Surat: ચોમાસામાં માથાના દુઃખાવા સમાન સાબિત થઈ રહ્યો છે કામરેજ નજીકનો આ રસ્તો
સુરત જિલ્લાના કામરેજ સહિત પલસાણા તાલુકાની ટ્રાફિક સમસ્યાના કારણે વાહન ચાલકો માટે હવે દિવસેને દિવસે હેરાનગતિ વધતી જ ચાલી છે.

Surat: સુરત જિલ્લાના કામરેજ સહિત પલસાણા તાલુકાની ટ્રાફિક સમસ્યાના કારણે વાહન ચાલકો માટે હવે દિવસેને દિવસે હેરાનગતિ વધતી જ ચાલી છે. જેમાં કામરેજ તાલુકાના ઉંભેળ ગામ નજીક નેશનલ હાઇવે નંબર-48 પર ઉનાળાના સમય ગાળા દરમ્યાન માર્ગ મકાન કેબિનેટ મંત્રી પૂર્ણશ મોદી દ્વારા ઓવરબ્રીજ અંગેની ખાતમુહૂર્ત વિધી કરવામાં આવી હતી. ઓવરબ્રીજની કામગીરી શરૂ કરવા પહેલા રાષ્ટ્રીય ધોરી માર્ગ કહેવાતા ને.હા નંબર-48 કે જે હાઇવે રાત દિવસ વાહનવ્યવહારથી સતત ધમધમતો હોય છે. ત્યારે ઓવરબ્રીજની કામગીરી દરમ્યાન વાહન વ્યવહારની અવર જવર માટે અત્યંત મહત્વના અને ઉપયોગી એવા ડાયવર્ઝન માટેના સર્વિસ રોડ માટે કોઈ કામ કરવામાં આવ્યું નથી.
ઓવરબ્રીજની કામગીરી ઉનાળામાં શરૂ થઈ હતી ત્યારે તેની પૂર્વ તૈયારી રૂપ એટલે કે, ચોમાસા પૂર્વેની પ્રિ મોન્સૂન કામગીરીને ધ્યાનમાં રાખીએ સર્વિસ રોડની વહન ક્ષમતા અંગે કોઈ વિચાર કરવામાં આવ્યો ન હોવાનું દેખાઈ રહ્યું છે. જેના પરિણામે અહીં ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ રહે છે. ખાસ કરીને અહીં ચોમાસા દરમ્યાન તો લાંબો ટ્રાફિક જામ થતા કલાકોના કલાકો નીકળી જાય છે. સૌથી વધારો મુશ્કેલી વાહનચાલકોનો થાય છે. સવાર પડતાની સાથે જ આ રોડ પરથી પસાર થનાર વાહન ચાલકને ટ્રાફિકની સતત એક જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે.
ગઈકાલે પણ સવારથી જ વાવ ગામથી ઉંભેળથી આગળ સુધી વાહન વ્યવહાર થંભી ગયો હતો. નેશનલ હાઇવે નંબર-48 પર પડેલા ખાડા તેમજ ઉંભેળ નજીક ચાલતી ઓવરબ્રીજની કામગીરીને કારણે આપવામાં આવેલા સર્વિસ રોડની બિસ્માર હાલતને કારણે થતા ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો અસહ્ય હેરાનગતિ ભોગવી રહયા છે.