Surat: અમેરિકામાં યોજાનારા ગ્લોબલ ટેક્સ્ટાઇલ ફેરમાં સુરત પેવેલિયન ઉભું કરાશે, 100થી વધુ ઉદ્યોગકારો લેશે ભાગ
યુ.એસ.એ. ખાતે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઈલ ટ્રેડ ફેર’ એકઝિબિશનને પગલે સુરતના ટેકસટાઈલ ઉદ્યોગકારોને ગ્લોબલી ટ્રેડ માટે માર્કેટ એકસેસ મળી રહેશે. ભારત અને યુ.એસ.એ. વચ્ચે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટની શકયતા વધી જશે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકારો સાથે મિટીંગ યોજાઈ હતી. જેમાં ચેમ્બર દ્વારા દુબઈ (Dubai) બાદ હવે યુ.એસ.એ (USA)ના ત્રણ જુદા–જુદા રાજ્યોમાં ચાર દિવસ માટે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશનના આયોજનની જાહેરાત કરાઈ હતી. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાંથી કાપડના કુલ નિર્યાતમાંથી 24 ટકા કાપડનું નિર્યાત એકમાત્ર યુ.એસ.એ.માં થાય છે આથી ભારતીય ટેક્ષ્ટાઈલ પ્રોડકટ્સ માટે યુ.એસ.એના માર્કેટમાં ઘણી તકો ઉભી થઈ છે.
આ તકોને યોગ્ય સમયે ઝડપી લેવા માટે તથા સુરતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકારો સીધા જ યુ.એસ.એ.ના ખરીદદારોના સંપર્ક આવી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા ‘ગ્લોબલ ટેક્ષ્ટાઈલ ટ્રેડ ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા આગામી તા. 10 અને 11 જૂન, 2022ના રોજ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં ‘ગ્લોબલ ટેક્ષ્ટાઈલ ટ્રેડ ફેર’એકઝિબીશન યોજાશે.
ત્યારબાદ તા. 15 જૂનના રોજ ટેકસાસ રાજ્યના ડેલેસ શહેરમાં તથા તા. 18 જૂનના રોજ કેલીફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરમાં ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે. આથી સુરતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકારોને આ મીટમાં કાપડના વૈશ્વિક ખરીદદારો મળી રહેશે.
‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશનમાં ફેબ્રિકસ, ફાયબર, યાર્ન, એથનિક વેર, હોમ ટેક્ષ્ટાઇલ, એપેરલ્સ એન્ડ ગારમેન્ટ્સ, હેન્ડીક્રાફટ એન્ડ હેન્ડલૂમ અને ખાદીનું ઉત્પાદન કરનારા ઉદ્યોગકારો ભાગ લઇ રહ્યા છે. યુ.એસ.એ.ના ટેક્ષ્ટાઇલ ઇમ્પોર્ટર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, એપેરલ બ્રાન્ડ્સ, ફેશન ડિઝાઇનર્સ તથા હોટેલિયર્સ વિગેરે વિઝીટર્સ એકઝીબીશનમાં આવશે.
યુ.એસ.એ.ના જ્યોર્જિયા સહિતના વિવિધ રાજ્યોના ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સનો ચેમ્બર દ્વારા ત્યાંની સ્થાનિક એસોસિએશનની સાથે મળીને સંપર્ક સાધવામાં આવ્યો છે. જેમાં જ્યોર્જિયા રાજ્યના 373, નોર્થ કોરોલીનાના 539, સાઉથ કોરોલીનાના 204, ફલોરીડાના 215, અલાબામાના 90, ટેનીસીના 105 અને વર્જિનિયા રાજ્યના 107 મળી કુલ 1633 ટેક્ષ્ટાઈલ મેન્યુફેકચરર્સનો સમાવેશ થાય છે.
આ એકઝિબીશનમાં પ્રથમ દિવસે માત્ર બીટુબી ઉપર ફોકસ કરાશે. જ્યારે બીજા દિવસે બીટુસી ઉપર ધ્યાન આપવામાં આવશે. ચેમ્બર દ્વારા યુ.એસ.એ.ની સ્થાનિક એસોસિએશન સાથે મળીને ત્યાંના બાયર્સ તથા ટ્રેડ એસોસિએશનના હોદ્દેદારો અને મેમ્બર્સને એકઝીબીશન માટે આમંત્રણ આપવામાં આવશે.
ઉપરોકત સંદર્ભે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકારો સાથે યોજાયેલી મિટીંગમાં એકઝીબીશનમાં સુરત પેવેલિયન માટે 50થી વધુ ઉદ્યોગકારો દ્વારા સ્થળ પર જ બુકીંગની તૈયારી બતાવી હતી. જો કે, આ એકઝીબીશનમાં જે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો ડાયરેકટ એન્ડ પ્રોડકટ બનાવે છે તથા પોતાની વેબસાઈટ ધરાવે છે તેઓને જ પ્રાધાન્ય આપવામાં આવશે. આ અંગેની સ્ક્રુટીની કર્યા બાદ ચેમ્બર દ્વારા એકઝીબીટર્સ વિશે અંતિમ નિર્ણય લઈ તેઓનો સંપર્ક કરાશે. કાપડ ઉદ્યોગ બાદ હવે ચેમ્બર યુ.એસ.એ. ખાતે ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે પણ એકઝીબીશનના આયોજન વિશે વિચારી રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે ભારતના કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી પીયુષ ગોયલે પણ ચેમ્બરના કાર્યક્રમમાં ભારતની ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીને આપેલા એકસપોર્ટના ટાર્ગેટને પહોંચી વળવા માટે તથા ઈકોનોમિક વેલ્યુ ઓફ આઉટપુટ માટે ચેમ્બર દ્વારા પ્રયાસ કરાશે તેમ જણાવ્યું હતું. ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વની સાથે વેપાર અને સાંસ્કૃતિક સંબંધ વધારવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરતનો કાપડ ઉદ્યોગ પણ હવે ગ્લોબલ માર્કેટમાં સ્પર્ધાત્મક બને તે દિશામાં ચેમ્બર પ્રયાસ કરી રહ્યું છે.
યુ.એસ.એ. ખાતે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝિબીશનને પગલે સુરતના ટેકસટાઈલ ઉદ્યોગકારોને ગ્લોબલી ટ્રેડ માટે માર્કેટ એકસેસ મળી રહેશે. ભારત અને યુ.એસ.એ. વચ્ચે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટની શકયતા વધી જશે. વેપારની પ્રવૃત્તિ માટે ટેરીફ બેરીયર ઉપર બ્રેક લાગશે અને ભારતનો કાપડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંકે સ્થાન પ્રાપ્ત કરશે.
આ પણ વાંચો : સુરત બન્યું હિલ સ્ટેશન, તાપમાનનો પારો ગગડતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા
આ પણ વાંચો : Navsari: જિલ્લા પોલીસ વડાનો સપાટો, મરોલી પોલીસ સ્ટેશનના 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા