Surat : ફરી બુલડોઝર ફર્યું, રુદરપુરામાં મેટ્રો સ્ટેશનને નડતરરૂપ 51 દુકાનો ધરાવતા કોમ્પલેક્ષનું ડિમોલિશન
સુરતના રૂદરપુરા વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્ષના અમુક દુકાનદારોએ મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે તેમની દુકાનને ખાલી કરવા માટે કોર્પોરેશન આપેલી નોટિસને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી.
સુરત (Surat) શહેરમાં ફરી બુલડોઝર (Bulldozer) ફર્યું છે. શહેરમાં હાલમાં મેટ્રો (Metro) નું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. ત્યારે મેટ્રો પ્રોજેક્ટને અને ખાસ કરીને મેટ્રો સ્ટેશનને નડતરરૂપ બાંધકામોનું પણ ડિમોલિશન (demolition) કરવામાં આવી રહ્યું છે. મેટ્રો રેલ પ્રોજેક્ટના સ્ટેશન માટે રુદરપુરામાં મ્યુનિસિપલ શોપિંગ કોમ્પ્લેક્ષ ખાલી કરાવા મુદ્દે હાઈકોર્ટે આપેલો મનાઈ હુકમ હટાવી લેવામાં આવતા સુરત મહાનગરપાલિકા માટે રસ્તો ખુલ્લો થઇ ગયો હતો જેથી મનપા દ્વારા 51 દુકાનો ધરાવતા આ કોમ્પલેક્ષને હટાવી દેવાની કામગીરી આજે સવારથી શરુ કરવામાં આવી છે. સ્થાનિક લોકોનો વિરોધ થવાની સંભાવના હોવાના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. જોકે કોઈપણ પ્રકારનો કાંકરીચાળો ન થતા કોર્પોરેશને પણ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરતના રૂદરપુરા વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્ષના અમુક દુકાનદારોએ મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે તેમની દુકાનને ખાલી કરવા માટે કોર્પોરેશન આપેલી નોટિસને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. જોકે આ મામલે હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સંદર્ભે કરેલા અવલોકનને ધ્યાને લીધું છે. જેમાં સુપ્રીમ કોર્ટે, ‘જાહેરહિતના મહત્વના પ્રોજેક્ટમાં કોર્ટે લાંબો સમય મનાઈ હુકમ આપીને હસ્તક્ષેપ કરવો જોઈએ નહી’ તેવું અવલોકન કર્યું હતું.
કોર્ટના હુકમને સ્વીકારી દુકાનદારો દ્વારા હવે આ તમામ 51 જેટલી દુકાનો ખાલી કરવા માટે મનપા દ્વારા કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. મનપા દ્વારા આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી ડિમોલિશન ની કામગીરી હાથ ધરવામાં આવી છે. દુકાનદારો દ્વારા વિરોધ થાય તેવી શક્યતા હતી. પરંતુ સવારે શાંતિપૂર્ણ માહોલમાં કાર્યવાહી શરૂ થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
છતાં કોર્પોરેશન દ્વારા ડિમોલિશન દરમ્યાન વધારાના સિક્યોરિટી સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. આ ડિમોલિશન માટે અસરગ્રસ્તોએ રજુઆત કરી હતી કે દુકાનો છીનવાઈ જવાથી તેમની રોજીરોટી છીનવાઈ જશે. દુકાનદારોએ જિલ્લા કોર્ટમાં કોર્પોરેશનની કામગીરી ને પડકારી હતી. જોકે નિર્ણય કોર્પોરેશન તરફે આવતા આજે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ હતી.