વાળ પકડ્યા, ઢસડીને લાતો મારી, સુરતના સરદાર માર્કેટમાં શાકભાજી ચોરીના આરોપ બાદ મહિલાઓ પર હુમલો, જુઓ Video
સુરતના સરદાર માર્કેટમાં શાકભાજીની ચોરીના શંકાસ્પદ બનાવમાં બે મહિલાઓને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સુરતના પુણા વિસ્તારમાં આવેલા સરદાર માર્કેટમાં શાકભાજીની ચોરીના શંકાસ્પદ મામલે બે મહિલાઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા પોલીસ તંત્ર દોડી આવ્યું હતું.
વીડિયોના આધારે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ઘટના માર્કેટના ગેટ નંબર 2 પાસે જાહેર માર્ગ પર બની હતી. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યું કે સિક્યોરિટી ગાર્ડ મહિલાને શારીરિક રીતે હેરાન કરતાં હતાં. તપાસમાં ટેકનિકલ વિગતો અને હ્યુમન ઇનપુટના આધારે આરોપીઓ અનિલ ઉમાશંકર તિવારી (ઉ.વ. 48) અને આદિત્યકુમાર રાજેશકુમાર સિંગ (ઉ.વ. 26)ની ઓળખ થઈ હતી. બંને માર્કેટના સિક્યુરિટી સ્ટાફ તરીકે કાર્યરત હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાઓ, તેમનો પતિ અને દીકરીએ શાકભાજીની ચોરી કરતા હોવાના જૂના મામલાંને કારણે તેમને અટકાવવામાં આવ્યા હતા. દરમિયાન બંને પક્ષોમાં મારામારી થઈ, જેના પરિણામે સિક્યુરિટી ગાર્ડને માથામાં ઇજા અને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે.
સુરત APMCના સિક્યોરિટી ગાર્ડે મહિલાઓને માર મારવાની ઘટનામાં ખુલાસો, શાકભાજી વીણવા બાબતે સિક્યુરિટી ગાર્ડે રોકતા થઈ માથાકૂટ #Surat #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/bSya2K2oOZ
— Tv9 Gujarati (@tv9gujarati) April 10, 2025
મહિલા પક્ષ તથા સિક્યુરિટી ગાર્ડ બંનેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે. જોકે, કાયદો હાથમાં લેવાના આરોપે સિક્યુરિટી ગાર્ડ સામે પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વીડિયો 6 એપ્રિલ, 2025નો હોવાનું સામે આવ્યું છે.
આ હિંસક ઘટના જાહેર રસ્તા પર બધાની સામે ઘટતી હોવા છતાં પણ આસપાસ ઉભેલા લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ મદદ માટે આગળ આવતી નથી. લાગણીશૂન્ય સમાજ માત્ર દર્શક બની રહ્યો હોય. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં રોષનો માહોલ છે અને તંત્ર દ્વારા ગંભીર કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે…