Surat: હવે મહાનગરપાલિકાના અધિકારીઓને મળવા ફરજીયાત આઈકાર્ડ પહેરવું પડશે
સુરત મનપામાં અધિકારીની કેબિનમાં બે શખ્શો ફાઈલમાં છરો છુપાવીને ઘુસી ગયાની ઘટના બાદ હવે સિક્યુરિટી વધારે ચુસ્ત બનાવી દેવામાં આવી છે અને હવે અધિકારીઓને મળવા માટે મુલાકાતીઓ પાસે આઈકાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે.
બે દિવસ પહેલા જ સુરત મહાનગરપાલિકાના (surat Municipal corporation) સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફ ગાયત્રી જરીવાળાને મળવા મુલાકાતીઓના સ્વાંગમાં આવીને બે શખ્સોએ ફાઈલમાં છરો છુપાવી લઈ જઈને અધિકરીને ગેરકાયદે બાંધકામ તોડવા માટે મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં હવે પાલિકાના અધિકરીઓને મળવા જવું હોય તો મુલાકાતીઓએ ફરજીયાત આઈકાર્ડ લઈ જવા પડશે.
‘પાડાના વાંકે પખાલી’ને ડામ જેવી સ્થિતિ સુરત મહાનગરપાલિકાની કચેરીમાં ઉભી થઈ છે. કારણ કે હવે સિક્યોરિટી(Security) વધારે ચુસ્ત કરી દેવામાં આવી છે એટલું જ નહીં મુલાકાતીઓને મળવા આવતા લોકોએ હવે ફરજીયાત પોતાના આઈકાર્ડ સાથે રાખવા પડશે અને તે પછી જ તેઓ અધિકારીની મુલાકાત લઈ શકશે.
હવે સુરત મનપા કચેરીમાં આવતા તમામ મુલાકાતીઓના આઈકાર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે. જરૂર લાગે તો સરસામાનની પણ તપાસ કરવા સિક્યોરિટીને સૂચના આપવામાં આવી છે. તેમજ જે તે અધિકારીની ફોન પર મંજૂરી પણ લેવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ જ જે તે અધિકારી પાસે મુલાકાતી જઈ શકશે. જેના માટે સિક્યોરિટી કેબીન પાસે પાસ ફાળવતી કેબીન અને ટેલિફોનની સુવિધા આપવા પણ માંગ કરવામાં આવી છે.
જો કે આ ઘટનામાં પાલિકાના સિક્યોરી વ્યવસ્થામાં છીંડા બહાર આવ્યા છે અને વોચ એન્ડ વોર્ડ વિભાગે દાખવેલી બેદરકારીનું આ પરિણામ છે, જેના કારણે કોઈ શખ્શો અધિકારી પાસે ફાઈલમાં છરા લઈને ઘુસી ગયા. જોકે હવે તેના બદલે બીજા સામાન્ય મુલાકાતીઓને પણ અટકાવીને તપાસ કરવામાં આવતા લોકોને હેરાનગતિ થઈ રહી છે. સુરત મનપા કચેરીમાં રોજના અસંખ્ય લોકો વિવિધ કામોને લઈને આવતા હોય છે તેવામાં ચેકિંગના આ નવા ગતકડાથી લોકોમાં કચવાટ પણ દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચો : Surat : નર્મદ યુનિવર્સીટીનો પદવીદાન સમારંભ 24મીએ, શિક્ષણમંત્રી રહેશે હાજર