરિપ્રસાદ સ્વામીજીએ આહલેક જગાવી હતી. સ્વામીજીએ દર્શાવેલા માર્ગે ચાલવાનું બળ ઈશ્વર સહુને આપે તેવી પ્રાર્થના ગોહિલે કરી હતી.

સંતરામ મંદિર ઉમરેઠના મહંત પૂજ્ય ગણેશદાસજી મહારાજે સ્વામીજીના દિવ્યવિગ્રહનાં દર્શન બાદ જણાવ્યું હતું કે, સ્વામીજી કોઈ સંપ્રદાયના ન હતા.  દરેક સંપ્રદાય અને પરંપરાના લોકોને તેઓ પોતાના જ છે તેવી અનુભૂતિ થતી હતી.  યુવાનોમાં શિસ્ત અને સંસ્કાર સીંચીને સ્વામીજીએ બહુ મોટું કાર્ય કર્યું છે.  હરિધામ તીર્થક્ષેત્રનાં સર્જનમાં ભગવાન સ્વામિનારાયણની કૃપા અને યોગીજી મહારાજના આશીર્વાદ સાકાર થયાં હોય તેવું અનુભવાય છે.

શ્રી જગન્નાથ મંદિર અમદાવાદના મહંત પૂજ્ય શ્રી દિલીપદસજી મહારાજે પ.પૂ. સ્વામીજી સાથેનાં સંસ્મરણોની સ્મૃતિ કરી હતી.  સ્વામીજી સહુને પોતાના જ માનતા એટલે સૌને સવામીજી પોતાના લાગતા.  આ તેમની આત્મીયતાનો પ્રભાવ હતો.  તેઓનું સ્મિત અને આત્મીયભાવ સદાયે સહુ હ્રદયમાં અનુભવશે.

રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ કહ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજી મહારાજના સંપર્કમાં આવનાર સહુ ઉપર આત્મીયતાનો અભિષેક થતો હોય તેવી લાગણી અનુભવાતી.  તેઓની આત્મીય દ્રષ્ટિથી હવે સહુએ વંચિત રહેવું પડશે તે વિચારથી હ્રદય વ્યથા  અનુભવે છે.

પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ.પૂ. સ્વામીજીની વિદાયથી પોતે ખાલીપો અનુભવતા હોવાનું કહ્યું હતું.  હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહનાં દર્શન માટે આવેલા સોલંકીએ પોતાના કોલેજકાળથી સ્વામીજીનો યોગ થયો અને સતત આશીર્વાદ મળતા રહ્યા તે જીવનનું સૌભાગ્ય હોવાનું ઉમેર્યું હતું.

કોંગ્રેસના નેતાઓ અર્જુનભાઈ મોઢવાડિયા અને સિધ્ધાર્થભાઈ પટેલે પ.પૂ. સ્વામીજીએ આત્મીયતાના ઉપદેશ દ્વારા સમાજનું પોત મજબૂત બનાવ્યું હોવાનું જણાવ્યું હતું.  સ્વામીજીના વિચારો સહુને માટે માર્ગદર્શક બની રહેશે.  આ બંને નેતાઓ પ.પૂ. સ્વામીજીના દિવ્ય વિગ્રહનાં દર્શન બાદ શ્રધ્ધાંજલિ અર્પી રહ્યા હતા.

રાજ્યના મંત્રી યોગેશભાઈ પટેલે પ.પૂ. સ્વામીજીને પુષ્પાંજલિ અર્પણ કરીને કહ્યું હતું કે, સ્વામીજીના કર્મયજ્ઞની શરૂઆત વડોદરાથી થઈ તેના સાક્ષી બનવા મળ્યું તે મારા જીવનનું સૌભાગ્ય છે.

હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય વિગ્રહને દર્શનાર્થે રાખવામાં આવતાં પ્રથમ દિવસે પચાસ હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યાં હતાં. સામાજિક અંતર જાળવીને વધુ ભક્તો દર્શનનો લાભ લઈ શકે તે માટે રાત્રે પણ દર્શન ચાલુ જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આ દરમિયાન સવારે અને સાંજે એમ બે વાર પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહની સંતો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી.

આ ઉપરાંત બપોરે અને સાંજે અંતેવાસી સંતો દ્વારા રોજની માફક થાળ પણ ધરવામાં આવ્યો હતો.  પ.પૂ. સ્વામીજી જાણે પ્રત્યક્ષ થાળ જમવા બિરાજ્યા હોય તેવું ભક્તિમય દ્રશ્ય સર્જાયું હતું.  એ સમયે ઉપસ્થિત સંતો-ભક્તોની આંખો અશ્રુથી છલકી ઉઠી હતી.  આજે દક્ષિણ ગુજરાતના હજારો ભક્તોએ પ.પૂ. સ્વામીજીના દિવ્ય વિગ્રહનાં દર્શન કર્યાં હતાં.

Click on your DTH Provider to Add TV9 Gujarati