Surat : ભાજપમાં જોડાયેલા AAPના પક્ષપલટું કોર્પોરેટરોનું સી.આર.પાટીલના હસ્તે સ્વાગત થશે, પણ 22 નગરસેવકોમાંથી હવે કોણ જશે તેવી ચર્ચા ગરમ
આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા પાંચ અને સંભવતઃ વધુ ત્રણ કોર્પોરેટરોના ભાજપમાં જોડાયા બાદ આ તમામ કોર્પોરેટરોનું ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવે તેવી જાણકારી મળવા પામી છે.
Surat : આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના (AAM Aadmi Party)અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે. ગઈકાલે વિપુલ મોવલીયા સહિત પાંચ કોર્પોરેટરોએ (Corporators)આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપનો (BJP) ખેસ ધારણ કર્યા બાદ આજે વધુ ત્રણ કોર્પોરેટરો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સંભવતઃ આ ત્રણ કોર્પોરેટરો પણ વહેલી તકે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરત શહેર વધુ એક વખત વિધાનસભાની ચુંટણી પહેલા રાજકારણનું એપિક સેન્ટર સાબિત થઈ રહ્યું છે. કોંગ્રેસની ગેરહાજરી વચ્ચે વરાછા સહિતના પાટીદાર વિસ્તારોમાં બહોળું જનસમર્થન ધરાવતી આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ એક સાથે પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ જતાં આપનું સંગઠન ઉંઘતું ઝડપાયું હતું. આ ઘટનાને હજી 24 કલાક પણ વીત્યા નથી ત્યાં વધુ ત્રણ કોર્પોરેટરો ભૂગર્ભમાં ઉતરી જતાં આમ આદમી પાર્ટીની ચિંતામાં વધારો થયો છે.
આજે સવારથી જ શહેરના રાજકીય વર્તુળોમાં આમ આદમી પાર્ટીના વધુ ત્રણ કોર્પોરેટરો ભાજપનો ખેસ ધારણ કરશે તેવી અટકળો શરૂ થઈ ચુકી છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંગઠનમાં પણ હવે આ ત્રણ કોર્પોરેટરોને કોઈપણ સંજોગોમાં ભાજપમાંથી છેટા રાખવા માટે હવાતિયા મારી રહ્યું હોવાની જાણકારી મળવા પામી છે.
સી.આર.પાટીલના (CR Patil) સુરતમાં આગમન બાદ કોર્પોરેટરોનું થશે ભવ્ય સ્વાગત
આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા પાંચ અને સંભવતઃ વધુ ત્રણ કોર્પોરેટરોના ભાજપમાં જોડાયા બાદ આ તમામ કોર્પોરેટરોનું ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવે તેવી જાણકારી મળવા પામી છે.
પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સીઆર પાટીલ સુરત આવશે ત્યારે તેમની હાજરીમાં આમ આદમી પાર્ટીના પક્ષપલ્ટુ કોર્પોરેટરોનું સંભવતઃ વરાછા વિસ્તારમાં જ ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે.
22 કોર્પોરેટરો આપની સાથે છે અને સાથે જ રહેશેઃ ધર્મેશ ભંડેરી
વિરોધ પક્ષના નેતા અને આમ આદમી પાર્ટીના વફાદાર સેનાપતિઓ પૈકી એક ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, જેણે આમ આદમી પાર્ટી સાથે દગો કરવો હતો તેઓના ચહેરા જગજાહેર થઈ ચુક્યા છે અને હવે કોઈ કોર્પોરેટર આપ સાથે વિશ્વાસઘાત કરે તેવી કોઈ શક્યતા નથી.
ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલથી જ પાર્ટીના તમામે તમામ 22 કોર્પોરેટરો સાથે ગઈકાલથી જ સંપર્ક કરવામાં આવ્યો છે અને પાર્ટી સાથે વિશ્વાસઘાત કરીને ભાજપમાં જોડાયેલા વિપુલ મોવલીયા સહિતના પાંચેય કોર્પોરેટરોને બાદ કરતાં તમામ કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે જ છે. ત્રણ કોર્પોરેટરો ભુગર્ભમાં ઉતર્યા હોવાની વાતને પણ તેઓએ નકારી કાઢી હતી.