Surat : શિક્ષકે 8 વર્ષના વિદ્યાર્થી સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફરિયાદના આધારે પોલીસે શિક્ષકની કરી ધરપકડ
સુરતના (Surat) નવાગામ વિસ્તારમાં ગણેશ આહિરે નામનો એક વ્યક્તિ ટ્યુશન ક્લાસ ચલાવે છે. ગણેશ આહિરેએ પોતાના જ ટ્યુશન ક્લાસમાં આવતા 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
સુરતમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થતો જઇ રહ્યો છે. સુરતમાં ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. ટ્યુશન શિક્ષકે હેવાનિયતની હદ વટાવીને 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુ છે. શિક્ષકની હરકત બાબતે બાળકે ઘરે તેના પરિવારના સભ્યોને માહિતી આપતા બાળકના પરિવારના સભ્યોએ આ સમગ્ર મામલે શિક્ષક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનામાં પોલીસે ગણેશ આહિરે નામના આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.
ટ્યુશનના શિક્ષકે જ કર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
સુરતના નવાગામ વિસ્તારમાં ગણેશ આહિરે નામનો એક વ્યક્તિ ટ્યુશન ક્લાસ ચલાવે છે. ગણેશ આહિરેએ પોતાના જ ટ્યુશન ક્લાસમાં આવતા 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. 5 જાન્યુઆરીના રોજ બાળક જ્યારે ટ્યુશન ક્લાસ ગયો હતો. ત્યારે શિક્ષક ગણેશ આહિરે 8 વર્ષના વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસના બાથરૂમમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. શિક્ષકની આવી હરકતને લઈને બાળકે ટ્યુશન ક્લાસથી ઘરે પરત જઈને આ સમગ્ર મામલે તેના પરિવારના સભ્યોને માહિતી આપી હતી.
પોલીસે કરી આરોપી શિક્ષકની ધરપકડ
પરિવારના સભ્યો બાળકની આ વાતથી ચોંકી ગયા હતા. સમગ્ર મામલે શિક્ષક સામે કાર્યવાહી થાય તેવી માગણીને લઈને બાળકના પરિવારના સભ્યો ડીંડોલી પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા. સમગ્ર મામલે પરિવારના સભ્યોએ પોલીસ અધિકારીને રજૂઆત કરી હતી. તેથી સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ ટ્યુશન ક્લાસીસના શિક્ષક ગણેશ આહિરેની ધરપકડ કરી છે.
પોલીસે બાળકના માતા-પિતાના નિવેદનના આધારે નોંધી ફરિયાદ
પોલીસના દાવા પ્રમાણે, 6 જાન્યુઆરીએ વિદ્યાર્થીના માતાએ ફરિયાદ નોંધાવી હતી કે, 5 જાન્યુઆરીએ સાંજે 4.30થી 6 વાગ્યાની વચ્ચે ટ્યુશન ક્લાસિસનો નરાધમ શિક્ષક બાળકને બાથરૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ બાબતે બાળકે ઘરે આવીને જાણ કરતાં શિક્ષકની કાળી કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો. વિદ્યાર્થી સ્કૂલમાં અભ્યાસ નથી કરતો. પરંતુ માતા-પિતા બંને નોકરી કરતા હોવાથી તેને ટ્યુશને મોકલતા હતા.