અમદાવાદમાં ફરી નબીરાઓએ મચાવ્યો આતંક, ભરચક રોડ પર ફોડ્યા ફટાકડા- જુઓ વીડિયો
અમદાવાદ: એક સાદી સમજ છે કે તમારી મજા કોઈ માટે સજા ન બને તે રીતે તહેવારોની ઉજવણી થવી જોઈએ. જો કે કેટલાક નબીરાઓ પોતાની મજા ખાતર બીજાના જીવ જોખમમાં મુક્તા પણ અચકાતા નથી હોતા. પોશ ગણાતા અમદાવાદના સિંધુ ભવન પર પણ દિવાળીની રાત્રે આવા જ દૃશ્યો સામે આવ્યા.
દિવાળીના પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં ફરી એક વાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જીહાં, કેટલાંક શખ્સોએ સિંધુભવનમાં જાહેર રોડ પર વચ્ચોવચ ફટાકડા ફોડ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમા સ્પષ્ટ જોઇ શકાય છે કે નબીરાઓએ બેફામ રીતે રોડ પર જ ફટાકડા ફોડીને ઉજવણી કરી. જેના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી પડી.
નબીરાઓને જાહેર માર્ગ પર ફટાકડા ફોડવાનો પરવાનો કોણે આપ્યો ?
જાહેર માર્ગો પર ફુટતા ફટાકડાને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો. જો આવી ઉજવણી થાય તો લોકો રોડ પર કઇ રીતે નીકળે. શું રોડ આ નબીરાઓના પિતાશ્રીની જાગીર છે ? ફટાકડા તો લઇ આવ્યા પરંતુ સંસ્કાર મૂકી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીનો પાવન પર્વ અસત્ય અને અંધકાર પર સત્ય અને પ્રકાશનો વિજય. ત્યારે પર્વમાં આવા નબીરાઓ પણ જોવા મળ્યા છે. જેમને ડામવા જરૂરી છે.
આ પણ વાંચો: અમદાવાદ: લિફ્ટમાં ફસાઈ જતા 6 વર્ષના બાળકનું મોત, શાહીબાગના વસંત વિહાર ફ્લેટનો બનાવ, ઘટના સીસીટીવીમા કેદ
નબીરાઓની ઓળખ કરી પોલીસ કાર્યવાહી કરશે?
ગત વર્ષે પણ કેટલાક શખ્સોએ સિંધુભવન રોડ પર ફટાકડા ફોડીને લોકોને હેરાન કર્યા હતા. ત્યારે પોલીસે સબક શીખવાડ્યો હતો. ત્યારે ફરી એક વાર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે જરૂરી છે. બીજાની સલામતીના ભોગે આ તો ક્યાં પ્રકારની ઉજવણી ? જેમાં લોકોને રીતસર હેરાન કરવામાં આવી રહ્યા છે. દિવાળી હોય એટલે ગમે તેમ વર્તશો? જો કે હવે જોવુ રહ્યુ કે આ વાયરલ વીડિયોને આધારે નબીરાઓની ઓળખ કરી પોલીસ તેમની સામે કાર્યવાહી કરે છે કેમ!





