તૃણધાન્ય પાકોનું મહત્વ સમજાવવા ડોલવણ ખાતે તાલુકા કક્ષાના કૃષિ મેળાનું આયોજન
મિલેટ ધાન્ય પાકો અંગે જાગૃતિ વધે અને રોજીંદા જીવનમાં વપરાશ થાય તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રિય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. મિલેટ ધાન્ય પાકો અંગે ખેડૂતો અને લોકોમાં જન જાગૃતિ ફેલાય તથા લોકો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે તાપી ખાતે તાલુકા કક્ષાના કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડોલવણ ખાતે તાલુકા કક્ષાના કૃષિ મેળાનું આયોજન કરાયું હતું જેમાં કૃષિ વૈજ્ઞાનિક દ્વારા વિવિધ ધાન્ય પાકોની જાણકારી આપી તેના ફાયદાઓ જણાવ્યા હતા. આ ઉપરાંત કૃષિ તજજ્ઞ અને પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી જમીન અને લોકોના આરોગ્ય માટે ધાન્ય પાકોનું મહત્વ અને ઉત્પાદન વિશે જાણકારી આપી હતી.
મિલેટસ પાકો અને તાપી જિલ્લા મુખ્ય મિલેટ જુવાર પાક અંગે કેવીકે તાપીના વડા ડૉ.સી.ડી.પંડ્યાએ માર્ગદર્શન આપ્યું. જયારે કેવીકેના વિષય નિષ્ણાંત ડો.અર્પીત ઢોડિયા દ્વારા પ્રાકૃતિક ખેતી પાકોનું બજાર વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ સ્વાગત પ્રવચન થકી મિલેટ્સ ફેસ્ટીવલ અંગે જાણકારી આપી હતી. જેમાં મિલેટસના રોજીંદા જીવનમાં મહત્વ અંગે સમજ કેળવી હતી. તથા એવા અનાજ જેના ઉપયોગ થકી શરીરને ખરેખર પોષણ મળે છે તે અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને શાલ ઓઢાડી મહાનુભાવોના હસ્તે સન્મામિત કરાયા હતા. આ સાથે વિવિધ ખેડૂતોને મહાનુભાવોના હસ્તે એસેટ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ તાપી જિલ્લાના વિવિધ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોના ખેતપેદાશોના સ્ટોલ પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.