Surat: રોજગાર દિવસે સીએમની હાજરીમાં સુરતમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે, 50 હજાર યુવાનોને અપાશે એપોઇમેન્ટ લેટર
આગામી 6ઠ્ઠી તારીખે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો રોજગાર દિવસ કાર્યક્રમ સુરતમાં યોજાવા જઈ રહ્યો છે. જેમાં રાજ્યના 50 હજાર યુવાનોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવશે.
સૌને રોજગારી (Employment) મળી રહે તે માટે રાજ્ય સરકારે નોકરીદાતા અને રોજગાર વાંચ્છુઓને એક પ્લેટફોર્મ પૂરુ પાડી રોજગાર ભરતી મેળાનો નવતર પ્રયોગ કર્યો છે, જે સફળ રહ્યો છે. સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે અને તારીખ 1થી 9 ઓગસ્ટ સુધી વિવિધ જનકલ્યાણના કાર્યક્રમો કરી રહી છે. આગામી રોજગાર દિવસ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત આવી રહ્યા છે અને રાજ્ય કક્ષાનો રોજગાર દિવસનો કાર્યક્રમ સુરત ખાતે યોજાઈ રહ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Vijay Rupani) ઉપસ્થિતિમાં સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 50 હજાર યુવાનોને એક સાથે એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવશે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં 50 જેટલા રોજગાર મેળાઓ સહિતના વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો સુરતથી શુભારંભ કરવામાં આવશે.
સુરત સરસાણા ખાતે આવેલા પ્લેટીનમ હોલ ખાતે આયોજિત રોજગાર દિવસ નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશન દ્વારા અપાયેલી નિમણૂકો તથા રોજગાર મેળામાં પસંદગી પામેલા યુવાનો મળી કુલ 50 હજાર યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કરાશે.
આ દિવસે અનુબંધ રોજગાર પોર્ટલનો પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શુભઆરંભ કરવામાં આવશે. આ અવસરે દક્ષિણ ગુજરાતના 13,350 તથા સુરત જિલ્લાના 5,950 જેટલા રોજગાર વાંચ્છુઓને નિમણૂક પત્ર એનાયત થશે. બારડોલી અને માંડવી ખાતે આ દિવસના કાર્યક્રમ હેઠળ નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ તેમજ પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત ખજોદ વિસ્તારમાં બની રહેલા ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટે વિજય રૂપાણીએ તારીખ 7 મીનો સમય ફાળવ્યો છે. આ દિવસે સીએમ ડાયમંડ બુર્સની ઓફિસનું ઓનલાઈન ઉદ્ઘાટન જ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે.
આ પણ વાંચો : નારી ગૌરવ દિવસની ઉજવણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવ્યો