Surat : સ્માર્ટ સિટી સમિટનું આજે સમાપન, ડુમસ-કિલ્લાની સહેલગાહે નીકળ્યા ડેલિગેટ્સ
સુરત(Surat) મહાનગરપાલિકા દ્વારા પહેલા બે દિવસના કાર્યક્રમ બાદ આજે સમિટના અંતિમ દિવસે વહીવટી તંત્ર દ્વારા શહેરના વિકાસ અને ઐતિહાસિક વારસાને ધ્યાને રાખીને અલગ - અલગ રાઈડનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત(Surat)શહેરના આંગણે ત્રણ દિવસીય સ્માર્ટ સિટી સમિટના (Smart City Summit) આજે અંતિમ દિવસે મહેમાનો સુરતના ઐતિહાસિક વિરાસત સહિત વિકાસ કાર્યોની મુલાકાતે પહોંચ્યા હતા. જે પૈકી ડુમસની(Dummas) સહેલગાહે પહોંચેલા દેશના અન્ય શહેરોના સીઈઓ અને ડેલિગેટ્સને સુરતી જમણ દાઢે વળગ્યું હતું. આ સિવાય તાપી નદી કિનારે આવેલા ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે પહોંચેલા ડેલિગેટ્સ પણ રિસ્ટોરેશનની કામગીરી જોઈને આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા હતા. કેન્દ્રીય મંત્રાલય દ્વારા સમગ્ર રાજ્ય માટે ગૌરવ સમાન સ્માર્ટ સિટી સ્માર્ટ અર્બનાઈઝેશન અંતર્ગત સ્માર્ટ સમિટના આયોજન માટે સુરત શહેર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. ત્રણ દિવસીય કાર્યક્રમ દરમ્યાન સુરતના વહીવટી તંત્ર દ્વારા શહેરના અલગ -અલગ ખુણેથી આવેલા 100 શહેરોના ડેલિગેટ્સ અને સીઈઓ સહિત 1100 મહેમાનોના આદર – સત્કારમાં કોઈ કચાસ બાકી રાખી નહોતી.
પહેલા બે દિવસના કાર્યક્રમ બાદ આજે સમિટના અંતિમ દિવસે વહીવટી તંત્ર દ્વારા શહેરના વિકાસ અને ઐતિહાસિક વારસાને ધ્યાને રાખીને અલગ – અલગ રાઈડનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
19 ડેલિગેટ્સ નેચર ટ્રેકના ભાગરૂપે કેનાલ પાથ-વે અને બાયોડાવર્સિટી પાર્કનું ભ્રમણ કર્યું
જેમાં કેસલ રાઈડ હેઠળ ડુમસ વોક-વે અને ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે 31 ડેલિગેટ્સ પહોંચ્યા હતા. જ્યારે બીઆરટીએસ સ્ટેશન, આઈ-લેબ અને સ્મેક સેન્ટરની 13 ડેલિગેટ્સ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સમગ્ર દેશમાં સુરતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાહવાહીને ધ્યાને રાખીને 52 જેટલા ડેલિગેટ્સ આઈકોનિક રોડ અને સ્માર્ટ એઓફોર્ડેબલ હાઉસિંગ સ્કીમની મુલાકાતે પહોંચ્યા હતા. આ સિવાય 19 ડેલિગેટ્સ નેચર ટ્રેકના ભાગરૂપે કેનાલ પાથ-વે અને બાયોડાવર્સિટી પાર્કનું ભ્રમણ કર્યું હતું.
વહેલી સવારથી યોજાયેલ આ રાઈડમાં પહોંચેલા ડેલિગેટ્સ સુરત અને સુરતી મિજાજને જોઈને આફરિન થઈ ગયા હતા. ડુમસની મુલાકાતે પહોંચેલા વિવિધ શહેરોના સીઈઓ અને ડેલિગેટ્સ દરિયા કિનારાની ખુબસુરતી સાથે સુરતી નાસ્તાની મિજબાની માણી હતી. બીજી તરફ સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે 180 ડેલિગેટ્સ પહોંચ્યા હતા.
છેલ્લા દિવસે માત્ર 300 જેટલા જ ડેલિગેટ્સનું રોકાણ
શહેરના સરસાણા ખાતે કન્વેશન સેન્ટરમાં યોજાયેલા સ્માર્ટ સમિટમાં દેશના વિવિધ શહેરોના 1100 ડેલિગેટ્સ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા દિવસે એવોર્ડ વિતરણ સમારોહ સહિતના કાર્યક્રમો અને બીજા દિવસે સમિટ અંતર્ગત અલગ – અલગ શહેરોના વિકાસ કાર્યોની ગ્રુપ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્માર્ટ સિટી હેઠળ આવરી લેવામાં આવેલા શહેરોના પ્રતિનિધિઓ દ્વારા પોત – પોતાના વિકાસ કાર્યોની રૂપરેખા પ્રસ્તુત કરવાની સાથે સાથે અન્ય શહેરો દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની માહિતી પણ મેળવી હતી. અલબત્ત, આજે સમિટના અંતિમ દિવસે કુલ 1100 ડેલિગેટ્સ પૈકી મોટા ભાગના ડેલિગેટ્સ પોત -પોતાના શહેરો તરફ રવાના થઈ ગયા હતા અને માત્ર 300 જેટલા ડેલિગેટ્સ જ સુરતમાં રોકાણ કર્યું હતું. જેઓ આજે સવારથી જ મનપા દ્વારા યોજવામાં આવેલ અલગ – અલગ રાઈડમાં ભાગ લઈને સુરતના વિકાસ કાર્યોથી વાકેફ થયા હતા.
સ્માર્ટ સિટી સમિટઃ શહેરીજનોનો મોળો પ્રતિસાદ
કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના સરસાણા કન્વેશન સેન્ટર ખાતે ઉભા કરવામાં આવેલા ડોમમાં સુરત – અમદાવાદ અને વડોદરા સહિતના શહેરોના વિકાસ કાર્યોના મોડેલો તૈયાર કરવામાં આવ્યા હતા. આ સિવાય સ્માર્ટ સિટીની પાંચ અલગ – અલગ થીમ પર ડિજીટલ દુનિયા, ઈનોવેશન બજાર, ક્લાઈમેટ કાફે, ફાયનાન્સ કા અડ્ડા અને આપણો પાડોશ પર પહેલા દિવસે ડેલિગેટ્સ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.
જોકે મહાનગર પાલિકા દ્વારા આજે શહેરીજનો માટે આ થીમ ખુલ્લા મુકવામાં આવ્યા હતા જેને આજે સવારથી મોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. ચાલુ દિવસ અને ભારે ગરમીને કારણે સરસાણા કન્વેશન સેન્ટર ખાતે આજે સવારથી જ ગણ્યાં ગાંઠ્યા શહેરીજનોની હાજરીને પગલે કાગડાં ઉડતાં નજરે પડ્યા હતા.
આ પણ વાંચો : Mehsana : ઊંઝા અને વડનગરમાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો એક હજારથી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો