સુરતના ઉધનામાં ફૂટપાથ પર કરવામાં આવેલી હત્યાનો ભેદ ઉકેલાયો, બાતમીના આધારે પકડાયો આરોપી
સુરતના ઉધના ત્રણ રસ્તા પાસે 7 ડિસેમ્બરના રોજ એક હત્યા કરાયેલી અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. પોલીસે લાશની ઓળખ થઈ છે, ત્યારબાદ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે નંદુરબારથી ઝડપી પાડ્યો હતો.
સુરતમાં 7 ડિસેમ્બરના રોજ હત્યા થઈ હતી. ઉધના ત્રણ રસ્તા પર આવેલી ફૂટપાથ પાસે આવેલ જયેશ મેડિકલની બાજુમાંથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસ તાત્કાલીક પહોંચી અને લાશ પર તીક્ષ્ણ હથિયારના ઘા માર્યાના નિશાન દેખાતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સ્થાનિક પોલીસ દ્વારા તેમજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.
બાતમીના આધારે ઉકેલાયો કેસ
જેમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સૌ પ્રથમ આસપાસ પૂછપરછ કરી મૃતક વિશે માહિતી મેળવી હતી. જેમાં મૃતક 28 વર્ષીય પ્રમોદ પાટીલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ત્યારબાદ તમામ ફૂટપાથ પર સુતા વ્યક્તિઓની પૂછપરછ કરતા એક ઈસમ હાજર જણાતો ના હતો, જેથી પોલીસે તેમની શોધખોળ આદરી હતી તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે ગાયબ ઈસમ નંદુરબાર હોવાનું જાણવા મળ્યું હતું.
આથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નંદુરબાર પહોંચી તપાસ કરતા ઈમાં ઉર્ફે લબું ભાવિ એ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું ઘટનાને પગલે વધુ પૂછપરછ કરતા મૃતક યુવક પાસેથી જબરજસ્તીથી રૂપિયાની માંગણી કરતા તેમની પાસે રહેલું ચપ્પુ મારી દેતા મોત થયું હતું. આમ સુરત ક્રાઈમ બ્રાન્ચે હત્યારાને નંદુરબારથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
સુરત સીટી બનતુ જાય છે ક્રાઈમ સીટી
ઉલ્લેખનીય છે કે સુરતમાં છાસવારે હત્યા અને લૂંટ જેવી ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે, તાજેતરમાં જ સુરતના કતારગામની જેરામ મોરાની વાડીમાં આવેલ હીરા વેપારી સાથે સાડાત્રણ મહિના પહેલા ચકચારીત લાખોના હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો છે, સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સાડા ત્રણ મહિના બાદ આખરે આ લુંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે લૂંટ કરનાર કુલ પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે. લૂંટારો 39 લાખના હીરા લુંટી ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી હાલ 13 લાખના હીરાનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ મુદ્દા માલ રિકવર કરવા પોલીસ પ્રયાસ કરી રહી છે.