Amreli: કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત ફરી વિવાદમાં, PGVCLના અધિકારીને ફોનમાં આપી ધમકી, સાંભળો ધમકીથી ભરપૂર વાયરલ થયેલી ઓડિયો ક્લિપ
કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત (Congress MLA Pratap Dudhat) ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વિવાદમાં સપડાયા છે. પ્રતાપ દૂધાતની કથિત ઓડિયોક્લિપ વાયરલ થઈ છે.
અમરેલીમાં (Amreli) સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત (Congress MLA Pratap Dudhat) ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વિવાદમાં સપડાયા છે. પ્રતાપ દૂધાતની કથિત ઓડિયોક્લિપ વાયરલ થઈ છે.અધિકારીઓ ખેડૂતોને (Farmers) હેરાન કરશે તો માર મારતાં પણ અચકાઈશ નહીં એવા ધારાસભ્ય પ્રતાપ દૂધાતના ધમકીભર્યા શબ્દો બોલતી એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. જેમાં તેઓ એક ખેડૂતના વીજળીના પ્રશ્નને લઈ PGVCLના અધિકારીને ફોન કરે છે અને ધમકીની ભાષામાં વાતચીત કરે છે.
ઓડિયો ક્લિપ વાયરલ થવા અંગે જ્યારે પ્રતાપ દૂધાતને પૂછવામાં આવ્યું તો તેઓ લાજવાને બદલે ગાજતા જોવા મળ્યા હતા. તેમણે ખુલ્લેઆમ અધિકારીઓને માર મારવાની ધમકી આપી. પ્રતાપ દૂધાતે કહ્યું કે, ‘મારા ખેડૂતનું અપમાન એ મારું અપમાન છે.’ તેમણે અધિકારીને અપશબ્દો બોલ્યાનો સ્વીકાર કર્યો. સાથે જ આક્ષેપ કર્યો કે, રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી અધિકારી રાજ ચાલે છે. અધિકારીઓ ઓફિસમાં દારૂ પીને બેસે છે. તેમણે ખુલ્લેઆમ ધમકી આપી કે જો અધિકારીઓ ખેડૂતોને હેરાન કરશે તો તેઓ માર મારતાં પણ અચકાશે નહીં.
TV9 ગુજરાતીએ ધારાસભ્ય પ્રતાપ દૂધાત આટલા ગુસ્સે કેમ ભરાયેલા છે તે અંગેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો. જેમાં સામે આવ્યુ કે ધારાસભ્યના ઓળખીતા એક ખેડૂતે વીજળીના પ્રશ્ન બાબતે PGVCLના જેસર તાલુકાના અધિકારીને ફોન કર્યો હતો. તે સમયે અધિકારીએ એમ જણાવ્યું હતું કે રવિવારે રજા હોવાથી ફોન ન કરવો. ખેડૂતે આ વાતની જાણ ધારાસભ્યને કરી હતી. જે બાદ પ્રતાપ દૂધાતે તે અધિકારીને ફોન લગાવ્યો. જેની ઓડિયોક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં પ્રતાપ દૂધાત અપશબ્દો બોલતા સાંભળવા મળે છે. સાથે જ એવું કહેતા પણ સાંભળવા મળે છે કે PGVCLના કોલ સેન્ટર પર કોલ જ નથી લાગતો. જેથી ખેડૂતો રજૂઆત કોને કરે?
ભલે ધારાસભ્યએ એક ખેડૂતના પ્રશ્નને લઇને અવાજ ઉઠાવ્યો હોય, પણ અહીં સવાલ એ થાય છે કે પ્રજાના ચૂંટાયેલા નેતાઓ અધિકારીઓને શાંતિથી સમજાવાનો કે રજૂઆત કરવાનો પ્રયાસ ન કરી શા માટે પોતાની ધાક જમાવવાના પ્રયત્નો કરે છે,નેતાઓ એવું કેમ માની લે છે કે તેમને કોઈને પણ ધમકાવવાનો પરવાનો મળી ગયો છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો