ખાડીપૂરના મુદ્દે સુરતીઓ લાલઘૂમ, અધિકારીઓને પાટિલ, સંઘવી, પટેલે ખખડાવ્યાં !
ખાડીપૂરથી પરેશાન સુરતીઓ ત્યાં સુધી વાતો કરી રહ્યાં છે કે, પ્રંસગોપાત ફોટા પડાવવા નીકળી પડતા રાજકારણીઓ કેમ ધ્યાન નથી આપતા, વિકાસના કાર્યોની સમયાતંરે સમિક્ષા કરીને નાગરિકોને કેમ અવગત નથી કરાવતા. પાણી માથા પરથી વહીં જાય પછી રાજકારણીઓ દોડાદોડ઼ી કરતા જોવા મળે છે.

સુરતમાં વગર વરસાદે આવેલ ખાડીપૂરથી સુરતીઓ હેરાન પરેશાન થઈ ઊઠ્યા છે. દિવસો બાદ ખાડીપૂરની સમસ્યા હળવી થઈ છે. પરંતુ ચોમાસામાં વરસાદ વરસે ત્યારે પાછા ખાડીપૂર સર્જાવાની ભીતિથી ભયભીત થઈ ઉઠે છે. આ કારણે સુરતીઓમાં હાલ સત્તાધારી પક્ષના કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ અને પદાધિકારીઓ સામે રોષની લાગણી વ્યાપી છે. જેને ઠારવા માટે કેન્દ્રીય પ્રધાન અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલે બીડુ ઝડપ્યું છે. પાટીલ, પટેલ અને સંઘવીએ સુરતમાં વિકાસના કાર્યો કરી રહેલા સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
સુરતમા ખાડી પૂરને લઈને મળેલી હાઇ લેવલની બેઠકની વિગતો સામે આવી રહી છે. કેન્દ્રીય પ્રધાન સીઆર પાટીલ અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેમજ પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલ દ્વારા અધિકારીઓને ખખડાવ્યા હોવાનુ કહેવાઈ રહ્યું છે. અલગ-અલગ વિભાગના 80થી વધુ અધિકારીઓ સાથે એક કેન્દ્રના અને બે ગુજરાતના પ્રધાનોએ ધારાસભ્યો સાથે મળીને લગભગ અઢી કલાક સુધી બેઠક યોજી હતી. સુરતમાં થઈ રહેલા વિકાસને કારણે ખાડીપૂર આવ્યાનું ચિત્ર સિંચાઇ વિભાગે બતાવતા, CR પાટીલે તતડાવી નાખતા કહ્યું, ‘ તમારી રમતો બંધ કરો, જવાબદારી તમારી છે’. સુરતને નર્કાગાર બનાવનાર મેટ્રોના અધિકારીઓને પણ પ્રધાનોએ તતડાવ્યા હોવાની કાનાફૂંસી થઈ રહી છે.
ખાડીપૂરનો મુદ્દો પતી ગયા પછી મેટ્રોનો મુદ્દો ઊઠ્યો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રીતસર મેટ્રોના અધિકારીઓનો ઉધડો લેતા કહ્યું હતું કે છ-છ મહિના પહેલાથી બેરિકેટિંગ કરી રસ્તા બંધ કરી દેવામાં આવે છે. એટલે લાખો લોકોના ધંધા-રોજગાર છીનવાઇ જાય છે. જે સ્થળે કામગીરી કરવાની છે ત્યાં 4 દિવસ પહેલા બંધ કરોને. લોકોની તકલીફોનો તો વિચાર કરો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી બોલ્યા હતા કે, પાલ, ઉમરા, ભેંસાણમાં આટલા વર્ષોમાં ક્યારેય પાણી ભરાયા નથી. આ વખતે પહેલીવાર મેટ્રોના કારણે પાણી ભરાયા છે. આ પછી સી.આર. પાટીલે કહ્યું કામગીરી કરતા પહેલા કોર્પોરેશનની મંજૂરી લો.
જો કે, ખાડીપૂરથી પરેશાન સુરતીઓ ત્યાં સુધી વાતો કરી રહ્યાં છે કે, પ્રંસગોપાત ફોટા પડાવવા નીકળી પડતા રાજકારણીઓ કેમ ધ્યાન નથી આપતા, વિકાસના કાર્યોની સમયાતંરે સમિક્ષા કરીને નાગરિકોને કેમ અવગત નથી કરાવતા. પાણી માથા પરથી વહીં જાય પછી રાજકારણીઓ દોડાદોડ઼ી કરતા જોવા મળે છે. સુરતના ધારાસભ્યો, સત્તાધારી પક્ષના પદાધિકારીઓ, મોભીના ઘરની આસપાસના માર્ગો ઉપર પણ વિકાસના કાર્યો હાથ ધરવા જોઈએ, જેથી તેમને પણ સમસ્યાઓ કેવી સર્જાય છે તે સારી રીતે જાણી અને સમજી શકે.