Surat: પાંચ વર્ષની બાળકીની હત્યામાં આવ્યો નવો વળાંક, માતાએ જ દિવ્યાંગ બાળકીને ઓટલા સાથે પટકી ઉતારી મોતને ઘાટ
Surat: સુરતમાં વેડરોડ સ્થિતિ ફટાકડાવાળી વિસ્તારમાં 5 વર્ષની બાળકીની હત્યામાં ચોંકાવનારો ખૂલાસો થયો છે. દિવ્યાંગ બાળકીની માતાએ જ તેને ઓટલા પર પટકી મોતને ઘાટ ઉતારી હોવાનો મોટો ખૂલાસો થયો છે.
સુરતમાં બાળકીની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, બાળકીની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેની જ સગી જનેતાએ જ કરી હતી. શહેરના વેડરોડ સ્થિત ફટાકડાવાડી વિસ્તારનો આ બનાવ છે. જ્યાં એક ઈજાગ્રસ્ત બાળકીને સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને થોડી જ વારમાં તેનું મોત થયું હતું. પ્રાથમિક ધોરણે તો તે બાળકીને ખેંચ આવી હોય તેવી વાત માતાએ ડૉક્ટરને કરી હતી. જો કે, બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવો ખુલાસો થયો કે ખુદ પોલીસ પણ ચોંકી ગઈ.
માતાએ બાળકીને પછાડતા પાંસળીઓ તૂટી ગઈ અને આંતરડામાં ગંભીર ઈજા પહોંચી
પીએમ રિપોર્ટ મુજબ બાળકીની છાતીની પાંસળીઓ તૂટી ગઇ અને આંતરડામાં પણ ગંભીર ઇજાઓ થઇ હોવાનું સામે આવ્યું. તેથી પોલીસ અને ડૉક્ટરને સ્પષ્ટ થઇ ગયું કે, બાળકી બીમારીના કારણે નહીં પણ તેની હત્યા થઇ છે. જેથી પોલીસે બાળકીના પરિવારની પૂછપરછ શરૂ કરી. આ પૂછપરછ દરમિયાન બાળકીની માતાના જવાબો ગોળગોળ હતા. તેથી પોલીસને શંકા ગઇ કે બાળકીની હત્યા અન્ય કોઈ નહીં પણ તેની માતાએ જ કરી છે. જેથી પોલીસે માતાની કડક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે, તેણે જ તેની દીકરીની હત્યા કરી છે.
સમગ્ર ઘટનાક્રમ મુજબ બાળકી દિવ્યાંગ એટલે કે અપંગ હોવાથી તે ગમે ત્યાં અંદર જ પેશાબ કરી લેતી હતી. આ વાતથી તેની માતા ભારે ગુસ્સામાં રહેતી હતી. હત્યાના દિવસે તે શાક લેવા ગઇ ત્યારે પાડોશીને ત્યાં બાળકીને મુકીને ગઇ હતી. ત્યારબાદ તે પરત આવી તો બાળકી ખુબ રડતી હતી. તેથી ગુસ્સે ભરાયેલી માતાએ ઘરના ઓરડા પર તેને પછાડી હતી. ત્યારબાદ બાળકી વધુ રડવા લાગી. જેથી માતાએ ઘરમાં લઇ જઇને ફરીવાર બાળકીને માર માર્યો. તે સમયે બાળકીના પિતા આવી ગયા.
બાકીના પિતા ઘરે આવ્યા ત્યારે બાળકીની આંખો પહોળી હતી. તેથી માતાએ બહાનું કાઢીને કહ્યુ તે તેને ખેંચ આવી છે. તેથી બાળકીને પહેલા તો સીધા જ ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા, જ્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા. સિવિલ હોસ્પિટલમાં બાળકીને મૃત જાહેર કરાઈ હતી. જો કે, સિવિલ હોસ્પિટલમાં જ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ બાળકીની માતાનું પાપ બહાર આવ્યું. હાલ આ હત્યારી માતાની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…