હાઇપ્રોફાઇલ જીવનશૈલી જીવવા વાહનચોરીના રવાડે ચઢ્યો યુવક, સુરત પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો
સુરત (Surat) શહેરના રાંદેર પોલીસ મથકનાં સર્વેલન્સ પોલીસ બી.એસ પરમાર સહિતની ટીમે બાતમીના આધારે ચોરીની બાઇક સાથે વાહન ચોર જુનેદ જમીલ શાહને ઝડપી પાડ્યો છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો 19 વર્ષનો જુનેદ જમીલ વાહન રીપેરીંગ કરતો હતો
સુરતમાં હાઈપ્રોફાઈલ જીવનશૈલી જીવવા માટે આંતર રાજ્યનાં ધાર્મિક સ્થળો, બાગ બગીચા અને જાહેર સ્થળોએથી વાહન ચોરી કરનારા રાંદેરનાં લબરમુછીયાનો પોલીસે ઝડપી લીધો છે. આરોપી મિકેનીક હતો અને પોતાની ભૌતિક સુવિધાઓ માટે વાહનોની ચોરી કરતો હતો. રાંદેર પોલીસે તેને ઝડપી પાડયો છે. પોલીસે તેની પાસેથી ચોરી કરાયેલા રૂ. 2.05 લાખની કિંમતની 10 મોટરસાઇકલો કબજે કરી વાહનચોરીના 8 ગુના ઉકેલી કાઢ્યાં છે.
સુરત શહેરના રાંદેર પોલીસ મથકનાં સર્વેલન્સ પોલીસ બી.એસ. પરમાર સહિતની ટીમે બાતમીના આધારે ચોરીની બાઇક સાથે વાહન ચોર જુનેદ જમીલ શાહને ઝડપી પાડ્યો છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો 19 વર્ષનો જુનેદ જમીલ વાહન રીપેરીંગ કરતો હતો. તે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. ત્યારે પોલીસે તેને ઝડપી પાડી તેની પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી.
તપાસમાં જાણવા મળ્યુ છે કે હાઈપ્રોફાઈલ જીવનશૈલી જીવવા માટે તે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાનાં અલગ અલગ ધાર્મિક સ્થળ તથા બાગ બગીચા અને જાહેર સ્થળોએથી વાહન ચોરી કર્યા બાદ અંગત કામમાં વપરાશ કરતો હતો. બાદ, ચોરી કરાયેલા વાહનો રાજ્યની બહાર વેચાણ કરવા માટે સંતાડી દેતો હતો. કરાયેલી કબુલાતના આધારે રાંદેર પોલીસે તેના દ્વારા ચોરી કરાયેલાં રૂ.2.05 લાખની કિંમતની 9 સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા 1 પેશન પ્રો મોટરસાયકલ મળી કુલ 10 વાહનો કબજે કર્યા છે. પોલીસે તપાસ હાથ ધરી શહેરનાં રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા વાહનચોરીના 5 ગુના તથા જહાંગીરપુરા પોલીસ મથકનાં 2 અને રાજકોટ શહેરનો 1 મળી કુલ 8 ગુના ઉકેલી કાઢ્યાં છે.
રાંદેર પોલીસ દ્વારા જ્યારે આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા એક તારણ એ બહાર આવ્યું હતું કે, અલગ અલગ જગ્યા એટલે કે ધાર્મિક સ્થળો કે જ્યાં વધુ ભીડભાળ હોય, કોઈ મોટો મેળાવડો હોય તે જગ્યાને પસંદ કરી અને ત્યાંથી પાર્કિંગમાંથી બાઇકોની ચોરી કરવામાં આવતી હતી. કારણ કે મેળાવડાની અંદર મોટી સંખ્યામાં પાર્કિંગની અંદર બાઇકો પડ્યા હોય છે. ત્યાં કોઈ વ્યક્તિને શંકા ન જાય, જેથી તે જગ્યાએથી બાઈકની ચોરી કરવામાં સરળતા રહેતી હતી. જેથી ત્યાંથી ચોરી કરતો હતો હાલમાં તો રાંદેર પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે અને હજુ બીજા ગુનાનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા લાગી રહી છે.