સુરત બન્યું હિલ સ્ટેશન, તાપમાનનો પારો ગગડતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા
હજી પણ આગામી 28 તારીખ સુધી આ જ પ્રકારે ઠંડીનો માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેથી શહેરીજનોએ હજી પણ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
રાજ્યમાં બે દિવસથી આવેલા હવામાનના પલટાની અસર રવિવારે પણ સુરત (Surat ) સહિત દક્ષિણ ગુજરાતમાં વર્તાઇ હતી. સુરત શહેરમાં રાત્રે અને દિવસના તાપમાનમાં (Temperature ) મોટો ઘટાડો થયો હતો. દિવસે પાંચ ડિગ્રી જેટલું તાપમાન ઘટતા લોકોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. તે જ રીતે નવસારીમાં પણ રાત્રિનું તાપમાન ઘટીને 15 ડિગ્રીએ પહોંચ્યું હતું. દિવસે તાપમાન સાડા સાત ડિગ્રી જેટલું ઘટ્યું હતું.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટા અંગે કરવામાં આવેલી આગાહી યથાર્થ ઠરી રહી છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે કેટલાક વિસ્તારમાં માવઠું થયું તો સુરત શહેરમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો. રવિવારે પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું શહેરમાં દિવસનું તાપમાન શનિવારની તુલનામાં પાંચ ડિગ્રી જેટલું ઘટી ગયું હતું.
શનિવારે 28 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે રવિવારે દિવસે 23.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે ઉત્તર – પૂર્વ દિશામાંથી ઠંડા પવનો ફૂંકાયા હતા. 7 કિ.મી.ની ઝડપે દિવસ દરમિયાન પવન ફૂંકાતા શહેરમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હતું. જેના પગલે શહેરીજનોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.
શનિવારની રાત્રિ દરમિયાન પણ તાપમાનમાં ઘટાડો થયો હતો. શનિવારની રાત્રિએ 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે શુક્રવારની રાત્રિએ નોંધાયેલા તાપમાનમાં 21 ડિગ્રીની સરખામણીએ ચાર ડિગ્રી જેટલું ઓછું રહ્યું હતું, જેના કારણે શહેરીજનોએ રાત્રે પણ કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં ઠંડા પવનોની ગતિ પણ વધારે રહી છે. રવિવારે પણ 7 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાતા શહેરીજનો ઠંડીમાં રીતસરના ઠૂંઠવાયા હતા. હજી પણ આગામી 28 તારીખ સુધી આ જ પ્રકારે ઠંડીનો માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેથી શહેરીજનોએ હજી પણ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
સુરતની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. નવસારીમાં દિવસ દરમ્યાન તાપમાનના પારામાં સાડા સાત ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. રવિવારે નવસારીમાં પાંચ કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો લોકોએ અનુભવ્યો હતો.
આ પણ વાંચો : SURAT: નિષ્ઠુર માતાની કરતૂત, નવજાત બાળકીને મૃત હાલતમાં ગટરમાં ફેંકી થઈ ફરાર ગઈ
આ પણ વાંચો : Surat: અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપ પર માચીસ ચાંપી સળગાવાનો પ્રયાસ કર્યો