Surat : શહેર જિલ્લામાં બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત, ઓલપાડમાં મંદિરમાં વરસાદી પાણી પ્રવેશ્યા, શિવલિંગ પણ પાણીમાં ગરક
સુરતમાં આવેલા જિલ્લાઓમાં સૌથી વધારે સાડા આઠ ઇંચ વરસાદ પલસાણા તાલુકામાં નોંધાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરત (Surat) શહેર અને જિલ્લામાં ગુરુવારથી જ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી રહી છે. શુક્રવારે પણ શહેર અને જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા લોકોને મોટી રાહત થઈ હતી. ગઈકાલથી શરૂ થયેલો વરસાદ (Rain) આજે સવારે પણ યથાવત રહ્યો હતો. ઓલપાડ (Olpad) ના કિમ ગામે આવેલા અંબાજી મંદિરમાં પણ પાણી ફરી વળ્યાં હતા. છતાં પણ ભક્તોની આસ્થા અકબંધ રહી હતી. ભક્તોએ પાણીમાં ઉભા રહી મંદિરમાં સવારની આરતી કરી હતી. મંદિરમાં આવેલું શિવલિંગ પણ અડધું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. લોકોનું કહેવું હતું કે જાણે મેઘરાજા પણ ભગવાન શિવના દર્શન માટે આવતા હોય તેમ દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે.
આજે સવારથી પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા વરસાદની વાત કરીએ તો તેના આંકડા આ મુજબ છે. આજે સુરત શહેર સહિત તમામ જિલ્લાઓમાં પણ ધીમી ધારે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં આવેલા જિલ્લાઓમાં સૌથી વધારે સાડા આઠ ઇંચ વરસાદ પલસાણા તાલુકામાં નોંધાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. તાપીના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડ્યો. તો વાલોડમાં ત્રણ, વ્યારામાં બે અને સોનગઢ, ઉચ્છલમાં પોણા ઈંચ વરસાદ નોંધાયો. નવસારીમાં ભારે વરસાદથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું. સુરતના ઓલપાડના કીમ ગામે વરસાદના પાણી ભરાતા શિવલિંગ, રાધા-ક્રિષ્ન અને અન્ય મૂર્તિઓ પાણીમાં ડૂબી ગઈ હતી. તો સુરત શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ભગવાન મહાવીર કોલેજના માર્ગ પર પાણી ભરાતા નોકરિયાત, રાહદારી, વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તાપી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી હતી. વરસાદ પડતા જ ખેડૂતોએ ખેતરોમાં વાવણી શરૂ કરી છે.જિલ્લાના ખેડૂતો જમીન ખેડીને ડાંગરનું ધરું રોપી વરસાદની રાહમાં હતા. ત્યારે બે દિવસથી વરસાદનું આગમન થતા ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો છે,,ચાલુ વર્ષે સારા વરસાદની આશા સાથે ખેત ઉત્પાદન પણ સારું રહેવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદ
- બારડોલી : 5 ઇંચ
- કામરેજ : 1 ઇંચ
- મહુવા : 3 ઇંચ
- ઉમરપાડા : 1.25 ઇંચ
- ચોર્યાસી :4.68 ઇંચ
- ઓલપાડ: 4.72ઇંચ
- માંડવી : 2.68 ઇંચ
- માંગરોળ: 2.67 ઇંચ
- પલસાણા : 8.36 ઇંચ
- સુરત સીટી : 3.48 ઇંચ