Vadodara: 127 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી, સાથે કમિશ્નર શમશેર સિંઘે આપી આ કડક સૂચના

Vadodara: 127 પોલીસ કર્મચારીઓની અલગ-અલગ પોલીસ મથકોમાં બદલી બદલીના આદેશમાં શમશેર સિંઘની સ્પષ્ટ સુચના છે. બદલી મુલતવી રાખવા કે બદલી રદ કરાવવા માટે કોઈ રજૂઆત કરવી નહીં.

Vadodara: 127 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી, સાથે કમિશ્નર શમશેર સિંઘે આપી આ કડક સૂચના
Vadodara: Commissioner Shamsher Singh ordered the transfer of 127 police personnel

વડોદરા (Vadodara) પોલીસ કમિશનર શામશેર સિંઘ પોતાની આગવી કાર્યપદ્ધતિ માટે જાણીતા છે પરંતુ તેઓની આ આગવી કાર્યપદ્ધતિના ચમકારા વડોદરા પોલીસ કમિશ્નર બન્યા પછી હજુ વડોદરામાં જોવા મળ્યા નથી, જોકે તેની શરૂઆત કરી હોય તેવી પ્રતીતિ સોમવારે થઈ.

પોલીસ કમિશનર શમશેર સિંઘની સહી સાથે ૧૨૭ જેટલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એ એસઆઈની સાગમટે બદલીનો આદેશ થયો. આ આદેશમાં લખ્યું હતું કે બદલી કરેલ કર્મચારીઓ પૈકી કોઈની પણ બદલી રદ્દ કરાવવા કે હાલમાં બદલી મુલતવી રાખવા રજુઆત સ્વીકારવામાં નહીં આવે. તેથી અત્રેની કચેરીએ કોઈ રજુઆત મોકલવી નહીં,બદલી વાળી જગ્યાએ છુટા થવા તથા હાજર થવા અંગેનો રિપોર્ટ કરવો.

પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલીના આદેશ થયા તેની સાથે અનેક અટકળો પણ શરૂ થઈ. કેટલાક લોકોએ એવી ચર્ચા કરી કે એક જ પોલીસ મથકમાં વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા અને ઇન્સ્પેક્ટર કરતાં પણ વધુ ઠાઠ ભોગવતા કેટલાક પોલીસ કર્મચારીઓની શાન ઠેકાણે લાવવા માટે આ બદલીઓ કરવામાં આવી છે. જોકે પોલીસ કમિશનર શમશેર સિંઘે આવી કોઈ બાબતને નકારી કાઢી. પોલીસ કમિશનર શમશેર સિંઘે ટીવી નાઈનને જણાવ્યું કે ઝોન-1 ડી સી પી દિપક મેઘાણીના નેતૃત્વમાં બે માસ પૂર્વે એક કમિટી બનાવવામાં આવી હતી, અને આ કમિટી દ્વારા વડોદરા શહેરમાં અલગ અલગ પોલીસ મથકો તથા બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારી કેટલા સમયથી ક્યાં ફરજ બજાવી રહ્યા છે અને ક્યાં પ્રકારની તેઓની કામગીરી છે એ તમામ બાબતો અંગે સમીક્ષાને અંતે પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓને અલગ અલગ પોલીસ મથકોમાં બદલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પોલીસ કર્મચારીઓની ફરજની જગ્યા બદલવાથી પોલીસ કર્મચારીઓમાં કામ કરવાનો નવો જુસ્સો પેદા થશે અને નવા વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ જશે તો તેઓ પોતાની કામગીરી થકી ગુનેગારોમાં ખૌફ પેદા કરી શકશે અને આ રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનશે. એવા આશયથી બદલીઓ કરવામાં આવી હોવાનું પોલીસ કમિશનર શામશેર સિંઘે જણાવ્યું હતું.

કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ASI કક્ષાના અધિકારીઓની બદલીને કારણે વડોદરા શહેરના પોલીસ મથકોમાં જરૂરથી નવા પ્રાણ ઉમેરાશે પરંતુ કર્મચારીઓની બદલીની સાથે એ પણ એટલું જ જરૂરી છે કે વડોદરા શહેરમાં લાંબા સમયથી અડીંગો જમાવીને બેઠેલા કેટલાક પીએસઆઇથી લઈને DCP કક્ષાના અધિકારીઓની પણ નિયમાનુસાર શહેર બહાર વહેલી તકે બદલીઓ થાય. તો કેટલાક ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓ સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ કર્મીઓ અને પોલીસ અધિકારીઓની શાન પણ ઠેકાણે આવશે. અને આપોઆપ ગુનેગારો અને ગુનાહિત પ્રવૃત્તિઓ અંકુશમાં આવવા સાથે સંસ્કારી નગરી વડોદરાની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત થશે.

 

આ પણ વાંચો: Porbandar: કેટલાય લોકોની દિવાળી બગડી, તહેવાર પહેલા જ બે માતબર કંપનીને લાગ્યા તાળા

આ પણ વાંચો: ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરના ભાવ વધારાને લઈને મનસુખ માંડવિયાની મોટી જાહેરાત, જાણો સંપૂર્ણ વિગત

Click on your DTH Provider to Add TV9 Gujarati