Surat : સુરતમાં વેક્સિનેશન માટે લોકોની પડાપડી, રસી માટે વહેલી સવારથી લાઈનો લાગી

એક વેક્સિન સેન્ટર પર માત્ર 200 ડોઝ આપવામાં આવી રહ્યા છે, જ્યારે વેક્સિન સેન્ટરોની બહાર 500 થી વધુ લોકો સવારથી લાઇનમાં ઉભા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 3:13 PM

ગુજરાતમાં 21 જૂનથી મોટા ઉપાડે શરૂ થયેલા વેક્સિનેશન (Vaccination) મહાઅભિયાનનો સાત દિવસમાં જ ફિયાસ્કો થઈ ગયો. સરકાર દ્વારા લોકોને વેક્સિનેશન માટે જબરજસ્તી ઘરની બહાર કાઠવામાં આવ્યા અને છેલ્લા સાત દિવસમાં સુરતમાં વેક્સિનેશનમાં 75 ટકાનો ઘટાડો નોંધાયો. જ્યારે રસીકરણ કેન્દ્રો પણ 50 ટકા ઘટાડી દેવામાં આવ્યાં છે.

એક વેક્સિન સેન્ટર પર માત્ર 200 ડોઝ આપવામાં આવી રહ્યા છે, જ્યારે વેક્સિન સેન્ટરોની બહાર 500 થી વધુ લોકો સવારથી લાઇનમાં ઉભા હોય છે. જથ્થો ઓછો આવતો હોવાથી રસીકરણ કેન્દ્રો ઘટાડવામાં આવ્યાં હોવાથી લોકોને વેક્સિન લેવામાં હાલાકી ભોગવવી પડી રહી છે.

બીજી બાજુ વાત કરવામાં આવે તો વેપારી અને દુકાનદારોને વધારે મુશ્કેલી પડી રહી છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે 30 જૂન સુધીમાં વેપારીઓ અને દુકાનદારોને વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે. જોકે હાલ વેપારીઓ અને દુકાનદારો વેક્સિનેશન સેન્ટરો પર ધક્કા ખાઈ રહ્યા છે.

નજીકમાં આવેલા મોટા ભાગનાં સેન્ટરો પર તાળાં લાગેલાં છે અથવા તો વેક્સિન ન હોવાથી સેન્ટર બંધ હોવાનાં બોર્ડ લાગ્યાં છે. જેથી વેપારી અને દુકાનદારોમાં વેક્સિનને લઈને મૂંઝવણ જોવા મળી રહી છે.

આ તરફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે વેક્સિનેશન મુદ્દે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓના રસીકરણની મુદ્દત 15 જુલાઈ સુધી લંબાવવાની માગ કરી છે. વેપારીઓની રજૂઆત છે કે રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. તેવામાં 15 જુલાઈ સુધી તમામ વેપારીઓનું રસીકરણ થઈ શકે તેવી સ્થિતિ નથી.

જેથી વેપારીઓ ખોટી રીતે ન દંડાય તે માટે મુદ્દત વધારવામાં આવે તેવી માંગણી ચેમ્બર ઓફ કોમર્સે કરી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું કહેવું છે કે, પહેલેથી જ વેપારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે તેઓ વૅક્સીન લેવા માગે છે, પરંતુ રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. તેવા સમયે સરકારે જ સમજવું જોઈએ અને વેક્સિનેશનની તારીખ લંબાવવી જોઈએ.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">