Vadodara: વૈષ્ણવ સમાજ દ્વારા વિરોધ થતા ગોવર્ધન નાથ હવેલી સ્થળાંતર કરવાનો નિર્ણય હાલ પુરતો સ્થગિત
વ્રજધામ મંદિર ખાતે વૈષ્ણવ આચાર્ય વ્રજકુમારે, વિવાદ સર્જનારને વિઘ્ન સંતોષી અને હવનમાં હાડકા નાખનારા તરીકે ઓળખાવ્યા હતા. ત્યાર બાદ લેખિત પ્રેસ નિવેદન જાહેર કર્યું હતું.
વડોદરા (Vadodara)ના કારેલીબાગમાં આવેલી ગોવર્ધનનાથજી હવેલી (Govardhannathji haveli)ની જગ્યા સ્વામિનારાણય મંદિર(swaminarayan temple)ને આપવાનો નિર્ણય સ્થગિત કરી દેવાયો છે. ભારે વિવાદ બાદ વૈષ્ણવાચાર્યએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષોની રજૂઆતના કારણે આ નિર્ણય લેવાયો હતો. જો કે, કેટલાક વૈષ્ણવોએ વિરોધ નોંધાવી વિવાદ સર્જ્યો છે અને માહિતીને ખોટી રીતે રજૂ કરી છે. જેથી આ નિર્ણય હાલ પુરતો સ્થગિત કરવામાં આવે છે.
વડોદરાના કારેલીબાગમાં આવેલ ગોવર્ધનનાથ હવેલી કારેલીબાગમાં જ અન્ય સ્થળે ખસેડી હવેલી વાળી જગ્યાને બાજુમાં આવેલા સ્વામીનારાયણ મંદિરને સોંપી દેવાનો સમજુતી કરાર હવેલીના ટ્રસ્ટ તથા સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ વચ્ચે થયો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ સમજુતીને લઈને અનેક અટકળો અને કેટલીક વિવાદાસ્પદ બાબતો ચર્ચાવા સાથે વૈષ્ણવ સમાજમાં વિરોધ શરુ થયો હતો. જેને કારણે હાલ પુરતો આ નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે, વ્રજધામ મંદિર ખાતે વૈષ્ણવ આચાર્ય વ્રજકુમાર દ્વારા પત્રકાર પરિષદમાં વિવાદ સર્જનારને વિઘ્ન સંતોષી અને હવનમાં હાડકા નાખનારા તરીકે ઓળખાવ્યા હતા. ત્યાર બાદ લેખિત પ્રેસ નિવેદન જાહેર કર્યું હતું.
વ્રજ કુમાર મહારાજે જાહેર કરેલા પોતાના લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, ગત થોડા વર્ષોથી કારેલીબાગના વૈષ્ણવ સમુદાય દ્વારા હવેલીમાં વ્યવસ્થાના અભાવ અને પાર્કિંગના અને ઉત્સવ – મહોત્સવો અર્થે જગ્યાની અગવડના વિષયોને પ્રસ્તાવિત કરીને નવીન હવેલી નિર્માણ કારેલીબાગ વિસ્તારમાં જ થાય એવી લાગણી અને વિનંતીના ભાગ રૂપે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા હવેલી સ્થળાંતરના વિષયમાં વિચાર વિમર્શ અને જગ્યાના સંદર્ભમાં ,સ્વામિનારાયણ મંદિર તરફથી મળેલા પ્રસ્તાવ અંગે કામગીરી વધારવા ચર્ચાઓ હાથ ધરાઈ હતી.
ગોવર્ધનનાથજી હવેલીની જગ્યા માટે સ્વામીનારાયણ મંદિરે જ છેલ્લા 2-3 વર્ષ દરમિયાન ચર્ચાઓને આધીન પ્રસ્તાવ આપ્યો હતો. જેના અનુસાર શ્રી વલ્લભાચાર્યજી સેવાશ્રમ ટ્રસ્ટ કે જે શ્રી ગોવર્ધનનાથજી હવેલીનું સંચાલન કરે છે એ ટ્રસ્ટને હાલમાં કાર્યરત વૈષ્ણવ હવેલી જે 10,000 ચોરસ ફૂટમાં કાર્યરત છે એ જગ્યાની સામે કારેલીબાગમાં જ અન્ય કોઈ જગ્યા કે જે 15,000 ચો. ફુટ જગ્યા નવીન વૈષ્ણવ હવેલી આપવામાં આવશે અને એ સાથે જ એ જગ્યામાં નવીન હવેલીના બાંધકામના ખર્ચની રકમ પણ ટ્રસ્ટને આપીશું એવું સ્પષ્ટીકરણ આ પ્રસ્તાવ દમિયાન કર્યું હતુ. કોર્પોરેશનની લીઝ ટ્રાન્સફર પેટે જે કંઇ પણ રકમ પ્રીમિયમની આપવાની રહેશે તે ચોક્કસપણે આપવામાં આવશે જે પેહલાથી જ નિર્ધારિત હતું. સ્થળાંતર કરીને કારેલીબાગ વિસ્તારમાં જ નવીન ભવ્ય હવેલીનું નિર્માણ સંપન્ન કરીને એમાં શ્રી પ્રભુના બન્ને ભગવદ સ્વરૂપોને બિરાજમાન કરવાની તમામ વ્યવસ્થાનુસાર તૈયારી ટ્રસ્ટ દ્વારા કાર્યન્વિત કરવાની દિશામાં સૌ તટસ્થ હતા.
