AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરામાં અહીં રહીશોનો માટલા ફોડ વિરોધ, 15 વર્ષથી છે આ મોટી સમસ્યા, જુઓ Video

વડોદરાના મોગલવાડા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ચાર મહિનામાં 14 ફરિયાદો છતાં કોઈ નિરાકરણ ન આવતા, સ્થાનિકોએ માટલા ફોડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

Breaking News : વડોદરામાં અહીં રહીશોનો માટલા ફોડ વિરોધ, 15 વર્ષથી છે આ મોટી સમસ્યા, જુઓ Video
| Updated on: Sep 01, 2026 | 4:12 PM
Share

વડોદરા શહેરના મોગલવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાએ માઝા મૂકી છે. દૂષિત અને ગટરમિશ્રિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીશોએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે અનોખો માર્ગ અપનાવ્યો હતો. તેઓએ માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું, જેણે સ્થાનિક તંત્રની નિષ્ફળતા પર સવાલ ઉભા કર્યા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા આજકાલની નથી, પરંતુ છેલ્લા 15 થી 20 વર્ષથી તેઓ આ દૂષિત પાણીથી પરેશાન છે. આ સમસ્યા અંગે છેલ્લા ચાર મહિનામાં 14 જેટલી ફરિયાદો પાલિકામાં નોંધાવવામાં આવી છે. જોકે, આટલી વારંવારની ફરિયાદો છતાં પાણીની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. રહીશો ફરિયાદ કરે છે ત્યારે પાલિકાના કર્મચારીઓ ગટરના ઢાંકણા ખોલીને ચેક કરીને જતા રહે છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.

રહીશોએ પીડા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેમના ઘરોમાં આવતું પાણી કાળું, ગંદુ, ફીણવાળું અને ગટરના પાણી જેવું દુર્ગંધયુક્ત હોય છે. આ પાણી એટલું ખરાબ હોય છે કે તેની દુર્ગંધના કારણે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે, તો તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? આ દૂષિત પાણી પીવા કે વાપરવા યોગ્ય નથી. આ સમસ્યાના કારણે, ઘણા પરિવારોને પીવા અને રસોઈ બનાવવા માટે બહારથી મોંઘા પાણીના જગ મંગાવવાની ફરજ પડી છે, જે મધ્યમવર્ગીય પરિવારો માટે આર્થિક બોજ બની રહ્યો છે. તેઓ કહે છે કે, તેઓ નિયમિતપણે વેરા ભરે છે, તેમ છતાં તેમને સ્વચ્છ પાણી જેવી મૂળભૂત સુવિધા પણ પૂરી પાડવામાં આવતી નથી.

ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું

આ દૂષિત પાણીની સમસ્યાને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે. અગાઉ પાલિકાની સભામાં વિપક્ષી કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે દૂષિત પાણીના પ્રશ્નને ઉઠાવ્યો હતો અને સ્થાનિકોને પણ સભામાં હાજર રાખ્યા હતા. તે સમયે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને આ રજૂઆતને “સસ્તી પ્રસિદ્ધિ” મેળવવાનો પ્રયાસ ગણાવી હતી. તીર્થ બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો હતો કે ડેપ્યુટી મેયર રજૂઆત સાંભળવાની જગ્યાએ તોછડું વર્તન કરી રહ્યા હતા અને તેઓ વડોદરા શહેરના નહીં, પરંતુ માત્ર ભાજપના ડેપ્યુટી મેયર હોય તેવું લાગી રહ્યું હતું.

આ મામલે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે પોતાની સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, માત્ર રજૂઆત કરવાથી પ્રશ્નોનો નિરાકરણ આવતું નથી. તેમણે કહ્યું કે વિપક્ષના કોર્પોરેટરો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મુદ્દો ઉછાળે છે. ડેપ્યુટી મેયરે ઉમેર્યું કે, વડોદરા એક મોટું અને વિકસતું શહેર છે, અને સતત વિકાસના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે ત્યારે નાની-મોટી સમસ્યાઓ ઉદ્ભવવી એ એક સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. જોકે, આવી સમસ્યાઓના સમાધાન માટે કામ કરવું જોઈએ, નહિ કે તેના માટે બુમાબુમ કરવી. તેમણે સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો હતો.

આ રાજકીય ખેંચતાણ વચ્ચે, મોગલવાડાના રહીશોની પ્રાથમિક માંગ સ્વચ્છ અને પીવાલાયક પાણીની સુવિધા પ્રાપ્ત કરવાની છે. દૂષિત પાણીના કારણે આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ વધી રહી છે, અને સ્થાનિકો તાત્કાલિક અને કાયમી ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે.

ભાડાના મકાનમાં સોલાર પેનલ લગાવવા પહેલા આ નિયમો જાણી લેજો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">