Surendranagar: જીલ્લા પંચાયત કચેરીએ અર્ધનગ્ન હાલતમાં ખેડૂતોનો વિરોધ, પાકને નુકસાન બાદ સહાય ના ચુકવતા વિરોધ
ચાલુ વર્ષે ચોમાસામાં પહેલા વરસાદ ખેંચાયો હતો. અને ત્યારબાદ અતિવૃષ્ટિ થતા જિલ્લાનાં વઢવાણ, લીંબડી, સાયલા, મૂળી સહિતનાં તમામ તાલુકાઓમાં ખેડૂતોનાં પાકને મોટા પાયે નુકસાન પહોંચતા હાલત કફોડી બની હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી જઈ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેતીના પાકમાં નુકસાની પહોંચી છે. છતા પણ સરકાર તરફથી ખેડૂતોને હજુ સુધી સહાય ચૂકવવામાં આવી નથી. ત્યારે ખેડૂતોએ સહાયની માગ સાથે તંત્ર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. તેમજ સત્વરે જો સહાય નહીં ચૂકવાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે.
સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જીલ્લો છે. અને ખેડુતો ખેતી કરી સમૃધ્ધ બન્યા છે. ત્યારે સરકાર દ્વારા ખેડુતોને થયેલા નુકશાન અંગે સહાય ન ચૂકવતાં તેમજ જિલ્લાને સંપૂર્ણ અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લાભરના ખેડુતોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે અર્ધ નગ્ન હાલતમાં અનોખી રીતે વિરોધ કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે ખેતી પર આધાર રાખે છે. અને ખેડુતો બારે મહિના અલગ અલગ સીઝન મૂજબ પાકોનું વાવેતર કરે છે. ત્યારે ચાલુ વર્ષે ચોમાસામાં પહેલા વરસાદ ખેંચાયો હતો. અને ત્યારબાદ અતિવૃષ્ટિ થતા જિલ્લાનાં વઢવાણ, લીંબડી, સાયલા, મૂળી સહિતનાં તમામ તાલુકાઓમાં ખેડૂતોનાં પાકને મોટા પાયે નુકસાન પહોંચતા હાલત કફોડી બની હતી. અને નુકશાની અંગે વળતર ચૂકવવાની અવાર નવાર ખેતી વિભાગ સહીત જિલ્લા કલેકટર તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી. જેના ભાગરૂપે સરકાર દ્વારા નુકસાની અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પરંતુ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં નુકસાન થયું હોવા છતાં સ્થાનિક ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાની અંગે ખોટા આંકડાઓ સરકારી ચોપડે દર્શાવવામાં આવ્યાં હતા. જેના કારણે સરકાર દ્વારા જીલ્લાને અન્ય જીલ્લાઓની જેમ નુક્સાનગ્રસ્ત જાહેર કર્યો નથી. આથી ખેડુતો નુકસાની અંગે સહાયથી વંચિત રહેતા પડ્યા પર પાટું માર્યા જેવી હાલત થઈ છે. જ્યારે બીજી બાજુ રવિ પાકને નુકશાન થયું છે. ત્યારે જિલ્લાને સંપૂર્ણ નુકસાનગ્રસ્ત જાહેર કરી પૂરતી સહાય ચુકવવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા પંચાયત કચેરી ખાતે અર્ધનગ્ન હાલતમાં ખેડુતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. અને અન્ય રાજયની જેમ વધુ રકમની સહાય ચુકવવામાં આવે તેવી ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી હતી. અને તાત્કાલિક નુકસાનગ્રસ્ત જાહેર કરી સહાય ચુકવવામાં નહી આવે તો આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન નહીં કરી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમક્કી પણ ઉચ્ચારી હતી.
આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકામાં પણ આરોગ્ય તંત્ર ઓમીક્રોનને લઇને સતર્ક, હોસ્પિટલ સજ્જ કરાઇ