વૈષ્ણવ હવેલી સાથે વર્ષોથી જોડાયેલા ભાવિક વૈષ્ણવો અને ટ્રસ્ટીઓનું પણ માનવું હતું કે આ જગ્યા હવેલીના વ્યવસ્થાપન અર્થે નાની પડતી હોય એમ જણાતું હતું, 25 વર્ષના સમય દરમ્યાન હાલમાં બાંધકામ જૂનું થતા નાની મોટી સમસ્યાઓ જોવા મળતી હતી અને જો અન્ય વિશાળ જગ્યા મળે તો હવેલી સાથે, વૈષ્ણવોની સુવિધા અર્થે અતિથિ ભવન, બાળકો માટે આધ્યાત્મિક પાઠશાળા, સત્સંગ હોલ સહિતના પ્રકલ્પોસિદ્ધ થઈ શકે.
આ સંપૂર્ણ વિષય અને વ્યવસ્થા માત્ર વૈષ્ણવ હવેલીમાં બિરાજતા ઠાકોરજી અને દર્શનાર્થે આવતા વૈષ્ણવોની સુવિધા અર્થે વિચારીને કરવામાં આવેલો નિર્ણય હતો અને સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રસ્તાવીત બાબતમાં ટ્રસ્ટીઓ અને વૈષ્ણવો સાથે મળીને આ કાર્ય કારેલીબાગના જ વૈષ્ણવો અર્થે સારી રીતે પાર પડે એવા પ્રયત્નો અર્થે કાર્યરત હતા.
વ્રજ કુમારે પોતાના લેખિત નિવેદનમાં વધુમાં જણાવ્યું કે અમારો સમસ્ત પરિવાર પ્રભુ સેવામાં સતત કાર્યરત રહ્યો છે. ઠાકોરજીના સુખ અર્થે અને પ્રભુને પ્રિય વૈષ્ણવોની સુવિધા અર્થે જ અમારા સમગ્ર વલ્લભકુલ પરિવારે ટ્રસ્ટીઓને આ સ્થળાંતર વિષયમાં સમર્થન આપ્યું હતું. પણ ગત થોડા દિવસોથી કારેલીબાગ હવેલીના સ્થળાંતર વિષયને લઈને અમુક વિઘ્નસંતોષીઓ દ્વારા ખોટી માહિતીઓ વહેતી કરીને સમગ્ર સમાજના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ હાથ ધરાયો. અમુક વિઘ્નસંતોષીઓએ અસત્યથી પરિપૂર્ણ ઉશ્કેરણીજનક વાતાવરણનું નિર્માણ કરીને વૈષ્ણવ સમાજની શાંતિ ભંગ કરવાનો અને સમાજના સમભાવ પર પ્રહાર કરવાનો પ્રયાસ થયો.એવા સમયે અમે અમારા જ વૈષ્ણવ સમાજના હિતમાં નિર્ણય કર્યો કે હાલ પૂરતું આ કારેલીબાગ હવેલીના સ્થળાંતર વિષયને સ્થગિત કરવામાં આવે છે.
ભવિષ્યમાં જયારે વૈષ્ણવ સમાજ અમારા વલ્લભકુલ પરિવાર પાસે નવીન હવેલીના વિષયમાં વિનંતી અને રજુઆત કરવા આવશે ત્યારે પુનઃ એ દિશામાં વિચારણા થશે ત્યાં સુધી હાલમાં સ્થળાંતરની તમામ કાર્યવાહી સ્થગિત છે.
જોવાનું હવે એ છે કે વૈષ્ણવ આચાર્ય વ્રજકુમારની પત્રકાર પરિષદ અને તેઓના લેખિત નિવેદન બાદ વિવાદ શમે છે કે હજુ પણ યથાવત રહે છે.
આ પણ વાંચો-
ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણીમાં પોલીસ અધિકારી કોકા-કોલા પીતા પકડાયા, જજે આપી અનોખી સજા
આ પણ વાંચો-