Surat : વરાછામાં કાર અપાવવાના બહાને મહિલા વેપારી સાથે 3.14 લાખની છેતરપિંડી
એક યુવકે મહિલાને અર્ટિગા ગાડી બુકિંગ કરાવાને બહાને ગાડી બુકિંગની બોગસ રસીદનો સ્ક્રીન શોર્ટ મોકલી આપી તેણીને વિશ્વાસમાં લીધી હતી, ત્યાર બાદ તેની પાસેથી રૂપિયા 3.14 લાખ પડાવી લીધા હતા, છેતરપિંડીની જાણ થતાં મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી
સુરત (Surat) શહેરના વરાછા વિસ્તારમાં રહેતી અને બોમ્બે માર્કેટ પાસે આવેલ ગ્લોબલ માર્કેટમાં દુકાન ધરાવતી મહિલા વેપારીના સંપર્કમાં જીવનસાથી વેબસાઈટ મારફતે એક યુવક સંપર્કમાં આવ્યો હતો. બાદમાં આ યુવકે તેણીની માટે અર્ટિગા ગાડી બુકિંગ કરાવાને બહાને યુવતી પાસેથી રૂપિયા 3.14 લાખ પડાવી લીધા હતા. ગાડી બુકિંગની બોગસ રસીદનો સ્ક્રીન શોર્ટ મોકલી આપી તેણીને વિશ્વાસમાં લીધી હતી. જોકે બાદમાં યુવતીને તેણીની સાથે ઠગાઈ થયાની જાણ થતા તેમણે છેતરપિંડી (Fraud)ની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પુણા બોમ્બે માર્કેટ (Bombay Market) જલવંત ટાઉનશીપમાં રહેતા શિવાબેન શ્રવણગૌરવ તિવારી વરાછા ગ્લોબલ માર્કેટમાં લીબાસ પ્રેજાન્ટેડ બાય શીવા ટેક્ષટાઈલ નામથી સાડી અને કુર્તીઓનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શિવાબેનનો એક વર્ષ પહેલા જીવનસાથી વેબસાઈટ પર અભિષેક સુરેશકુમાર નંદવાની સાથે સંપર્ક થયો હતો.
ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ ફોન ઉપર અવાર નવાર વાતચીત કરતા હતા. તેમજ ગત તા 1 ડિસેમ્બર 2021ના રોજ અભિષેક સાથે ઘર પાસે મુલાકાત થઈ હતી. દરમિયાન એકવાર શિવાબેને અભિષેકને તેના પિતા માટે ગીફ્ટમાં અર્ટિગા સી.એન.જી આપવા માટે બુક કરાવી છે પરંતુ 10 મહિનાનું વેઈટીંગ હોવાની વાત કરી હતી. જેથી અભિષેકે તેના મિત્ર પાસેથી બીજાને ત્રણ ફોર વ્હીલ ગાડી અપાવી છે. તારે સમયસર ગાડી લેવી હોય તો મને કહેજે હું બુકીગ કરાવી આપીશ હોવાનુ કહી ગત તા 2 ડિસેમ્બરના રોજ રાત્રે નવેક વાગ્યે ઘરે આવી એજન્ટ સાથે મોબાઈલ ઉપર ગાડી બુકિંગની વાત કરાવી હતી.
અભિષેકે શિવાબેનને પોતે એજન્ટને રૂપિયા 1,51,000 મોકલી આપ્યા છે હોવાનુ કહેતા જેતે સમયે શિવાબેને રોકડા 78 હજાર આપ્યા હતા. ત્યારબાદ અભિષેકે ટુકડે ટુકડે કરી શિવાબેન પાસેથી કુલ 3,14,000 પડાવી લીધા હતા. આટલુ ઓછું હોય તેમ અભિષેકે માતા પિતાની આવતીકાલે મેરેજ એનીવર્સરી છે અને મમ્મીને આઈફોન ગીફ્ટ આપવાને બહાને શિવાબેનને ક્રેડીટ કાર્ડ મારફતે 80 હજારનો આઈફોન પણ ખરીદ્યો હતો.
શિવાબેને ગાડી બુકીંગની રસીદ માંગતા નવસારીના ધરમરાજ ઓટો મોબાઈલ પ્રાઈવેટ લીમીટેડ કંપનીની રસીદ મોકલી આપી હતી. જેમાં એક રસીદ 48 હજારની અને બીજી રસીદ 1,51,000 હતી. શિવાબેને ગુગલ પર સર્ચ કરતા નવસારીમાં ધરમરાજ ઓટો મોબાઈલ નામની કોઈ કંપની સર્ચ થઈ ન હતી. અને આધારકાર્ડના સરનામે તપાસ કરતા અભિષેક ચાર પાંચ વર્ષ પહેલા વેસુમાં રહતો હોવાનુ બહાર આવ્યુ હતુ. શિવાબેને તેના પૈસાની માંગણી કરતા અભિષેકે ખોટા વાયદા આપી સમય પસાર કર્યો હતો.
ત્યારબાદ શિવાબેનને તેના પિતાના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હોવાનો ખોટો સ્ક્રીન શોર્ટ મોકલી આપ્યો હતો. શિવાબેનને અભિષેકે તેમની સાથે ઠગાઈ કરી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ RAJKOT : ભાજપના MLA ગોવિંદ પટેલનો ગૃહમંત્રીને પત્ર, પોલીસ કમિશનર પર રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો